
Israel Vs Iran : ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કર્યા બાદ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોના વિવાદ વચ્ચે હવે અમેરિકાની એન્ટ્રી થઈ છે. અમેરિકાના બે અધિકારીઓએ શુક્રવારે (13 જૂન) કહ્યું કે, અમેરિકાએ ઈરાનના વળતા હુમલાને ધ્યાને રાખી યુદ્ધ જહાજો અને સૈન્ય સાધનો પશ્ચિમ એશિયા તરફ મોકલવાનું શરૂ કરી દીધું છે.
અમેરિકાએ બે યુદ્ધ જહાજો પશ્ચિમ એશિયા તરફ મોકલ્યા
અમેરિકન નૌકાદળને ડિસ્ટ્રોયર શિપ યુએસએસ થૉમસ હંડનર અને ડિસ્ટ્રોયર યુદ્ધ જહાજને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ લઈ જવાનો નિર્દેશ અપાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સ્થિતિ પર ચર્ચા કરાવ માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખો સાથે બેઠક કરી રહ્યા છે.
મોટા હુમલાની તૈયારીઓ : અમેરિકન મીડિયામાં દાવો
અમેરિકન મીડિયામાં દાવો કરાયો છે કે, અમેરિકાના 'એક્સક્લુઝિવ ઇન્ટેલિજન્સ'એ ઈરાન પર હુમલામાં ઈઝરાયેલને ફાયદો કરાવ્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આગામી કેટલાક દિવસમાં મોટા હુમલાની તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાએ ઈરાન પર ઈઝરાયેલી હુમલામાં સીધી સૈન્ય ભૂમિકા નિભાવી નથી, પરંતુ તેણે ઈઝરાયેલને ખૂબ જ ચોક્કસ ગુપ્ત માહિતી પુરી પાડી છે.
અમેરિકા ઈઝરાયેલની રક્ષા કરશે
અમેરિકન વિદેશ સચિવ માર્કો રુબિયોએ કહ્યું કે, ‘જો જરૂર પડશે તો અમેરિકા ઈઝરાયેલની રક્ષા કરવા માટે હંમેશા ઉભો રહેશે, ખાસ કરીને જો ઈરાન બેલેસ્ટિક મિસાઈલથી જવાબી હુમલો કરશે તો અમેરિકા ઈઝરાયેલને મદદ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકાને પહેલેથી જ હુમલાની જાણકારી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં સતત ભયાનક હુમલાઓ થવાના છે.