ગોંડલમાં રવિવારના રોજ ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે ભારે ઘમાસાણ સર્જાયુ હતું. જે બાદ આજે ગોંડલની ઘટનાને લઈ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે ગોંડલની ઘટનાને આંતરિક લડાઈ ગણાવતા કહ્યુ કે ગોડલમાં એક જ પરિવારનું વર્ચસ્વ છે તે વર્ચસ્વ તોડવાની આ લડાઈ છે.
ગોંડલની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચે
ગોંડલની લડાઈ ભાજપુતો અને પાટીદારો વચ્ચે છે. સમાજ સાથે આ લડાઈને જોડવી વ્યાજબી નથી.વધુમાં તેમણે ગોંડલમાં બનેલી ઘટનાને લઈ કહ્યુ કે લોકશાહીમાં વિરોધ આવકાર્ય છે પરંતુ બન્ને પક્ષો હિંસક બને તે યોગ્ય ન કહેવાય.પોલીસ ગોંડલમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.
ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ
ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ રવિવારે સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ગોંડલ પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ, ધાર્મિક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો વિરોધ સહન કરવો પડ્યો હતો.
આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ તેમના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બી ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ કથિરિયાના સમર્થનમાં આવેલી ચાર-પાંચ કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેજા કાર ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે.