
Ahmedabad: ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવાના નેમ સાથે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કિનારે કોંગ્રેસનું 64મું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આ અધિવેશનને લઈ સંપૂર્ણ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. ડોમમાં આશરે 280 જેટલા પોર્ટેબલ એસી લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બે હજાર જેટલા નેતાઓ બેસી શકે તેવી ક્ષમતાનો ડોમ બનાવવામાં આવ્યો છે. આ સિવાય રિવર ફ્રન્ટ પર એક વીઆઈપી ડોમ પણ બનાવવામાં આવ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી આવનાર એઆઈસીસીના 2000 જેટલા ડેલિગેટ ગુજરાત આવશે. દેશના તમામ ડેલિગેટ સાથે તેમની માતૃભાષામાં વાતચીત કરવા માટે કૂલ 40 ટીમો બનાવવામાં આવી છે. આ સિવાય અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ ખાતે ડેલિગેટશ્રીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવશે.દરેક ડેલિગેટ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેશે.ડેલીગેટશ્રીઓ, સાંસદશ્રી, મંત્રીશ્રીઓ સહિતના મહાનુભાવોના ટ્રાન્સપોર્ટ માટે યુથ કોંગ્રેસ અને વિધાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા 43 ટીમ જેમાં એક ટીમમાં 5 હોદ્દેદારશ્રીઓ પોતાની ગાડી સાથે સહાય કરશે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરની ભાગીદારી સુનિશ્ચિત કરવા સૌ પ્રથમ તેમની ગાડીનો ઉપયોગ ત્યાર બાદ જ એન્જસીને કામ આપવામાં આવ્યું છે.