Home / World : India reached Pakistan's nuclear weapons, destruction of Noor Khan reason for ceasefire?

પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી પહોંચી ગયું હતું ભારત, નૂર ખાનનો વિનાશ જ યુદ્ધવિરામનું છે કારણ?

પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી પહોંચી ગયું હતું ભારત, નૂર ખાનનો વિનાશ જ યુદ્ધવિરામનું છે કારણ?
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ પર્યટકોની આતંકી હુમલામાં હત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ 7 મેના રોજ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. કાર્યવાહીનો સૌથી મોટો અને આશ્ચર્યજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો ચોક્કસ મિસાઈલ હુમલો હતો, જેણે માત્ર પાકિસ્તાનની સૈન્ય શક્તિને હચમચાવી દીધી, પરંતુ તેના પરમાણુ હથિયારોની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા. હુમલા બાદ 10 મેની સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી. પરંતુ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝનો વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર રહેલા ખતરાની વાર્તા છુપાયેલી છે.
 
નૂર ખાન એરબેઝ પર હુમલો, ભારતની વ્યૂહાત્મક ચેતવણી : 
નૂર ખાન એરબેઝ, જે અગાઉ ચકલા એરબેઝ તરીકે ઓળખાતું હતું, તે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં આવેલું છે. પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લોજિસ્ટિક હબ છે, જે વીઆઈપી મૂવમેન્ટ, ટોહી મિશન અને લાંબા અંતરની મિસાઈલોના સંચાલનનું કેન્દ્ર છે. સૌથી મહત્ત્વની વાત છે કે એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (SPD) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ના મુખ્યાલયની નજીક છે, જે દેશના લગભગ 170 પરમાણુ હથિયારોની સુરક્ષા અને સંચાલનની જવાબદારી સંભાળે છે.
 
10 મેની રાત્રે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઈલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર ચોક્કસ હુમલો કર્યો.  હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. હુમલામાં એરબેઝનું મહત્ત્વનું માળખું નષ્ટ થઈ ગયું, અને પાકિસ્તાની સેનામાં હડકંપ મચી ગયો. હુમલાએ પાકિસ્તાનને એહસાસ કરાવ્યો કે ભારતની મિસાઈલો તેના સૌથી સંવેદનશીલ સૈન્ય ઠેકાણાઓ સુધી પહોંચી શકે છે.
 
પરમાણુ કમાન્ડ સેન્ટર પર ખતરો
નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટરના અંતરે આવેલું પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડ સેન્ટર આ હુમલાની ઝપટમાં આવી ગયું હતું. અહેવાલો મુજબ, આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને 'ડિકેપિટેટ' (નિષ્ક્રિય) કરવાની ક્ષમતા ધરાવે છે. એક ભૂતપૂર્વ અમેરિકી અધિકારીએ જણાવ્યું, "પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેની પરમાણુ કમાન્ડને નષ્ટ ન કરે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પ્રથમ પગલું હોઈ શકે."

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે જો ભારતની બ્રહ્મોસ મિસાઈલ 1-2 કિલોમીટર વધુ ચોક્કસ નિશાનો લગાવે, તો પાકિસ્તાનના પરમાણુ હથિયારોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનની સ્થિતિ સર્જાઈ શકે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ નથી અને ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં, આ હુમલાએ પાકિસ્તાનના સૈન્ય અને રાજકીય નેતૃત્વમાં ભય પેદા કર્યો. કેટલાક સમાચારો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાત્કાલિક NCAની બેઠક બોલાવી હતી, જે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. જોકે, બાદમાં પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો કે આવી કોઈ બેઠક થઈ નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
પાકિસ્તાનના બચાવમાં અમેરિકા કૂદી પડ્યું 
નૂર ખાન એરબેઝ પરના હુમલાના સમાચારે અમેરિકામાં પણ હડકંપ મચાવી દીધો. એક સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સરકાર આ વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં ખચકાતી હતી, પરંતુ પરમાણુ યુદ્ધની આશંકાએ તેમને પણ મધ્યસ્થી કરવા મજબૂર કર્યા. આનું સૌથી મોટું કારણ એ હતું કે ભારત સીધું પાકિસ્તાનના પરમાણુ હથિયારો સુધી પહોંચી ગયું હતું. અહેવાલ મુજબ, શુક્રવારે રાત્રે પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત નૂર ખાન એરબેઝ પર વિસ્ફોટ થવાથી સ્થિતિ વધુ નાજુક બની ગઈ. આ બેઝ ન માત્ર પાકિસ્તાનની વાયુસેનાનું મુખ્ય પરિવહન કેન્દ્ર છે, પરંતુ તે તેના પરમાણુ હથિયારોની સુરક્ષા સાથે જોડાયેલા 'સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન'ના મુખ્યાલયની નજીક સ્થિત છે.

9 મેની મોડી રાત્રે અમેરિકાને "ખતરનાક ગુપ્તચર માહિતી" મળી, જેણે દક્ષિણ એશિયામાં પરમાણુ સંઘર્ષની આશંકાને વધારી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે પહેલા કહ્યું હતું કે "આ યુદ્ધમાં પડવું અમેરિકાનું કામ નથી." તેમણે તુરંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તણાવ ઘટાડવા માટે યુદ્ધવિરામની પહેલ કરી.

 પાકિસ્તાને પણ હુમલા બાદ તુરંત અમેરિકા સાથે સંપર્ક કર્યો. પાકિસ્તાની સેના પ્રમુખ અસિમ મુનીર અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચેની વાતચીતને યુદ્ધવિરામની દિશામાં પ્રથમ પગલું ગણવામાં આવ્યું. 10 મેની સાંજે 5 વાગ્યે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી, જેને બંને દેશોએ સ્વીકારી લીધી.
એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું કે જો તાત્કાલિક હસ્તક્ષેપ ન થયો હોત, તો પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધ તરફ આગળ વધી શકે તેમ હતી. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ પણ સ્વીકાર્યું કે અમેરિકાના હસ્તક્ષેપ, ખાસ કરીને રુબિયોની ભૂમિકાએ, સંઘર્ષને રોકવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. પાક વડાપ્રધાન શહબાઝ શરીફે ‘એક્સ’ પર લખ્યું, "અમે પ્રદેશમાં શાંતિ લાવવા માટે અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરીએ છીએ." જો કે ભારત તરફથી અમેરિકી પ્રયાસોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
 
પાકિસ્તાની અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો કે ભારત જાણીજોઈને તેને જવાબી કાર્યવાહીમાં એફ-16 લડાકુ વિમાનોનો ઉપયોગ કરવા માટે ઉશ્કેરી રહ્યું હતું, જેથી ભારત તેને નષ્ટ કરીને અમેરિકા સાથે પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોને પ્રભાવિત કરી શકે. નોંધનીય છે કે એફ-16 અમેરિકા દ્વારા પાકિસ્તાનને તેની "મેજર નોન-નાટો એલાય" સ્થિતિ હેઠળ આપવામાં આવ્યા હતા.
 
ઓપરેશન સિંદૂર: ભારતની વ્યૂહાત્મક જીત
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે નૂર ખાન ઉપરાંત ચકવાલમાં મુરીદ, શોરકોટમાં રફીકી અને રહીમ યાર ખાન જેવા અન્ય એરબેઝો પર પણ હુમલા કર્યા. આ હુમલાઓમાં ભારતે આતંકી ઠેકાણાઓ, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના શિબિરોને પણ નષ્ટ કર્યા. ભારતીય સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ દાવો કર્યો કે આ હુમલાઓમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા.
 
ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે હવે કોઈ પણ આતંકી હુમલો 'યુદ્ધનું કૃત્ય' ગણાશે, જેનાથી ભવિષ્યમાં આવી કાર્યવાહીઓ વધુ કડક થઈ શકે છે. સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના દુષ્પ્રચારને નકારી કાઢતા ભારતની કાર્યવાહીને આતંકવાદ સામે ચોક્કસ અને ન્યાયી ઠેરવી.
 
પાકિસ્તાનનો પ્રતિભાવ અને નબળાઈઓ
પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં 400 ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાએ તેને નિષ્ફળ કરી દીધો. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ભારતની મિસાઈલોને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી, જેણે તેની સૈન્ય નબળાઈઓને ઉજાગર કરી. આ ઉપરાંત, નૂર ખાન એરબેઝના વિનાશે પાકિસ્તાનને આર્થિક અને રાજદ્વારી રીતે પણ પાછળ ધકેલી દીધું. ભારતે સિંધુ જળ સમજૂતીને સ્થગિત કરવાની ધમકી આપી, જે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો બની શકે છે.

પરમાણુ હથિયારોની સ્થિતિ
સ્વીડનના થિંક ટેન્ક SIPRIના 2024ના અહેવાલ મુજબ, ભારત પાસે 172 પરમાણુ વોરહેડ છે, જ્યારે પાકિસ્તાન પાસે 170 છે. પાકિસ્તાને 'ફર્સ્ટ યૂઝ' નીતિ અપનાવી છે, એટલે કે જરૂર પડે તો તે પહેલા પરમાણુ હુમલો કરી શકે છે, જ્યારે ભારતની 'નો ફર્સ્ટ યૂઝ' નીતિ ફક્ત આત્મરક્ષણ માટે પરમાણુ હથિયારોના ઉપયોગની મંજૂરી આપે છે. નૂર ખાન પરના હુમલાએ સાબિત કર્યું કે ભારત પાકિસ્તાનના પરમાણુ હથિયારોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે, જેણે પાકિસ્તાનની ધમકીઓને નિરર્થક બનાવી દીધી.
Related News

Icon