
Jetpur news: રાજકોટ જિલ્લાના મહત્ત્વના શહેર જેતપુરમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે. અગાઉ જેતપુરમાંથી એક પુરુષ અને બાંગ્લાદેશી મહિલા પણ મળી આવતા પોલીસે બંનેને નજરકેદ કરી લીધા હતા, ત્યારે જેતપુર ડિવિઝન સ્કવોડ દ્વારા 294 પરપ્રાંતીય નાગરિકોની પૂછપરછ કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત મહિને આતંકવાદી હુમલા બાદ સરકારે પરપ્રાંતીય નાગરિકોને જેમ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા કવાયત હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જેતપુર શહેરમાંથી પોલીસ તંત્રના હાથે ઝડપાયેલી આ બાંગ્લાદેશી મહિલા પાસપોર્ટ કે વીઝા વગર ઘૂસણખોરી કરી જેતપુરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં રાજમા ઉર્ફે મુક્તા ઉર્ફે સીલા નામની મહિલાની અટકાયત કરી આ શંકાસ્પદ મહિલાને નજરકેદ કરી કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લાદેશીઓને વીણી-વીણીને હાંકી કાઢવાની કવાયત હાથ ધરાઈ રહી છે તેમ છતાં આજે તંત્રના હાથે વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ જતા તંત્ર ફરી વિદેશી નાગરિકોને શોધવા વધુ સઘન તપાસ હાથ ધરશે.