
ભાવનગર શહેરના કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાં કોર્ટના આદેશ મુજબ આજે દબાણો દૂર કરી પ્લોટ મૂળ માલિકને સોંપવાની કામગીરી દરમિયાન એક વ્યક્તિને હાર્ટએટેક આવી જતા મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, આજે ભાવનગર શહેરના કુંભારવાડા ખાતરવાળી વિસ્તારમાં ઉદયભાઇ મોરી દ્વારા કોર્ટમાં જમીન ખાલી કરવા બાબતે ફરિયાદ કરેલ હોય જેને કોર્ટ દ્વારા તેના તરફથી ચુકાદો આવતા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટના માણસો દ્વારા આ જગ્યા ખાલી કરવામાં આવી હતી જે દરમિયાન ભીખાભાઈ સંગ્રામભાઈ ભોકળવા ને હાર્ટએટેક આવી જતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે ગગાભાઈ વાઘાભાઈ કાલીયા, તખુબેન આલગોતરને વ્યક્તિને તબિયત લથડતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ,બનાવના પગલે ભરવાડ સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી આપી હતી.