
એક તરફ માછલીના પિંખાયેલાં પંખ, બીજી તરફ દીદીની વિંખાયેલી સાડી. આ વાર્તા 'સર્વજ્ઞા' લેખકના મુખે નહિ પણ છોકરાના મુખે કહેવાઈ છે....
હિં દી કથાકાર અને કવિ વિનોદ કુમાર શુક્લ (૧૯૩૭- )ને જ્ઞાાનપીઠ પુરસ્કાર મળશે એવી જાહેરાત તાજેતરમાં થઈ. તેમની વાર્તા 'માછલી' તમને ગમશે. વાર્તા એક છોકરાને મુખે કહેવાઈ છે : તેનું નામ ન આપ્યું હોવાથી આપણે તેને 'છોકરો' કહીશું.
છોકરો અને તેનો નાનો ભાઈ સંતૂ શ્વાસભેર દોડતા હતા, ઘર તરફ. દોડવાનું કારણ એમ કે ઝોળીમાં રાખેલી માછલીઓ તરફડીને મરી ન જાય. ભાઈઓનો પ્લાન હતો કે એક માછલી પિતાજી પાસે માગી લઈશું અને કૂવામાં ઉછેરશું. વરસતા વરસાદમાં ભાઈઓ સાવ પલળી ગયા. છોકરાએ ઝોળીનું મોં આકાશ ભણી કર્યું જેથી માછલીઓને રાહત થાય. વાંછટથી તળાવ પાસે હોવાનો આભાસ થતાં એક માછલી એવી ઊછળી કે ઝોળી છટકતાં બચી. ઘરે નાવણિયાનો દરવાજો વાસીને ભાઈઓએ માછલીઓ પાણીની બાલદીમાં મૂકી. મા-ના મારથી બચવા તેમણે પાણીથી લથબથ ખમીસ ઉતારીને નિચોવી નાખ્યું અને પેન્ટભેર બેઠા. સંતૂ બહુ પ્રેમપૂર્વક માછલીઓને નિહાળતો હતો. છોકરાએ એક માછલી હાથમાં લીધી, 'તુંય પકડ સંતૂ, ડરે છે શાનો?' 'ના રે બાબા, કરડે તો?' સંતૂ પાછળ હટયો. બાલદીને તળિયે જઈ બેઠેલી માછલીને ઊંચકીને છોકરો બોલ્યો, 'સંતૂ, આની આંખમાં તારી છાયા દેખાતી હોય તો એ જીવતી, બાકી મરેલી!' સંતૂએ અચકાતાં દૂર દૂરથી જોયું, 'અરધી પરધી છાયા દેખાય છે ખરી.' 'જા, દીદીને બોલાવી આવ.' પાછા આવીને સંતૂએ કહ્યું, 'દીદી તો સૂતી છે.' 'દિવસે સૂતી છે? મા શું કરે છે?' સન્તૂ બોલ્યો, 'મસાલો પીસે છે.' છોકરો સમસમી ગયો : આ તો માછલી રાંધવાની તૈયારી!
જે પાટલા પર માછલી કાપવાની હતી, તે ધોવાઈને તૈયાર હતો. નોકર ભગ્ગુ વાડામાં ચાકુની ધાર કાઢતો હતો. દીદીએ સંતૂને પલળેલો જોયો. તેને પ્યારથી સમજાવી કરીને સારાં સારાં કપડાં પહેરાવ્યાં, વાળ ઓળી આપ્યા. છોકરો સાદાં કપડાં પહેરવા જતો હતો, તેને પણ ધોબી ધોયેલાં વસ્ત્ર પહેરાવ્યાં. સૌ કહેતાં કે દીદી રૂપાળી છે. દીદી ઓરડો બંધ કરીને ફરી પાછી સૂઈ ગઈ. ભગ્ગૂએ પાટલા પર એક માછલીને જોરથી બે-ત્રણ વાર પટકી, પછી રાખ લગાડી. એકાએક ગરદન કાપી. એટલામાં બીજી માછલી લઈને સન્તૂ નાઠો. 'અરે,અરે' કરતો ભગ્ગૂ પાછળ દોડયો. પાટલા પર હજી એક માછલી તરફડતી હતી. ઓરડામાંથી દીદીના રોવાનો અવાજ આવ્યો. તેનું શરીર હીબકે હીબકે ધ્રૂજતું હતું. સંતૂ માછલીને છાતીસરસી ચાંપીને ભોંયસરસો પડયો હતો. ભગ્ગૂને ડર હતો કે તે માછલી કૂવામાં ફેંકી દેશે તો પિતાજીનો પિત્તો ઊછળશે. ખેંચાખેંચ ચાલતી હતી. ઓરડામાંથી પિતાજીના ઘાંટા સંભળાતા હતા.
માછલીઓના ટુકડે ટુકડા થઈ ગયા હતા, તેમની ગોળ ચમકદાર પાંખો વિખેરાઈને પડી હતી. ઓરડામાં મા પણ હતી. દીદીના નિસાસા સંભળાતા હતા. કદાચ પિતાજીએ તેના પર હાથ ઉપાડયો હતો. પિતાજી ગરજ્યા, 'ભગ્ગૂ, નરેન ઘરમાં ઘૂસે તો સાલાના હાથપગ તોડીને બહાર ફેંકી દેજે. પછી જે થાય તે હું જોઈ લઈશ!' સંતૂ ફિક્કો પડી ગયો હતો. કપડાં કાદવથી મેલાં, વાળ વિંખાયેલાં. પૂરા ઘરમાંથી માછલીઓની ગંધ આવતી હતી.
આ માછલી વિશેની વાર્તા હોય તેમ યથાતથ વર્ણનો અપાયાં છે: ખરીદી પછી ઝોળીમાં મુકાયેલી માછલીઓ, તેમનું વરસાદમાં ઊછળવું,બાલદીમાં તરવું, તેની આંખમાં દેખાતી છાયા... પરંતુ માછલી માત્ર પ્રતીક છે. આ વાર્તા માછલી સમાન નિસહાય કન્યા અને તેની ઉપરના અત્યાચાર વિશેની છે. લેખકનો કસબ જુઓ : કન્યાની વાત છેક છેલ્લે લાવે છે. વાચકને એમ જ લાગે કે આ તો બાળકના મુખે કહેવાતી માછલીની વાર્તા. બેય બાળકોને માછલી વહાલી હોવાથી વાચક પણ માછલીને વાત્સલ્યથી જોતો થઈ જાય છે. સમાંતરે લેખક ઇશારો કરે છે કે દીદી સુંદર છે. બન્ને બાળકો પ્રત્યેની તેની વર્તણૂક પ્રેમભરી છે. આમ માછલી અને દીદી વાચકની સહાનુભૂતિના અધિકારી બને છે. નરેન ઘરે આવવાનો હતો, કદાચ એટલે જ દીદી બાળકોને નવાં વસ્ત્રો પહેરાવીને વાળ ઓળી આપતી હતી. નરેનના હાથપગ તોડવાની આજ્ઞાા કરતા પિતાજીની ઇચ્છાથી જ માછલીની પણ ગરદન કપાય છે.
લેખક ઉમેરે છે કે ઘરમાં પિતાજી સિવાય કોઈ માછલી ખાતું નથી. આમ પિતાજી અણગમતા પાત્ર તરીકે ઊપસી આવે છે. તેમની ધાક એવી કે બાળકો તેમને પૂછી સુદ્ધાં નથી શકતાં કે એક માછલી ઉછેરવા માટે રાખી શકીએ?સંતૂ સંવેદનશીલ અને ડરપોક છે. તેનામાં માછલીને સ્પર્શવાનું સાહસ પણ નથી, અરે આંખમાં તાકવા માટે પણ દૂર જઈને બેસે છે. માછલીનું કપાવું જોઈ ન શકાતાં, આવા ગભરુ બાળકને પણ શૂર ચડે છે અને તે માછલી ઝાલીને કૂવામાં મૂકવા દોડે છે. નાટયાત્મક પળ છે આ. આપણે ક્રતા રોકી ન શકીએ તો તેનો વિરોધ જરૂર કરી શકીએ. એક તરફ માછલીના પિંખાયેલાં પંખ, બીજી તરફ દીદીની વિંખાયેલી સાડી. આ વાર્તા 'સર્વજ્ઞા' લેખકના મુખે નહિ પણ છોકરાના મુખે કહેવાઈ છે, જે માછલી અને દીદી વચ્ચેનું સામ્ય જાણતો નથી. તેને તો એટલી ય ખબર નથી કે દીદી રુએ છે શા કારણે. વાર્તા કહેનાર કરતાં વાર્તા સાંભળનાર વધુ જાણે છે.
સંતૂના ઘરમાં માછલીઓની અને આપણા દેશમાં પિતૃસત્તાક સમાજની ગંધ આવે છે.