
Banaskantha News: ગુજરાત પોલીસે ચોર તસ્કરો સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એવામાં બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં ભંગારના 2 ફેરિયાઓ દ્વારા રેલવે ટ્રેક પર પાટાની ક્લિપો કાઢી નાખવાનો મામલો સામે આવ્યો છે. રેલવેની પેટ્રોલિંગ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર કરજોડા રેલવે ટ્રેક પર ટ્રેકના પાટાની 36 ક્લિપો કાઢી નાખનાર બે આરોપીની ધરપકડ કરી છે. બે ભંગારના ફેરિયાઓએ રેલવે ટ્રેકની ભંગારમાં વેચવા માટે 36 ક્લિપો કાઢી નાખી હતી. ક્લિપો કાઢ્યા બાદ 15 મિનિટ બાદ ટ્રેન આવવાની હતી કિન્તુ ટ્રેકની તપાસ કરતી પેટ્રોલિંગ ટીમે તરત ક્લિપો નાખી દેતા દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર મામલે તાલુકા પોલીસે પાલનપુરના બે ભંગારના ફેરિયાઓની ધરપકડ કરી છે. રેલ્વે ટ્રેક પેટ્રોલિંગ ટીમ દ્વારા સમયસર કાર્ય જો ન કરાયું હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી.