ગુજરાતના પાવન યાત્રાધામ અંબાજી મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું એક મોટું કેન્દ્ર છે. જ્યાં દરરોજ હજારો માઈ ભક્તો માના દર્શનનો લ્હાવો લેવા જતાં હોય છે. વિશેષ વાર અને તહેવારે આ સંખ્યા લાખોએ પહોંચે છે. તેવામાં કાળઝાળ ગરમીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર વાતોમાં જોવા મળી છે. શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે.
ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સેવા નામપૂરતી
હાલમાં ગરમીનો પારો વધતો હોઈ ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલ પડી રહી છે. લાખો રૂપિયાનું દાન મેળવતા અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા જોવા મળી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભકતો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામપૂરતી જોવા મળી છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં મંદિરમાં ભીડ જોવા મળી છે. તેવામાં માઈ ભક્ત દ્વારા દાન પેટે આવેલું RO મશીન પણ છેલ્લા એક મહિનાથી બંધ છે. સાથે મંદિર પરિસરમાં મુકેલા ઠંડા પાણીના મશીનો પણ બંદ હાલતમાં છે.
વેકેશનના માહોલને લઈને અંબાજી ખાતે ભક્તોનો જમાવડો
કાળઝાળ ગરમીમાં ભક્તો માટેની મંદિર પરબમાં હાલ ગરમ પાણી આવી રહ્યું છે જેને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીથી રાહત માટે સમ ખાવા પૂરતા માત્ર બે નાના મંડપ બાંધવામા આવ્યા છે. ટ્રસ્ટની આવી બેદરકારીને લઈને માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે સાથે જ પરિસરમાં વધુ સુવિધાની માંગ કરવામાં આવી છે. હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેથી અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો પહોંચ્યા છે.