
અમદાવાદમાં એક તરફ રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો વચ્ચે તું-તારીના દ્રશ્યો સર્જાયા હતા. રૂપિયાના જૂના હિસાબની લેવડ દેવડને લઈ શક્તિસિંહ ગોહિલની ચેમ્બરમાં જ તડાફડી થઈ હતી. આ બબાલમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા આમને-સામને આવ્યા હતા.
દિગ્ગજ નેતાઓની હાજરીમાં થઈ બોલાચાલી
મળતી માહિતી પ્રમાણે, ગઈકાલ સાંજે પ્રદેશ અધ્યક્ષની ચેમ્બરમાં ગાળાગાળી થઈ હતી. ભરત મકવાણા બેઠા હતા ત્યારે ગ્યાસુદ્દીન શેખે આવી ઉઘરાણી કરતા બોલાચાલી થઈ હતી. અમિત ચાવડા, ઉષા નાયડુ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી સહિતના નેતાઓની હાજરીમાં બબાલ થઈ હતી. લોકસભા ચૂંટણી સમયે થયેલ ખર્ચના હિસાબને લઈને બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે.
લોકસભા ચૂંટણીનો હિસાબ બાકી રહેતા ગ્યાસુદ્દીન શેખ બગડ્યા
ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા પરથી ચૂંટણી લડ્યા ત્યારનો હિસાબ બાકી રહેતા ગ્યાસુદ્દીન શેખ બગડ્યા હતા. ગાળાગાળી કરતા બંને નેતાઓને સાથી નેતાઓએ છૂટા પડાવ્યા હતા. જો કે, બંને નેતાઓનો બબાલ બાબતે મીડિયા સમક્ષ બોલવા ઇનકાર કરવામાં આવ્યો છે.