
Ambaji News: ભાદરવી પૂનમ મહામેળો 2025ની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. અંબાજીમાં 1-7 સપ્ટેમ્બરે મેળો યોજાશે. કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. અંબાજી ખાતે આગામી 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થશે. આ મેળાની તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
કલેક્ટર મિહિર પટેલે મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે માટે સૂચનાઓ આપી હતી. દર વર્ષે લાખો ભક્તો આ મેળામાં આવતા હોવાથી વિવિધ સુવિધાઓમાં વધારો કરવા જણાવ્યું હતું. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા પર વિશેષ ધ્યાન અપાશે. ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા અને સુરક્ષા-સલામતીની વ્યવસ્થા પણ કરવામાં આવશે.