
ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ સહિત અવકાશ સ્ટેશન પર ફસાયેલા NASA એટલે કે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના બે અવકાશ યાત્રીઓને નક્કી સમય પહેલા પૃથ્વી પર પરત લાવવામાં આવી શકે છે. અમેરિકન સ્પેસ એજન્સીએ આ જાણકારી આપી છે. સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત વર્ષે જૂનથી બોઇંગના સ્ટારલાઇનરની ટેકનિકલ સમસ્યાઓને કારણે અવકાશમાં ફસાયેલા છે જેમને ISS સુધી લઇ જવામાં આવ્યા હતા.
ક્યારે પરત ફરશે સુનીતા વિલિયમ્સ?
અમેરિકન અવકાશ એજન્સી NASAએ કહ્યું કે, 'સ્પેસએક્સ' આગામી અવકાશ યાત્રીઓની ઉડાન માટે કેપ્સુલ બદલશે જેથી બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સને માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતની જગ્યાએ માર્ચના મધ્યમાં પરત લાવવામાં આવી શકશે. તે આઠ મહિના કરતા વધુ સમયથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ફસાયેલા છે.નાસાએ મંગળવારે જણાવ્યું હતું કે મિશનની તૈયારીઓ પૂર્ણ થયા પછી અને એજન્સીની ફ્લાઇટ રેડીનેસ પ્રક્રિયાના પ્રમાણપત્ર પછી, એજન્સીનું ક્રૂ-10 લોન્ચ હવે 12 માર્ચે કરવાનું લક્ષ્ય છે.
ક્રૂ-9 મિશનના નવા આવેલા ક્રૂ-10 ચાલક દળ સાથે કેટલાક દિવસના હેન્ડઓવર સમય બાદ પૃથ્વી પર પરત ફરવાની યોજના બનાવવામાં આવી છે. આ મિશનમાં સુનીતા વિલિયમ્સ, વિલ્મોર, નાસાના અવકાશયાત્રી નિક હેગ તેમજ રોસકોસ્મોસના અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવનો સમાવેશ થાય છે. ક્રૂ-૧૦ ની અગાઉની લોન્ચ તારીખ માર્ચના અંતમાં હતી. ક્રૂ-10 મિશન નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ આયર્સ, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસકોસ્મોસ અવકાશયાત્રી કિરીલ પેસ્કોવને અવકાશ સ્ટેશન પર લઈ જશે.