Home / : 150-second workout trend

Sahiyar : 150 સેકન્ડના વર્કઆઉટનો ટ્રેન્ડ : હવે ફિટનેસમાં પણ શોર્ટકટ

Sahiyar : 150 સેકન્ડના વર્કઆઉટનો ટ્રેન્ડ : હવે ફિટનેસમાં પણ શોર્ટકટ

ટૂંકા, તાત્કાલિક અસર કરે તેવા વર્કઆઉટનું આકર્ષણ કોઈને ન થાય તો જ નવાઈ. આજની વ્યસ્ત જીવનશૈલીમાં જ્યારે સમય સર્વોપરી છે અને અંગત તેમજ વ્યાવસાયિક જવાબદારીઓ આપણા સમયપત્રકને નક્કી કરે છે ત્યારે માત્ર દોઢસો સેકન્ડમાં ફિટ બોડી હાંસલ કરવાનો વિચાર પણ પ્રિય લાગે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જોકે આ વર્કઆઉટ ટ્રેન્ડ આકર્ષક લાગતો હોવા છતાં એક સવાલ તો ઉપસ્થિત થાય જ: આવો વર્કઆઉટ ખરેખર અસરકારક સાબિત થઈ શકે? દરરોજ માત્ર અઢી મિનિટ વર્કઆઉટ કરવાથી લાંબા ગાળાના ફિટનેસ લક્ષ્યાંક હાંસલ થઈ શકે ખરા? આ સવાલોનો જવાબ તેમજ આ નવા ટ્રેન્ડ વિશે વિગતવાર માહિતી અને તેની સંભવિત અસરો વિશે જાણકારી મેળવવા આરોગ્ય અને ફિટનેસ નિષ્ણાંતોના મત મેળવવા પડે.

દૈનિક શારીરિક વ્યાયામનું મહત્વ

શારીરિક કસરતોને લાંબા સમયથી આરોગ્ય જાળવવા માટે મહત્વની માનવામાં આવે છે. સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી) અનુસાર દૈનિક રૂટિનમાં તીવ્ર શારીરિક કસરતો સામેલ કરવાથી દર વર્ષે ૧૧ હજાર જણના જીવ બચાવી શકાય છે. દૈનિક વ્યાયામથી મળતા હૃદયના સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને બહેતર વજન મેનેજમેન્ટ સહિતના આરોગ્ય લાભની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રાખતા આ બાબતનું કોઈ આશ્ચર્ય નથી.

નિયમિત શારીરિક વ્યાયામના લાભ વિશે આપણે તમામ માહિતગાર હોવા છતાં સતત જીમનું રુટિન અપનાવવું અથવા આપણને મનગમતી રમત નક્કી કરવા આપણા માટે પડકારજનક રહ્યું છે. જીવનની અન્ય જવાબદારીઓ જેવી કે વ્યવસાય, પરિવાર અને સામાજિક જવાબદારીઓ આપણી પ્રાથમિક્તા માગી લે છે અને ફિટનેસ આપણા રડારમાંથી સૌથી પહેલા બહાર નીકળી જાય છે.

આથી જ ઘણા લોકો તેમની વ્યસ્ત જીવનશૈલીમાં કોઈ વધુ ફેરફાર કર્યા વિના ફિટ થઈ જાય તેવા ૧૫૦ સેકન્ડ વોકિંગ વર્કઆઉટ જેવા વર્કઆઉટ રુટિનનો શોર્ટ કટ અપનાવવા લલચાય છે. 

150 સેકન્ડ વોકિંગ વર્કઆઉટની વિગતો

જાણીતા યોગ પ્રશિક્ષકોના મતે 150સેકન્ડના વોકિંગ વર્કઆઉટમાં પ્રત્યેકી ૩૦ સેકન્ડની પાંચ કસરતો સામેલ હોય છે. માર્ચ પાસ્ટ,જમ્પીંગ જેક્સ,હાઈ નીઝ,બટ કિક્સ અને ઓપોઝીટ ટો ટચીસ નામની આ પાંચ કસરતો દસ વાર રિપીટ કરવાની હોય છે. નિષ્ણાંતોના મતે આ કસરતો પેડોમીટર પર ચાર હજારથી પાંચ હજાર પગલા જેટલી થાય છે. વર્કઆઉટની સરળતા અને સંક્ષિપ્તતા વધુ વ્યાપક વ્યાયામ દિનચર્યા માટે સમય ફાળવવામાં મુશ્કેલી અનુભવતા લોકો માટે આકર્ષક વિકલ્પ બની રહે છે.

150 સેકન્ડ વર્કઆઉટ સંક્ષિપ્ત હોવા ઉપરાંત લગભગ તમામ માટે શક્ય હોવાને કારણે પણ આકર્ષક છે. તેમાં કોઈ ઉપકરણ અથવા સાધનની જરૂર નથી પડતી તેમજ તેની ક્રિયાઓ પણ મૂળભૂત હોય છે જે લગભગ તમામ લોકો કરી શકે છે. આથી જ પ્રથમવાર કસરત કરનારા માટે પણ તે સહેલી છે. જો કે ખરો સવાલ એ છે કે આ ટૂંકી કસરત લાંબાગાળાના ફિટનેસ લક્ષ્યાંકો હાંસલ કરી શકે કે કેમ.

વોકિંગ વિ. વ્યાયામ

નિષ્ણાંતો દૈનિક રુટિનમાં આવા પ્રકારના વર્કઆઉટ સામેલ કરવાની વિરુદ્ધમાં નથી, છતાં તેના લાંબા ગાળાના લાભ બાબતે તેઓ સાવચેતી રાખવા કહે છે. મેડિકલ નિષ્ણાંતોના મતે વોકિંગ અને સક્રિય કસરતો બંનેના પોતાના લાભ છે, પણ તે બંનેના હેતુ અલગ છે.

સક્રિય કસરતો તીવ્ર હોય છે જેના કારણે તેનાથી ટૂંકા ગાળામાં વધુ કેલરી ખર્ચાય છે. તેનાથી વિપરીત વોકિંગ સાંધાઓ પર દબાણ ન કરતું હોવાથી તેને દૈનિક જીવનમાં આસાનીથી સામેલ કરી શકાય છે.

નિષ્ણાંતોના મતે ફિટનેસ માટે આદર્શ અભિગમ છે કે વોકિંગ અને સક્રિય કસરતો બંનેનો સમન્વય કરવો. સક્રિય કસરતો સામાન્યપણે વધુ કેલરી બાળે છે અને તેનાથી ઝડપથી વજન ઓછું થાય છે. જો કે વધુ કેલરી બાળવા માટે શ્રેષ્ઠ અભિગમ છે સાતત્યપૂર્ણ અને સક્રિય વર્કઆઉટનો સમન્વય કરવો. બંનેનું સંયોજન હૃદયના સ્વાસ્થ્ય, મજબૂત હાડકા અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થઈ શકે છે.

આ સલાહ એક મહત્વની વિશિષ્ટતા ઉજાગર કરે છે. 150 સેકન્ડ વોકિંગ વર્કઆઉટ ફિટનેસ રુટિનમાં સહાયક તરીકે ઉત્તમ છે, પણ વજનમાં ઘટાડો અથવા શક્તિના લાભ માટે તે એકલું પૂરતુ નથી. નિયમિત સક્રિય વ્યાયામ કોઈપણ અસરકારક ફિટનેસ રુટિન માટે મહત્વનું ઘટક રહેશે.

નાનકડી ક્રિયાના મોટા લાભ

આમ છતાં, ફીઝિયોથેરપીના નિષ્ણાંતો દૈનિક રુટિનમાં આવા કોઈપણ નાનકડા વર્કઆઉટ સામેલ કરવાની જોરદાર ભલામણ કરે છે. તેમના મતે બિલકુલ વ્યાયામ ન કરતા લોકો આટલી નાનકડી કસરત નિયમિતપણે કરે તો પણ તે ઉત્તમ છે. કોઈપણ નાના પ્રમાણમાં પણ કરાતી દૈનિક કસરત તમામ માટે લાભદાયી સાબિત તો થાય જ છે. વહેલી સવારે ટૂંકી અને ઝડપી ક્રિયા હૃદયના ધબકારામાં સુધારો કરે છે જેનાથી મોટી વયે હૃદયરોગના હુમલાનું જોખમ ઘટી જાય છે. ઉપરાંત તેનાથી સ્નાયુની લવચીકતા અને શક્તિમાં વધારો થાય છે જેનાથી નાની નાની ઈજાઓથી મુક્તિ મળે છે. આ તમામ બાબતો આપણા એકંદર પરફોર્મન્સમાં સુધારો લાવે છે અને દૈનિક તાણમાં ઘટાડો થાય છે.

ટૂંકા સમયના વ્યાયામ માટે તેમનું સમર્થન માત્ર એવા મુદ્દા પર આધારીત છે  કે કોઈપણ પ્રકારનો વ્યાયામ ન કરી શકતા લોકો થોડો પણ વ્યાયામ કરે તે ઉત્તમ છે. ટૂંકી અને ઝડપી 150 સેકન્ડની કસરત વ્યાપક વ્યાયામ પ્રોગ્રામનો વિકલ્પ નથી, પણ કંઈ જ ન કરી શકતા લોકો માટે બહેતર લાઈફસ્ટાઈલ અને લાંબી આવરદામાં ફાળો જરૂર આપી શકે છે.

ફિટનેસ પ્રત્યે સંતુલિત અભિગમ

આમ 150 સેકન્ડ વર્કઆઉટ લાંબા ગાળાની ફિટનેસ માટે છેલ્લો શબ્દ તો નથી,પણ વ્યસ્ત દિવસમાં તેને સામેલ કરવાથી ટૂંકા ગાળાનો લાભ જરૂર થાય છે. તમામ નિષ્ણાંતો એમાં તો સહમત છે કે કોઈપણ પ્રકારની કસરત ન કરી શકતા લોકો માટે 150  સેકન્ડનો વર્કઆઉટ દૈનિક શારીરિક ગતિવિધિ વધારવા માટે ઉપયોગી છે અને  મહત્તમ લાભ માટે ધીમે ધીમે તેની સાથે વધુ તીવ્ર,આયોજિત વ્યાયામ સામેલ કરી શકાય.

યાદ રહે ફિટનેસ એક સફર છે અને ટૂંકા ગાળાના શોર્ટકટ આ સફરનો હિસ્સો હોઈ શકે, પણ તે સમગ્રપણે તેનો ઉપાય નથી. એક સંતુલિત અભિગમ જેમાં નિયમિત વોકિંગ અને તીવ્ર તેમજ સક્રિય વર્કઆઉટનું મિશ્રણ હોય, તે જ લાંબો સમય ટકી શકતી ફિટનેસ અને એકંદર સુખાકારી માટેનો ઉત્તમ ઉપાય છે. 

- ઉમેશ ઠક્કર 

Related News

Icon