
Ahmedabad Plane Crash News: અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ભારત સહિત દુનિયાભરને હચમચાવી દીધી છે. ઘટનાસ્થળ પર તંત્ર દ્વારા સતત તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આજના દિવસમાં વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે જેને પગલે કુલ મૃતક આંક 275 પર પહોંચ્યો છે. એવામાં પ્લેન ક્રેશ અકસ્માતમાં સિવિલમાં ફરજ બજાવતા નોર્થ ઇસ્ટના એક તબીબનો ચમત્કારિક બચાવ થયો છે.
મળતી માહિતી પ્રમાણે, અરુણાચલ પ્રદેશના ટેડી મરાનો આબાદ બચાવ થયો છે. પ્લેન ક્રેશની ગણતરીની મિનિટ પહેલા તેઓ ક્વાર્ટરમાં ઉપસ્થિત હતા. તેઓએ લંચ સમયે કપડાં પર ડાઘ પડતા નાહવા જવાનો વિચાર કર્યો હતો. આ દરમ્યાન હોસ્પિટલમાંથી કામ અર્થે ફોન આવતા તેઓ કપડાં બદલી ત્યાં જવા રવાના થયા હતા. અને તેમના 1200 બેડ હોસ્પિટલ પહોંચતા જ તબીબ આવાસ પર પ્લેન ક્રેશનો બનાવ બન્યો હતો.