Home / Gujarat / Ahmedabad : 8 students injured in Ahmedabad plane crash could not appear for exams

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા 8 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા

અમદાવાદ પ્લેન ક્રેશમાં ઈજાગ્રસ્ત થયેલા 8 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા

અમદાવાદમાં 12મી જૂને બનેલી ગોઝારી અને અતિકરૂણ એવી પ્લેન ક્રેશની ઘટનાને શનિવાર (12મી જુલાઈ) એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આ ઘટનામાં મુસાફરો અને ક્રુ મેમ્બર્સ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓથી માંડી સ્થાનિક-સ્ટાફ અને સ્ટાફ પરિવારજન પણ મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં તે દિવસ મેસ બિલ્ડિંગ અને આસપાસ હાજર 28થી 30 જેટલા વિદ્યાર્થી-રેસિડેન્ટસ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને લીધે એમબીબીએસના સેકન્ડ યરના 8 વિદ્યાર્થીઓ પ્રિલિમ પરીક્ષા આપી શક્યા નથી. તેમના માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરાશે. સુપર સ્પેશ્યાલિટીના પીજી રેસિડેન્ટ ડોક્ટરો-પરિવાર માટેની હોસ્ટેલ બિલ્ડિંગ તપાસને લઈને હજુ પણ કોર્ડન-બંધ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઈજાને લીધે ઘણાં હજુ કોલેજ નથી આવી શક્યા

પ્લેન ક્રેશની ઘટના 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકો માટે તો કાળ બનીને આવી જ હતી. પરંતુ જેઓ પ્લેનમાં બેઠા પણ ન હતા તેવા અનેક માટે પણ મોટી આફત બનીને આવી હતી. 12મી જૂને બપોરે 1:40 મીનિટે અમદાવાદથી લંડન જતુ પ્લેન સિવિલ હોસ્પિટલ નજીક બી.જે.મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની મેસ બિલ્ડિંગની છત અને પીજી હોસ્ટેલ બિલ્ડિંગોની છત પર અથડાતા મોટો વિસ્ફોટ થયો હતો. જેમાં મુસાફરો-ક્રૂ મેમ્બર્સ સહિત 241 ભૂંજાયા સાથે બી.જે.મેડિકલમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થી અને એક ઈન્ટર્ન સહિત પાંચ વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા. કે જેઓ મેસમાં ઘટના સમયે જમતા હતા. 

વિમાન દુર્ઘટનાને એક મહિનો પુરો થઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓથી માંડી-વાલીઓ માટે હજુ પણ એ દિવસ ભુલાયા તેમ નથી. જો કે, એક મહિના બાદ હવે સ્થિતિ સારી છે અને ધીરે ધીરે હોસ્પિટલ-મેડિકલ કોલેજમાં સ્ટાફ-વિદ્યાર્થીઓ માટે સામાન્ય થઈ ગયુ છે, તેમજ તમામ શિક્ષણ-કામગીરીમાં પરત ફર્યા છે. 

આ ઘટનામાં ઈજા પામનારા વિદ્યાર્થી રેસિડેન્ટ સહિતના 28થી 30 જેટલા  વિદ્યાર્થીમાંથી એમબીબીએસના ઘણાં વિદ્યાર્થી હતા. જેમાં સેકન્ડ યર એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે 26મી જૂનથી ત્રીજી જૂલાઈ દરમિયાન લેવાયેલી પરીક્ષામાં 8 વિદ્યાર્થીઓ હાજર રહી શક્યા નથી. ઈજાઓને લીધે સારવાર હેઠળના 8 સેકન્ડર યર એમબીબીએસ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકતા તેઓ માટે ફરી પરીક્ષા ગોઠવાશે અને ત્યાં સુધી પણ જો વિદ્યાર્થી ન આવી શકે તો યુનિવર્સિટીને સપ્લીમેન્ટરી ટેસ્ટ માટે જાણ કરાશે. 

મેસ બિલ્ડિંગ નજીક આવેલી પીજી સુપર સ્પેશ્યાલિટી રેસિડન્ટ માટેની અતુલ્મય 1,2,3 અને 4 સહિતની હોસ્ટેલ બિલ્ડિંગ ઘટના બાદ બંધ કરી દેવાઈ હતી. એક બિલ્ડિંગને ખૂબ જ નુકસાન થયુ હતુ. જ્યારે અન્ય બિલ્ડિંગોમાં થોડુ નુકસાન હતુ. પરંતુ નાના-મોટા રીપેરિંગ બાદ ફરી શરૂ થઈ શકે તેમ છે. જો કે, તપાસ એજન્સીઓ દ્વારા આ ચાર સહિતની પાંચ બિલ્ડિંગો તે સમયે કોર્ડન કરાઈ હતી અને જે હજુ પણ કોર્ડન છે. જે ખુલ્યા બાદ રીપેરિંગ કરીને રેસેડન્ટસને સોંપાશે. યુજી સ્ટુડન્સની તુટેલી મેસ બિલ્ડિંગ યુજી હોસ્ટેલમાં શરૂ કરી દેવાઈ છે.

પ્લેન 1 વાગ્યે ક્રેશ થયુ હોત તો અનેક વિદ્યાર્થીના મૃત્યુ થાત

પ્લેન ક્રેશની ઘટના લગભગ 1:40 એટલે કે પોણા બેની આસપાસ બની હતી. જે મેસ બિલ્ડિંગ પર પ્લેન અથડાયું હતુ અને વિસ્ફોટ થયો હતો તે મેસ બિલ્ડિંગમાં યુજી-એમબીબીએશના વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે જમવા માટેની મેસ હતી. મોટા ભાગે યુજીના વિદ્યાર્થીઓ 12:54થી 1:00 વાગ્યાની આસપાસ આ મેસમાં જતા હોય છે. 1 વાગ્યાની આસપાસ મેસમાં લગભગ દોઢસોથી બસો વિદ્યાર્થી હાજર હોય છે. અને દોઢ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરત હોસ્ટેલમાં જતા રહેતા હોય છે. જો તે દિવસે ૧ વાગે એટલે કે અડધો કલાક વહેલા ઘટના બની હોતો હાજર વિદ્યાર્થીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હોત. મેસમાંથી જમીને પરત આવેલા વિદ્યાર્થીઓ કહે છે કે અમે નીકળીને હોસ્ટેલ આવ્યાને પ્લેન ક્રેશ થયુ. જેથી અમે બચી ગયા હતા.

Related News

Icon