
ગઈકાલે IPL 2025ની ખૂબ જ રોમાંચક મેચમાં, CSK એ KKRને 2 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, KKR એ 179 રન બનાવ્યા હતા. જવાબમાં, CSK એ છેલ્લી ઓવરમાં બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આ મેચમાં, CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અણનમ રહ્યો અને પોતાની ટીમ માટે 17 રન બનાવીને મેચ જીત્યો. આ મેચ પછી, એમએસ ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે પણ એક મોટું નિવેદન આપ્યું હતું.
હજુ નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી
બુધવારે અહીં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે બે વિકેટથી મળેલી જીત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સ્વીકાર્યું કે, 'હું મારી કારકિર્દીના અંતિમ તબક્કામાં છું, પરંતુ મારો તાત્કાલિક નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નથી. આથી સમય જતાં હું નિર્ણય લઈશ.'
CSK એ આ જીત સાથે ચાર મેચની હારનો સિલસિલો તોડ્યો હતો, ત્યારબાદ ધોનીએ ફેન્સના સપોર્ટ બદલ પ્રશંસા કરી અને કહ્યું કે વર્તમાન સિઝનના અંતે નિવૃત્તિ લેવાનો મારો કોઈ ઇરાદો નથી.
ફેન્સ તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે: ધોની
મેચ પછી ધોનીએ કહ્યું, "આ તે પ્રેમ અને સ્નેહ છે જે મને હંમેશા મળ્યો છે. ભૂલશો નહીં કે હું 43 વર્ષનો છું. હું ઘણા સમયથી રમી રહ્યો છું. ઘણા લોકોને ખબર નથી કે મારી છેલ્લી મેચ ક્યારે હશે. તેથી તેઓ મને રમતા જોવા આવવા માંગે છે."
ધોનીએ કહ્યું, "આ સિઝન પછી હું ફરીથી સખત મહેનત કરીશ અને જોઈશ કે મારું શરીર આ પ્રેશર સહન કરી શકે છે કે નહીં. હજુ સુધી કંઈ નક્કી નથી થયું. ફેન્સ તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે."