
થોડા દિવસ પહેલા 92 વર્ષીય વૃદ્ધ પોતાની પત્ની માટે મંગળસૂત્ર ખરીદવા ગયા હતા. જેમને સોનીએ માત્ર 20 રૂપિયામાં આપ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. લોકોએ આ બાબતની ખૂબ જ સરાહના કરી હતી. હવે જ્વેલર્સે એ વાતનો ખુલાસો કર્યો છે કે તેઓએ વૃદ્ધને માત્ર 20 રૂપિયામાં કેમ મંગળસૂત્ર આપ્યું હતું.
મહારાષ્ટ્રના જ્વેલર્સે એક વૃદ્ધ દંપતીને માત્ર 20 રૂપિયામાં લગભગ 3,000 રૂપિયાનું મંગળસૂત્ર ભેટમાં આપ્યું, જેની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ સંદર્ભમાં ગોપિકા જ્વેલર્સના માલિક નિલેશ ખીવનસરાએ નિવેદન આપ્યું છે. દુકાન માલિકે કહ્યું કે, વૃદ્ધ દંપતિ સ્વાભિમાની છે. તેઓ મફતમાં કંઈ ઇચ્છતા નહોતા અને પૈસા ચૂકવવાનો આગ્રહ રાખતા હતા.
તેમણે કહ્યું કે વૃદ્ધ દંપતી પહેલા ઘરેણાંની શોધમાં તેમની પહેલી શાખામાં ગયા હતા. થોડીવાર ઘરેણાં જોયા બાદ કંઈ ખરીદ્યા વિના ચાલ્યા ગયા. આ પછી દંપતિ ત્રણ અન્ય દુકાનોમાં પણ ગયા. આ પછી તેઓ છત્રપતિ સંભાજીનગરમાં તેમની બીજી શાખામાં આવ્યા. 93 વર્ષીય વૃદ્ધનો ચહેરો જોઈને સ્ટાફે વિચાર્યું કે તેઓ કંઈક આર્થિક મદદ માગી રહ્યા છે. પરંતુ જ્યારે 93 વર્ષીય વૃદ્ધે તેમની પત્ની માટે મંગળસૂત્ર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે અમે તેમને મંગળસૂત્ર આપ્યું.
આશીર્વાદ તરીકે 20 રૂપિયા લીધા
જ્વેલરી દુકાનના માલિકે જણાવ્યું કે, દંપતીએ મંગળસૂત્ર મફતમાં લેવાની ના પાડી. તેના બદલે તેઓ અમને પૈસા આપી રહ્યા હતા. વૃદ્ધ દંપતીએ પહેલા મને 1,100 રૂપિયા અને પછી કેટલાક છૂટા સિક્કા આપ્યા. મહિલાએ પણ તેમની બેગમાંથી 10 રૂપિયા અને 20 રૂપિયાની નોટો પણ કાઢી. મેં કંઈ પણ લેવાની ના પાડી પરંતુ તેઓએ મને પૈસા આપવાનો આગ્રહ કર્યો. આખરે આ વડીલ દંપતી પાસેથી આશીર્વાદ તરીકે 10-10 રૂપિયા લીધા અને લગભગ 3,000 રૂપિયાનું એક ગ્રામ સોનાનો ઢોળ ચડાવેલું મંગળસૂત્ર આપ્યું. હું તેમના વહેવારથી અભિભૂત થયો હતો. દંપતીએ પોતાનું ઘર છોડી દીધું છે કારણ કે તેમનો એકમાત્ર પુત્ર દારૂડિયા હોવાનું કહેવાય છે. તેઓ રસ્તા પર રહે છે અને મોટેભાગે લોકોની સદ્ભાવના પર નિર્ભર રહે છે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના અંભોરા જહાંગીર ગામના એક સરળ ખેડૂત પરિવારના નિવૃત્તિ શિંદે અને તેમની પત્ની શાંતાબાઈ હાલમાં અષાઢી એકાદશી ઉજવવા પગપાળા પંઢરપુરની યાત્રાએ ગયા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ દંપતી હંમેશા સાથે રહીને આ ઉંમરે પણ એકબીજાનો સહારો બને છે.
વૃદ્ધોએ શું કહ્યું?
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના રહેવાસી વૃદ્ધ નિવૃત્તિ શિંદે, જેનો વીડિયો વાયરલ થયો હતો,તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી હું મારી પત્નીને કહેતો હતો કે હું તેને સોનાના ઘરેણાં અપાવીશ. પરંતુ હું તેમ કરી શક્યો નહીં. જ્યારે અમે સોનીની દુકાનમાં ગયા ત્યારે માલિકે અમને મફતમાં મંગળસૂત્ર આપ્યું. આનાથી અમને ખૂબ આનંદ થયો.