
Ahmedabad Plane Crash News: અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે હવે હોસ્ટેલ ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશ બ્યુરો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 4 બિલ્ડિંગ ખાલી કરવામાં આવશે. વિધાર્થી રહેવા માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને યુ.એન.મહેતા હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, GCRSના 10 ડોક્ટર રહેતા હતા. 50 રૂમ એક વર્ષ માટે ભાડે લેવામાં આવ્યા હતા. તેમાંથી 9 ડેન્ટલ કોલેજમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જ્યારે 12 મિથિલા હોસ્ટેલ શિફ્ટ કરવામાં આવ્યા છે. બધા ડોક્ટરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
IMAએ ટાટા ગ્રુપને પત્ર લખી સહાય માટે કહ્યું
12 જૂને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મેડિકલના વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ અને મોતના પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) - ગુજરાત રાજ્ય શાખા દ્વારા ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખી સહાય માટે વિનંતી કરવામાં આવી છે. IMA ગુજરાત શાખાએ એર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોના પરિવારોને જાહેર કરાયેલા ₹1 કરોડના વળતર અને BJ મેડિકલ કોલેજ હોસ્ટેલના નવીનીકરણ માટે આપવામાં આવેલી સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો.
IMA એ પત્ર લખી જણાવ્યું હતું કે, 'અમે વિનંતી કરીએ છીએ કે આ વિમાન દુર્ઘટના વખતે હોસ્ટેલમાં હાજર મેડિકલના વિદ્યાર્થીઓ જે ઇજાગ્રસ્ત થયા છે અથવા જેમણે જીવ ગુમાવ્યો છે. તેમના પરિવારજનોને પણ નાણાકીય સહાય અને જરૂરી મદદ પૂરી પાડવામાં આવે. આ વિદ્યાર્થીઓ માત્ર દુર્ઘટનાનો ભોગ બન્યા નથી, પરંતુ તેઓ આપણા ભવિષ્યની હેલ્થકેર સિસ્ટમનો પાયો હતા. તેમના પરિવારોજનોને તાત્કાલિક ધોરણે પણ સહાય જાહેર કરવામાં આવે.'