
છત્તીસગઢ-તેલંગાણા બોર્ડરે બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 5 નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ ત્રણ દિવસ પહેલા સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનનો આરંભ કર્યો હતો. હજુ સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર ચાલુ છે. નક્સલવાદીઓ સામેના આ ઓપરેશનમાં અનેક સુરક્ષા એકમો સામેલ છે, જેનો ઉદ્દેશ્ય સરહદી જંગલ વિસ્તારોમાં નક્સલવાદીઓની હાજરી અને માળખાગત સુવિધાઓને ખતમ કરવાનો છે. મળતી માહિતી મુજબ નક્સલવાદીઓ ચારે બાજુથી ઘેરાઈ ચૂક્યા છે.
5 નક્સલીઓ માર્યા ગયા
સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન એક એન્કાઉન્ટરમાં 5 નક્સલીઓને ઠાર માર્યા છે. એન્કાઉન્ટર સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા છે. બીજાપુર જિલ્લાના ઇન્દ્રાવતી વિસ્તારના જંગલોમાં નક્સલીઓની હાજરી અંગેની માહિતીના આધારે જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), બીજાપુર, DRG દાંતેવાડા, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન અથવા COBRAની સંયુક્ત ટીમ ઓપરેશન માટે ગઈ હતી.
બીજાપુરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત ઓપરેશન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલવાદીઓ IEDનો ઉપયોગ કરી શકે છે, તેથી સુરક્ષા દળો સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 100થી વધુ IED મળી આવ્યા છે. નક્સલીઓએ સૈનિકોને નિશાન બનાવવા માટે આ વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા હતા. હાલમાં આ વિસ્તારમાં ગોઠવેલી આ સુરંગો હટાવવાનું કામ ચાલી રહ્યું છે.