
અમદાવાદમાં જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે લાંચ માંગતા સર્વેયર ઝડપાયો છે. 5 લાખની લાંચ લેવા જતા ACBએ છટકું ગોઠવીને સર્વેયર સહિત બે જમીન દલાલને ઝડપી લીધા હતા.
5 લાખની લાંચ લેતા સર્વેયર ઝડપાયો
બનાવની વિગતો જોઇએ તો આ કામના ફરિયાદીના બહેનની જમીનમાં KJP દુરસ્તી સુધારો કરવા માટે આ કામના ફરિયાદીએ આરોપી ગૌતમ ભરતભાઇ યાજ્ઞીકનો સંપર્ક કરતા તેને KJP દુરસ્તી સુધારો કરવાના અવેજ પેટે ડી.આઇ.એલ.આર.કચેરી ખાતે વ્યવહાર કરવો પડશે તેમ કહી 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે લાંચ રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય ACBનો સંપર્ક કર્યો હતો.
ACBના લાંચના છટકા દરમિયાન આરોપી ગૌતમ ભરતભાઇ યાજ્ઞીક (સર્વેયર)એ લાંચના નાણા આરોપી નવગણસિંહ ખુમાનસિંહ ડોડીયા (જમીન દલાલ) તથા આરોપી મનીષ ધીરૂભાઇ પગી (જમીન દલાલ)એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા સ્વીકારી ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણાનો ગુનો કર્યો હતો. ACBએ છટકુ ગોઠવીને બોપલ આંબલી ચાર રસ્તાની ડાબી બાજુએ આવેલા હોન્ડા શો રૂમની આગળથી ત્રણેયને ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી.