અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.
AMCએ ફટકારી હતી નોટિસ!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી ઈશ્યૂ કરી દેવામાં આવી હતી. જેમાં ઘણાં લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી.
પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.