
Donald Trump: ન્યૂયોર્ક મેયર બનવાની રેસમાં ઝડપથી આગળ વધી રહેલા ભારતીય મૂળના ઉમેદવાર Zohran Mamdani પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા હતા. ટ્રમ્પે ભારતીય મૂળના ફિલ્મ મેકર મીરા નાયરના 33 વર્ષીય પુત્ર ઝોહરાન મમદાનીને 100% પાગલ કોમ્યુનિસ્ટ ગણાવ્યા. નોંધનીય છે કે, ઝોહરાન મમદાની ન ફક્ત ટ્રમપની વિરોધી પાર્ટીના નેતા છે પરંતુ તે તેમના વૈચારિક વિરોધી પણ છે. ટ્રમ્પ રિપબ્લિકન છે, જ્યારે ઝોહરાન મમદાની ડેમોક્રેટ છે. ટ્રમ્પ મૂડીવાદ અને ખુલ્લા બજારના સમર્થક છે, જ્યારે ઝોહરાનને સમાજવાદી વામપંથી માનવામાં આવે છે. તેથી, ટ્રમ્પનો વિરોધ વાજબી છે.
ટ્રમ્પે કહ્યું કે, 'ઝોહરાન મમદાનીએ થોડા સમય પહેલાં જ ડેમોક્રેટિક પ્રાઇમરી જીતી છે અને તે મેયર બનવા જઈ રહ્યા છે. આપણી પાસે પહેલા પણ કટ્ટરપંથી ડાબેરીઓ હતા, પરંતુ આ થોડું હાસ્યાસ્પદ બની રહ્યું છે. તે ભયાનક દેખાય છે, તેમનો અવાજ કર્કશ છે, તે બહુ હોશિયાર નથી.'
મેયર બનવા જઈ રહ્યા છે મમદાની
ભારતીય-અમેરિકન નેતા Zohran Mamdaniએ 24 જૂન, 2025ના દિવસે ન્યૂ યોર્ક શહેરના મેયર માટે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં જીત હાંસલ છે, જેમાં તેમણે રાજકીય દિગ્ગજ અને પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવ્યા છે. Zohran Mamdaniને કાઉન્ટ કરાયેલા બેલેટ પેપરના 90 ટકા મત મેળવ્યા છે. જ્યારે તેમને કુલ મતોના 43.5 ટકા મત મળ્યા હતા. Zohran Mamdaniને હાલમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જોકે, રેન્ક્ડ ચોઇસ વોટિંગ (RCV)ની પ્રક્રિયા હેઠળ અંતિમ પરિણામની પુષ્ટિ હજુ બાકી છે, જેમાં મત ગણતરી અને વિતરણ પૂર્ણ થયા પછી જુલાઈ 2025માં પરિણામો જાહેર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં, મામદાનીની લીડ મજબૂત માનવામાં આવે છે, પરંતુ ટેક્નિકલ રીતે જાહેરાત હજુ બાકી છે. પરંતુ તેમની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
ટ્રમ્પે ટ્રૂથ પર શું લખ્યું?
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું, 'આખરે આ થઈ જ ગયું, ડેમોક્રેટ્સે હદ વટાવી દીધી. ઝોહરાન મમદાની, એક 100% સામ્યવાદી પાગલે હમણાં જ ડેમોક્રેટિક પ્રાઇમરી જીત હાંસલ છે અને મેયર બનવા જઈ રહ્યા છે. આપણી પાસે પહેલા પણ કટ્ટરપંથી ડાબેરીઓ હતા, પરંતુ આ થોડું હાસ્યાસ્પદ બની રહ્યું છે. તે ભયાનક દેખાય છે, તેનો અવાજ કર્કશ છે, તે હોશિયાર પણ નથી, તેની પાસે AOC+3 છે, બધા મૂર્ખ છે, તેને ટેકો આપી રહ્યા છે અને આપણા મહાન પેલેસ્ટિનિયન સેનેટર, ક્રાયિન ચક શુમર પણ તેની આગળ નમી રહ્યા છે. હા, આ આપણા દેશના ઈતિહાસમાં એક મોટી ક્ષણ છે!'
જોકે, ટ્રમ્પ આટલેથી જ ન અટક્યા. બીજી એક પોસ્ટમાં, તેમણે ડેમોક્રેટિક પાર્ટીના પ્રદર્શનની અને અન્ય પ્રગતિશીલ રાજકારણીઓની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે, ડેમોક્રેટિક પાર્ટીએ ચૂંટણીની રેસમાં પાછા આવવા માટે 'અમેરિકન પ્રમુખના પદ માટે ઓછી બુદ્ધ ધરાવતા ઉમેદવાર જેસ્મીન ક્રૉકેટને નૉમિનેટ કરવી જોઈએ.'
નોંધનીય છે કે, ઝોહરાન મમદાની 2021થી એસ્ટોરિયા, ક્વીન્સનું પ્રતિનિધિત્વ કરતા ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.
નેતન્યાહૂની ધરપકડનું નિવેદન
મમદાની વિદેશ નીતિ પર મજબૂતી સાથે બોલનારા નેતા છે. તેમણે પેલેસ્ટાઇનના પક્ષમાં મજબૂત વલણ અપનાવ્યું છે, જેના કારણે તેમને ઈઝરાયલ તરફી જૂથો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે, 'જો ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ન્યુ યોર્ક શહેરની મુલાકાત લેશે, તો હું તેમની ધરપકડ કરાવીશ.' જેના માટે તેમણે આંતરરાષ્ટ્રીય અદાલત દ્વારા નેતન્યાહૂ સામે જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો છે.
જણાવી દઈએ કે નવેમ્બર 2025 માં યોજાનારી મુખ્ય ચૂંટણીઓમાં, ઝોહરાન મમદાની ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે વર્તમાન મેયર એરિક એડમ્સ (અપક્ષ) અને અન્ય ઉમેદવારો સામે ચૂંટણી લડશે.