બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ કેસમાં જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેસ અંગેની પ્રાથમિક તપાસ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ફટાકડાની ફેક્ટરીના બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 18 વર્ષથી ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠા થાય છે અને ત્યાં પણ તેમના ગોડાઉન છે.
તેમની ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 નિર્દોષ શ્રમિકોના જીવ ગયા છે, જેને પગલે આરોપીઓ વિરુદ્ધ માનવ વધ અપરાધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે ઝડપથી ચાર્જશીટ દાખલ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આરોપીઓને કોર્ટેમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. જે મુખ્ય કેમિકલના કારણે વિસ્ફોટ થયો તેના માટે પણ નિષ્ણાતની સલાહ લેવામાં આવી છે.
શું હતી ઘટના?
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 21 શ્રમિકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફેક્ટરીમાં વિસ્ફોટક પદાર્થમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બાદમાં ગણતરીના સમયમાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. વિસ્ફોટના કારણે ગોડાઉન પણ ધરાશાયી થઈ ગયું હતું. પાંચ જેટલા શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કારખાના-ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં કારખાના-ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. એટલુ જ નહીં, અપૂરતા સાધનોને લીધે ગરીબ શ્રમિકો મોતને ભેટી રહ્યાં છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના આંકડા મુજબ વર્ષ 2018થી માંડીને વર્ષ 2022 દરમિયાન, ગુજરાતમાં ફેક્ટરી અકસ્માતમાં કુલ મળીને 992 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ફેક્ટરી અકસ્માતમાં આખાય રાજ્યમાં સુરત અગ્રેસર રહ્યું છે. સુરતમાં 155 શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત નિપજ્યાં છે, જ્યારે અમદાવાદ બીજા ક્રમે રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષમાં 126 શ્રમિકોના મોત થયા છે. વલસાડ જિલ્લામાં 92 શ્રમિકો મોતને ભેટ્યાં છે.
.