
પોપ ફ્રાન્સિસે LGBT સમુદાય માટે કથિત રીતે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માગી છે. તેમણે ઈટલીમાં બિશપ સાથેની ખાનગી બેઠક દરમિયાન ગે લોકો માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોપ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમનો હોમોફોબિક ભાષાનો ઉપયોગ કરવાનો કોઈ ઈરાદો નથી. વેટિકનના પ્રવક્તા માટ્ટેઓ બ્રુનીએ કહ્યું, 'પોપનો ક્યારેય ગે-વિરોધી શબ્દોથી નારાજ કરવાનો ઈરાદો નહોતો અને તેઓ અન્ય લોકોના કહેવાથી દુઃખી થયેલા લોકોની માફી માગે છે.'
વાસ્તવમાં, પોપ ફ્રાન્સિસે ઇટલીમાં બિશપ સાથે ખાનગી બંધ બારણે બેઠક કરી હતી, જે દરમિયાન તેમણે LGBT સમુદાય પ્રત્યે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી ઇટાલિયન મીડિયા દ્વારા તેના અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઇટાલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોપ ફ્રાન્સિસે મીટિંગ દરમિયાન ઇટાલિયન શબ્દ 'ફ્રોસિયાગીન'નો ઉપયોગ કર્યો હતો. તેનો અંદાજે અનુવાદ 'ફેગોટનેસ' અથવા 'ફેગોટ્રી' થાય છે. વેટિકનના પ્રવક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પોપ ઇટાલિયન મીડિયા અહેવાલોથી વાકેફ હતા. તેઓ એક સમાવિષ્ટ અને આવકારદાયક ચર્ચને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે.
પોપ ફ્રાન્સિસ પહેલા પણ LGBT સમુદાયને લઈને આપી ચૂક્યા છે નિવેદન
વેટિકનના પ્રવક્તા માટ્ટેઓ બ્રુનીએ પુનરોચ્ચાર કર્યો કે, 'કોઈ પણ નકામું નથી, કોઈ અનાવશ્યક નથી'. પોપ પાસે દરેક માટે જગ્યા છે. 87 વર્ષીય પોપ ફ્રાન્સિસ તેમના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન LGBT સમુદાય સુધી પહોંચવા માટે જાણીતા છે. 2013માં પોપ ફ્રાન્સિસે કહ્યું હતું કે 'જો કોઈ વ્યક્તિ ગે છે અને ભગવાનને શોધવા માગે છે, તેના વિચારો સારા છે, તો નિર્ણય કરનારો હું કોણ છું.'