વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલા કેળધા બારપૂડા ગામમાં ચોમાસાની મોસમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં એક વૃદ્ધનું મૃત્યુ થતાં, ધોધમાર વરસાદ વચ્ચે અંતિમયાત્રા કાઢવી પડી અને તાડપત્રી તથા પતરાના સહારે અંતિમ ક્રિયા કરવામાં આવી. ગામમાં પાકી સ્મશાનભૂમિનો અભાવ અને જંગલ વિસ્તારમાં રસ્તાની સુવિધા ન હોવાથી ગ્રામજનોને આવી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ગામમાં એક વૃદ્ધનું મૃત્યુ થતાં, પરિવારજનો અને ગ્રામજનોએ બે કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આવેલી સ્મશાનભૂમિ સુધી અંતિમયાત્રા કાઢી. આ વિસ્તારમાં પાકો રસ્તો ન હોવાથી, લોકો લાકડા અને ટાયરો લઈને ચાલીને સ્મશાનભૂમિ સુધી પહોંચ્યા.