Home / : We will be together as long as the debt remains

Sahiyar : ઋણાનુબંધ રહેશે ત્યાં સુધી સાથે હોઈશું

Sahiyar : ઋણાનુબંધ રહેશે ત્યાં સુધી સાથે હોઈશું

- રિલેશનના રિ-લેસન

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- આપણા જીવનમાં અથવા તો આપણી આસપાસના વિશ્વમાં એવા ઘણા લોકો હશે જેમને પોતાના સહોદરો સાથે,સંબંધીઓ સાથે કે લોહીની સગાઈ ધરાવતા લોકો સાથે સામે જોવાનો પણ વ્યવહાર નહીં હોય. બીજી તરફ એવા પણ લોકો છે જે ચાર-ચાર અને પાંચ-પાંચ દાયકા સુધી એકબીજાની જોડે માત્ર મિત્રતાના સંબંધે જોડાયેલા રહ્યા હશે. 

માણસના જીવનમાં,વિચારોમાં,સંબંધોમાં અને કદાચ કુદરતના કાયદામાં ઘણી અનિશ્ચિતતા અને આશ્ચર્ય છે. આપણે ધારેલું થતું જ નથી. આપણે વિચારતા કશુંક હોઈએ અને થાય તેનાથી તદ્દન વિરુદ્ધનું. તે સમયે આપણે આશ્ચર્ય અનુભવવો કે આઘાત તેની પણ ખબર નથી પડતી. આપણે નોંધ્યું જ હશે કે,ઘણી વખત એવું પણ બનતું હોય છે કે,આપણે કોઈ વ્યક્તિને મળીને જઈએ અથવા તો મળવાનું વિચાર્યું હોય અને તે આ દુનિયા છોડીને જ જતી રહે. ઘણી વખત વૃદ્ધ વ્યક્તિ બહુ ટકશે નહીં તેવું વિચારીને આપણે તેને મુક્ત થવાની પ્રાર્થના કરીએ અને તે બે-પાંચ વર્ષ કે દાયકો ખેંચી કાઢે છે. મનુષ્ય જીવન અને સંબંધ કળી ન શકાય તેવા છે. આપણે જીવનના દરેક તબક્કે નવા સંબંધ બનાવતા જઈએ છીએ અને ઘણા જૂના સંબંધ છોડતા,ભુલતા કે તોડતા જઈએ છીએ. દર વખતે સ્વાર્થ,જરૂરિયાત કે અન્ય કારણો જવાબદાર હોય તેવું નથી. ઘણી વખત સ્થળ,કાળ,સમય અને ભૌગૌલિક સ્થિતિ તમને પોતાની ગમતી વ્યક્તિઓથી દૂર કરતી હોય છે કે,પછી તમારે પરાણે દૂર થવું પડે છે. સામાન્ય રીતે વિચારો કે જો ઘરમાં રહેતો એક છોકરો શાળાકીય અભ્યાસથી શરૂ કરીને કોલેજકાળ અને પીજી સુધી બહાર રહે અથવા તો વિદેશ કે બીજા સ્થળે જતો રહે તો તેનું ઘર સાથેનું પરિવાર સાથેનું અને સ્થાનિક લોકો સાથેનું જોડાણ ઘટતું જશે. 

તેવી જ રીતે આપણે સ્કૂલમાં ભણતા હતા,કોલેજમાં ભણતા હતા કે,પછી નોકરી કરતા હતા ત્યારે જે લોકો,મિત્રો કે સાથીઓ આપણી સાથે હતા તેમાંથી મોટાભાગના અત્યારે આપણી સાથે નહીં હોય અથવા તો આગામી દાયકા પછી કદાચ નહીં હોય. આ સીધું ગણિત છે. તમારા ઋણાનુબંધ ટકેલા છે ત્યાં સુધીનું જોડાણ છે. સ્કૂલ છોડયા પછી બીજા કોઈ શહેરમાં અભ્યાસ કરવા ગયા,કોલેજ પછી બીજે પીજીમાં ક્યાંક એડમિશન લીધું,ઓફિસ છોડીને બીજા ક્યાંક નોકરી લીધી,બીજા શહેરમાં કે દેશમાં ચાલ્યા જઈએ ત્યારે ઘણી બધી બાબતો પાછળ રહી જાય છે અથવા તૂટી જાય છે.

હમણાંની જ વાત કરું તો એક કિસ્સો મેં સાંભળ્યો હતો. એક પોડકાસ્ટ ઉપર સરસ મજાનો પતિ અને પત્ની વચ્ચેના ઝઘડા અને તેના કારણો વિશે એપિસોડ આવતો હતો. કેતન અને સાગરિકા વાત કરતા કરતા ઝઘડી પડયા. સાગરિકાની દલીલ હતી કે,તમે મને કાઢી મુકશો અથવા તો તમારા કારણે ક્યારેક હું મોટી ઉપાધીમાં મુકાઈ જઈશ. બીજી તરફ કેતનનું રટણ હતું કે,હું તને કાઢી નહીં મુકું પણ એક વાત નક્કી છે કે,કોઈક દિવસ તને મુકીને જતો ચોક્કસ રહીશ. તને નોંધારી નહીં રાખું. તારી અને આપણા સંતાનોના ભવિષ્યની તમામ યોજનાઓ કરીને આ ઘર છોડીને જતો રહીશ. ફરી ક્યારેય તમારા જીવનમાં આવીશ નહીં. 

આમ જોવા જઈએ તો આ માત્ર કેતન અને સાગરિકા પુરતું સિમિત નથી. લગભગ દરેક ઘરમાં આવો કંકાસ થયો જ હોય છે અને થતો રહે છે. ભવિષ્યમાં પણ કદાચ દંપત્તી વચ્ચે આવો ઝઘડો તો થતો જ રહેવાનો છે. આ કિસ્સામાં બંને એકબીજાને છોડવાની કે કાઢી મુકવાની કે પછી જતાં રહેવાની વાતો કરતા હતા પણ ખરેખર વિચારીએ તો આ બધું જેટલી સરળતાથી કહેવાય છે તેટલી સરળતાથી કે સ્વાભાવિક રીતે અમલમાં મુકી શકાય તેમ છે. આપણે થોડો પ્રેક્ટિકલ વિચાર કરીએ ને તો મનુષ્યના સંબંધો પણ મનુષ્ય જેવા હોય છે. તેની ઉંમર નિશ્ચિત હોય છે. તેનો જન્મ થાય ત્યારથી જ તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ હોય છે. આપણે જેને ઋણાનુબંધ કહીએ છીએ કે પછી એકબીજા સાથેની લેણદેણ કહીએ છીએ તે બધું જ સંબંધની રચના અને નાશ પાછળ જવાબદાર હોય છે. જે દિવસે,જે ક્ષણે,જે ઘડીએ અને જે સ્થળે સંબંધ પૂરો થઈ જવાનું લખાયું હશે તેનાથી કશું જ આગળ વધવાનું નથી. વ્યક્તિ ક્યાંય કોઈની રાહ જોવાની નથી કે સંબંધ ક્યાંય કોઈના માટે ટકવાનો નથી. વ્યક્તિ અથવા તો સંબંધ તેના નક્કી થયેલા સમયે સમાપ્ત થઈ જ જાય છે,ત્યારબાદ નામ વધે છે,વ્યક્તિનું અથવા તો સંબંધનું પણ તેનું અસ્તિત્વ હોતું નથી.

આપણે જો માત્ર આસપાસ નજર કરીએ તો એવા ઘણા લોકો મળશે,જે કહેશે કે મારા મોસાળના લોકો સાથેના મારા સંબંધો ક્યારેય સારા નથી રહ્યા,કોઈને સાસરીમાં વાંધો હશે તો કોઈને પાડોશીઓ સાથે નહીં ફાવતું હોય તો કોઈને કર્મચારો જોડે નહીં રહેવાતું હોય. તેના કારણે આ લોકો એવી ફિલોસોફી આપે છે કે,આપણે કોઈની પાસેથી અપેક્ષા રાખવાની જ નહીં. અહીંયા વાસ્તવિકતા એટલી જ છે કે,આપણે સૌ ઋણાનુબંધે જ ભેગા થઇએ છીએ. ભેગા રહીએ છીએ અને છુટા પડીએ છીએ. આમ જોવા જઈએ તો આ ખરેખર ઋણાનુબંધ કે પછી કદાચ એવું અલૌકિક અથવા તો અગોચર અથવા તો કળી ન શકાય એવું એક જોડાણ છે. સંબંધને માત્ર જીવી શકાય છે. તે ક્યારે આકાર પામશે અથવા તો અસ્ત થશે તેની કોઈ ધારણા હોતી નથી. આપણા જીવનમાં અથવા તો આપણી આસપાસના વિશ્વમાં એવા ઘણા લોકો હશે જેમને પોતાના સહોદરો સાથે,સંબંધીઓ સાથે કે લોહીની સગાઈ ધરાવતા લોકો સાથે સામે જોવાનો પણ વ્યવહાર નહીં હોય. બીજી તરફ એવા પણ લોકો છે જે ચાર-ચાર અને પાંચ-પાંચ દાયકા સુધી એકબીજાની જોડે માત્ર મિત્રતાના સંબંધે જોડાયેલા રહ્યા હશે. જીવનના દરેક પ્રસંગે અને તબક્કે એકબીજાની પડખે રહ્યા હશે. માણસના સંબંધ વિશે કોઈપણ સ્તરે અથવા તો ઉદાહરણ દ્વારા અંતિમ નિર્ણય કરવો અઘરો છે.

માણસ તરીકે સમજવા જેવી બાબત એટલી જ છે કે,જ્યારે સંબંધોનું આયુષ્ય પુરું થઈ જાય છે,તેના ઋણાનુબંધ પૂરા થાય છે ત્યારે પાછળ કશું જ વધતું નથી. તે માણસ,તે સમાજ અને બધું જ તમારા મોબાઈલના એક નંબરમાં,ફોટોના આલબમમાં અથવા સેલ્ફિમાં રહેલા જૂથ કે ટોળામાં સમાઈ જાય છે. તેનાથી આગળ તેનું અસ્તિત્વ રહેતું જ નથી. બધું જ સ્મૃતિશેષ થઈ જાય છે. ઘણા સંબંધો તો સ્મૃતિમાં પણ અસ્તિત્વ ટકાવી શકતા નથી. ક્યારેક,ક્યાંક,કોઈ સ્થળે,સમયે અથવા તો પરિસ્થિતિએ આવી બાબતો યાદ આવી જાય છે ત્યારે જુના સંબંધો તાજા થાય છે. એક વાત સારી છે કે,માણસના સંબંધો જેટલા ઝડપથી તૂટે છે અથવા તો નાશ પામે છે તેટલા જ ઝડપથી આકાર પણ પામે છે. સંબંધ એક એવી બાબત છે જે વ્યક્તિને, માણસને ટકી રહેવાનું બળ પૂરું પાડે છે. માણસના અસ્તિત્વની જેમ તેના સંબંધોનું સર્જન અને વિસર્જન પણ ઈશ્વરને આધીન છે. હું તમારી સાથે છું તો નક્કી તેનું કોઈ કારણ હશે અને તમે મારાથી દૂર ગયા કે હવે આપણે સાથે નથી તો નક્કી તેની પાછળ ઈશ્વરનું જ કોઈ પ્રયોજન હશે. ઋણાનુબંધ રહેશે ત્યાં સુધી સાથે હોઈશું અને જ્યારે પૂરા થશે ત્યારે બે ઘડી પણ સાથે રહી શકીશું નહીં.

- રવિ ઇલા ભટ્ટ

 

Related News

Icon