
Kolkata gangrape case: પશ્ચિમ બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર સામે દેખાવો ચાલુ થયા છે. દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના વિરોધે રાજકીય રંગ પકડ્યો છે. શનિવારે કોલકાતાના રસ્તાઓ પર કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ મમતા સરકાર અને પોલીસ વહીવટી તંત્ર સામે દેખાવો કરતા રાજકીય મોરચો ખોલ્યો હતો. બંને પક્ષોએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવતા એસીપી પ્રદીપ ઘોષાલન અધ્યક્ષતામાં 5 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે બંગાળમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સતત બગડી રહી છે. કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદના સમર્થકોએ કોલકાતાના કસ્બા પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું હતું. તેમણે ન્યાયિક તપાસની માંગ કરતા આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર આ ગેંગરેપના ગંભીર ગુનાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ
કોલકાતામાં લો કોલેજ વિદ્યાર્થિની ગેંગરેપ મામલે BJP દ્વારા પણ શનિવારે આ મુદ્દે રસ્તે ઉતર્યા હતા. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ ગારિયાહાટ સ્ક્વેર પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન બપોરે 12 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને થોડી જ વારમાં ગારિયાહાટનો મુખ્ય ચોક ઠપ્પ થયો હતો. ભાજપ કાર્યકરોએ ટાઉન પોલીસ સ્ટેશન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.