
સમગ્ર દેશમાં આજે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં રાજયના સુપ્રસિદ્ધ બાજરંગબલીના મંદિરોમાં હરિભક્તોનું ઘોડાપૂર ઉભરાયુ હતું. ઠેર ઠેર રુદ્ર મહાયજ્ઞ, બટુક ભોજન, ભંડાર અને ડાયરાનું આયોજન કરી ભક્તિભાવથી હનુમાનજીનો પ્રાગટ્યદિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યભરના હનુમાનજી મંદિરોમાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વીરપુરના હનુમાનજી મંદિરમાં લોટ ચડવાવની માન્યતા છે
જગ વિખ્યાત યાત્રાધામ વિરપુર જલારામધામ નજીક આવેલ શ્રી ગાળાવાળા હનુમાનજી દાદાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવી હતી. આ મંદિરમાં હનુમાનજીને વિશેશ રીતે પૂજા કરવામાં આવે છે. હનુમાનજી દાદાને લોટની માન્યતા માનવામાં આવે છે. ત્યારે આજે ખાસ હનુમાન જયંતિના આ પર્વ પર અહી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓની માનતા આ ગાળાવાળા હનુમાનજી દાદા ચોક્કસપણે આસ્થા અને શ્રદ્ધા સાથે પરીપુર્ણ કરે છે.
લાઠીના ભૂરખિયા હનુમાનજી મંદિરે લાખોની જનમેદની ઉભરાઇ
અમરેલીમાં લાઠીના ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પણ લાખો ભક્તોની જનમેદની જોવા મળી હતી. લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હનુમાન દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા. સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર સુધી પગપાળા જવાની વર્ષો જૂની પરંપરા આજે પણ સાચવાયેલી છે. લાઠી,અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ મંદિરે પગપાળા પહોંચી દાદાના દર્શન કર્યા હતા.
અમદાવાદના કેમ્પ હનુમાને ભક્તો માટે વિશેષ ભંડારો
આજે હનુમાન જયંતિના પાવન પર્વ પર કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. જ્યાં ભક્તો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરે દર્શન કરવા આવેલ તમામ ભક્તો માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવાનો લ્હાવો આપવામાં આવ્યો હતો. ભંડારા માટે 3000 કિલો શીર, 1500 કિલો બટાકાનું શાક અને 2000 કિલો લોટની પૂરી સાથે પાપડ પીરસવામાં આવ્યા હતા.
રાજકોટમાં બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું કરાયું આયોજન
હનુમાન જયંતિ નિમિતે હનુમાનમંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. રાજકોટના કારણસિંહજી હાઇસ્કૂલ ખાતે બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 108 કુંડી મારુતિ મહાયજ્ઞમાં હનુમાન ચાલીસાના પાઠ પર આહુતિ આપવામાં આવી હતી. હનુમાનજીના આ મહાયજ્ઞમાં 1250 લોકો જોડાયા હતા.
સુરેન્દ્રનગરમાં હનુમાનજીના મંદિરોમાં બટુક ભોજન, દાયરા અને ભંડારનું આયોજન
રાજ્યમાં સૌથી વધારે હનુમાનજીના મંદિર સુરેન્દ્રનગરમાં આવેલા છે. તેવામાં આજે હનુમાન દાદાના પ્રાગટ્ય દિવસ પર સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર બટુક ભોજન, ડાયરા તથા ભંડારા સહિતના કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરમાં હનુમાનજીના 5 હજારથી વધુ મંદિરો આવેલા છે. ઠેર ઠેર શેરી મહોલ્લામાં બિરાજમાન છે બજરંગબલી. સુરેન્દ્રનગર શહેરમાં હનુમાનજી વિવિધ સ્વરૂપમાં બિરાજમાન છે જેમાં બાલા હનુમાન, સિંદૂરરીયા હનુમાન, ખીજડિયા હનુમાન, બળિયા હનુમાન સહિતના હનુમાનજીના મંદિરોનો સમાવેશ થાય છે.
પંચમહાલમાં હનુમાનજી જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી
પંચમહાલમાં હનુમાનજી જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના વાવડી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં વહેલી સવારથી જ ભક્તોની હનુમાનજી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. હનુમાનજીના જન્મોત્સવને લઈને મંદિર આયોજકો દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લીમાં સાકરીયા ભીડભંજન મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન
મોડાસાના ગામે આવેલા સાકરીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વહેલી સવારથી જ દર્શને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પવિત્ર પ્રસંગમાં 100થી વધુ દંપતી દ્વારા મહાયજ્ઞમાં ભાગ લેવાયો હતો. સાંજે મહા આરતી કર્યા બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 25 હજારથી વધુ ભાવિ ભક્તો મહા પ્રસાદનો લાભ લેશે. સાકરીયા હનુમાનજી મંદિર ખાતે 500 જેટલા સ્વયંસેવકો આજના પવિત્ર દિવસ નિમિત્તે ખડેપગે રહી સેવા આપશે. સુતેલા હનુમાનજીનું ગુજરાતમાં માત્ર એક સાકરીયા ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે સ્વયંભુ શ્રી ભીડભંજન દેવ સાકરીયા તરીકે ઓળખાય છે. લોક માન્યતા અનુસાર અને મહાભારત યુગ સાથે આ મંદિર જોડાયેલ છે.
ચૂલેણમાં વર્ષો જૂના હનુમાનજીના મંદિરમાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ખેડા જીલ્લાના મહુધાના ચુણેલ ગામે પ્રસિદ્ધ શ્રી ચુણેલા હનુમાનજીનું મંદિર આવેલું છે. જ્યાં હનુમાનજીની મોટી પ્રાચીન પાષાણ મુર્તિ છે. જેની ગણના હનુમાનજીની મુખ્ય પાંચ મોટી મુર્તિઓમાં થાય છે. અહી દર્શન કરવાથી મનોકામના પૂરી થતી હોવાની માન્યતાને લઈ લોકો દૂરદૂરથી દર્શને આવે છે. મંદિરમાં હનુમાન જયંતિ, કાળી ચૌદસ સહિતના તહેવારોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. મહુધા તાલુકાના ચુણેલ ગામમાં રમણીય કુદરતી વાતાવરણ વચ્ચે તળાવ કિનારે સાડા ચારસો વર્ષ જૂનું હનુમાનજીનું ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે. એવી માન્યતા છે કે પ્રાચીન સમયે આ મૂર્તિ સ્વયં પ્રકટ થઈ હતી જ્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું જે ભાવિકોમાં ચુણેલા હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. પાંચ શનિવાર કરી મંદીરે હનુમાન દાદાના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. જેને લઈ ભાવિકો પાંચ શનિવારની માનતા રાખે છે. એવું પણ કહેવાય છે કે તે દરમિયાન દાદા ભાવિકની પરીક્ષા પણ કરે છે. આજરોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે નિમિત્તે મારૂતિ યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યુ.
ભરૂચમાં રામ ભક્ત હનુમાનજી ના પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
ચૈત્રી પૂર્ણિમાના હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ પર્વની ભરૂચમાં શ્રધ્ધા અને ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલ પૌરાણિક રોકડીયા હનુમાન મંદિર આવેલું છે. જ્યાં હનુમાન પ્રાગટ્ય મહોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન પીઠાધીશ્વર સનકાદીકચાર્ય ઓમકારદાસજી મહારાજની પ્રેરણાથી મંદિરના મહંત રામદાસ મહારાજના સાનિધ્યમાં 56 ભોગનો અન્નકૂટ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં હનુમાનભકતોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.