
BZ પોંઝી સ્કીમ મામલે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાને એક કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે. BZ પોંઝી મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ મયુર દરજીને નિયમિત જામીન મળ્યા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ભુપેન્દ્ર ઝાલાના નિયમીત જામીન મંજૂર કર્યા છે.ભુપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ મયુર દરજી માટે વકીલ વિરલ પંચાલે દલીલો કરી હતી. CID ક્રાઈમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ 25/24 માં જામીન મળ્યા છે. કપડવંજના રોકાણકાર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ઝાલાને હજુ જેલમાં રહેવું પડશે. ભુપેન્દ્ર ઝાલા પર કુલ 3 ફરિયાદ નોધાઇ છે અને અન્ય 2 ફરિયાદમાં હજુ જામીન મેળવાના બાકી છે.
BZ ગ્રુપ કૌભાંડ શું છે?
ગુજરાતમાં BZ ગ્રુપ કૌભાંડ એક મોટું નાણાકીય કૌભાંડ છે જેમાં BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપ નામની કંપનીઓએ લોકોને બેંકો કરતાં વધુ વ્યાજ (લગભગ 7% માસિક અથવા 84% વાર્ષિક) અને ઊંચું રિટર્ન આપવાની લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે BZ ગ્રુપનો CEO હતો. આ કંપનીએ એક પોન્ઝી સ્કીમ ચલાવી, જેમાં નવા રોકાણકારોના પૈસામાંથી જૂના રોકાણકારોને વ્યાજ ચૂકવવામાં આવતું હતું.
શરૂઆતમાં આ કૌભાંડનું કદ 6,000 કરોડ રૂપિયાનું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ બાદ CID ક્રાઇમે જણાવ્યું કે ખરેખર આ રકમ લગભગ 172 કરોડ રૂપિયાની છે. આ રકમ 11,232 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવી હતી.
BZ ગ્રુપે ગુજરાત અને રાજસ્થાનમાં 17 શાખાઓ ખોલી હતી જેમાં પ્રાંતિજ, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભિલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લુણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર (રાજસ્થાન), અને રાજુલા (અમરેલી) નો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા 3,000થી વધુ એજન્ટોનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું.
આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹ 4 કરોડથી વધુ ઉઘરાવ્યા
BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.