Home / Entertainment : Celebrities vermilion and social media

Chitralok: સેલિબ્રિટી, સિંદૂર અને સોશિયલ મીડિયા

Chitralok: સેલિબ્રિટી, સિંદૂર અને સોશિયલ મીડિયા

- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- 'સેલિબ્રિટીઓ અને ઇન્ફ્લુએન્સરો સાવધાનીપૂર્વક વર્તે... ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયામાં બકવાસ કરવાનું તેઓ બંધ કરે' 

ખરેખર, સોશિયલ મીડિયા નવું નવું આવ્યું ત્યારે ફિલ્મી સેલિબ્રિટીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આગળ જતાં આ નવી નવાઈનું માધ્યમ એમની ઊંઘ હરામ કરી દેવાનું છે! ફિલ્મી કલાકારો એક્સ (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પર શું કરે છે તેના પર જ નહીં, તેઓ શું નથી કરતા તેના પર પણ જનતાનું પાક્કું ધ્યાન હોય છે. ઓપરેશન સિંદૂર પર હજુ અલ્પવિરામ લાગ્યું ન લાગ્યું ત્યાં તો સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઓ સામે રોષ ફાટી પડયો. અમિતાભ બચ્ચન, આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ વગેરે ટોપ સ્ટાર્સની તસવીરોનું કોલાજ બનાવીને પોસ્ટ મૂકાવા માંડી: આ લોકોને યાદ રાખજો... ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું ત્યારે આ લોકો મોંમાં મગ ભરીને બેસી ગયા હતા. આમ તો તેઓ દિવસ-રાત સોશિયલ મીડિયા પર ફાલતુ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા કરે છે, પણ આપણા જવાનો સરહદ પર લડી રહ્યા હતા ત્યારે એમને કંઈ લખવાનું સૂઝ્યું નહોતું! 

જનતાનો આ ક્રોધ આમ તો પહલગામમાં થયેલા ટેરરિસ્ટ અટેક થયો ત્યારથી જ ટીપે ટીપે જમા થઈ રહ્યો હતો. એક જણાએ લખ્યું: 'ઓપરેશન સિંદૂર તો દૂરની વાત થઈ ગઈ. બોલિવુડના આ બનાવટી એક્ટરોએ તો પહલગામમાં જે 26 હિંદુઓ હણાઈ ગયા એમના માટે સાંત્વનનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો. આ બધા હીરો નથી, ઝીરો છે. બોયકોટ કરો સાલાઓને...' બીજાએ લખ્યું: 'ઇઝરાયલમાં કે ગાઝામાં કંઈક થાય છે તો આ બધા ટ્વિટ પર ટ્વિટ ફટકારતા રહે છે, તો પોતાના દેશની વાત આવે છે તો કેમ આપણા વીર જવાનોને પાનો ચડાવવાનું સૂઝતુ નથી?' ત્રીજાએ વળી બચાવ કર્યો: 'પણ લખવું-ન લખવું તો એમની વ્યક્તિગત ઈચ્છાની વાત છે. લાખો-કરોડો લોકોએ નથી લખ્યું. એમાં શું?' જેવી આ પ્રકારની કમેન્ટ આવે એટલે લોકો એના પર તૂટી પડયા: 'તો પછી આ લોકો દેશપ્રેમની ફિલ્મો શા માટે બનાવે છે? આપણને મૂરખ બનાવવા માટે? ફક્ત પૈસા કમાવા માટે?' એક નેટિઝને જરાક ગંભીર વાત કરી નાખી: 'પાકિસ્તાનમાં આ લોકોના માફિયા સપોર્ટર બેઠા છે, જે એમની ફિલ્મોમાં નાણા રોકે છે. પાકિસ્તાન વિશે ઘસાતું લખીને આ ફિલ્મી કલાકારો દુનિયાભરમાં ફેલાયેલા એમના મુસ્લિમ ઓડિયન્સને નારાજ કરવા માંગતા નથી! દેશપ્રેમ સાથે એમને કશી લેવાદેવા નથી. આ બધા માત્ર પૈસાના પૂજારી છે.'

સોશિયલ મીડિયા પર ક્યારે શું લખવું તે કળી લેવું તે પણ એક કલા છે! પહેલીવાર યુદ્ધવિરામ થયો ત્યારે અત્યાર સુધી મૌન બેઠેલા સલમાન ખાનને ચાનક ચડી ને તેણે ટ્વિટ ફટકારી: 'થેન્ક ગોડ ફોર સીઝફાયર...' અને પબ્લિકે સલમાન પર જે ઉકળી છે! સલમાને ગભરાઈને ટ્વિટ ડિલીટ કરી નાખી! પહલગામની દુર્ઘટના બની ત્યારે અમિતાભ બચ્ચને બ્લેન્ક પોસ્ટ મૂકી હતી, ને પછી સાવ ચુપ થઈને બેસી ગયા હતા. પબ્લિકે ગાળાગાળ કરી મૂકી: આવો તે કેવો સદીનો મહાનાયક? દેશમાં આટલું બધું થઈ રહ્યું છે, જવાનો સરહદો પર લડી રહ્યા છે ને આ માણસના પેટનું પાણી પણ હલતું નથી? આખરે બહુ દિવસો પછી અમિતાભે શરમે-ધરમે લાંબલચ્ચ પોસ્ટ મૂકવી પડી, જેમાં એમણે પોતાના પિતાજી હરિવંશરાય બચ્ચનની કવિતા ટાંકી. તો પણ લોકોએ બિગ બીને ટ્રોલ કર્યા જ. 

સોશિયલ મીડિયાની ડિક્શનરીમાં સંયમ, સમતા અને સહિષ્ણુતા જેવા શબ્દો હોતા નથી! લોકો ફોરેન સેક્રેટરી વિક્રમ મિસરીને ભયાનક હદે ટ્રોલ કરી શકતા હોય તો ફિલ્મી કલાકારોને ક્યાંથી છોડે? શા માટે છોડે? ટુ બી ફેર, બોલિવુડના બધા જ કલાકારો કંઈ મૌન ધારણ કરીને બેઠા નહોતા. એક્સ પર કમસે કમ પચ્ચીસ જેટલા ફિલ્મી સેલિબ્રિટીઓએ ઓપરેશન સિંદૂરના હેશટેગ સાથે પોતાના મંતવ્ય, વિચાર, લાગણી, જોશ કે જે કહો તે વ્યક્ત કર્યા જ છે. 

તેમણે લખ્યું કે... 

જેમ કે, શેખર કપૂર લખે છે: 'પહલગામ આતંકવાદી હુમલાનો જડબાતોબ જવાબ આપીને ભારતે આખી દુનિયાને દેખાડી દીધું છે કે ભારત કેટલો જવાબદાર અને આત્મવિશ્વાસથી ભરપૂર દેશ છે. યુદ્ધખોરીના ગાણા ગાયા વગર ઓપરેશન સિંદૂર હેઠળ ભયંકર આતંકવાદીઓને પીઠબળ પૂરું પાડતાં સંગઠનો અને એમના અડ્ડાઓનો આપણા સૈનિકોએ ખાત્મો બોલાવી દીધો છે.' કંગના રનૌતે લખ્યું: 'ઝીરો ટોલરન્સ ટુ ટેરર. ઈન્ડિયન આર્મ્ડ ફોર્સે ચોક્કાઈપૂર્વક નિશાન તાકીને નવ ટેરર કેમ્પ્સને ઉડાવી દીધા. જો હમારી રક્ષા કરતે હૈં, ઈશ્વર ઉનકી રક્ષા કરેં...' અને પછી ભાજપી કંગના ઉમેરવાનું ન ભૂલી: 'ઉન્હોંને કહા થા, મોદી કો બતા દેના...' શાહિદ કપૂરે લખ્યું: 'ભારત ક્યારેય સામે ચાલીને દુશ્મનને ઉશ્કેરવા જતું નથી, તો ભારત ભૂલતું પણ નથી.' અને પછી શાહિદે આ પોસ્ટ નીચેની કમેન્ટ્ને ડિએક્ટિવેટ કરી નાખી. મંધુર ભંડારકર, પરેશ રાવલ, સિદ્ધાર્થ મલ્હોત્રા નિમ્રત કૌર, પ્રીતિ ઝિન્ટાએ નારીશક્તિ અને ભારતીય શક્તિ ઝિંદાબાદના નારા લગાવ્યા. 

દક્ષિણ ભારતના કલાકારો કદાચ વધારે સ્પષ્ટતાથી, વધારે બેધડકપણે પોતાના વિચારો વ્યક્ત કરી શક્યા. રજનીકાંતે લખ્યુ: 'ધ ફાઇટર્સ ફાઇટ બિગિન્સ... યોદ્ધાએ યુદ્ધ શરૂ કરી દીધું છે. મિશન પૂરું ન થાય ત્યાં સુધી મિશન અટકશે નહીં. આખો દેશ તમારી સાથે છે, પીએમ મોદી...' દક્ષિણ ભારતીય અભિનેતા-નેતા પવન કલ્યાણે શબ્દો ચોર્યા વગર લખ્યુ': 'સેલિબ્રિટીઓ અને ઇન્ફ્લુએન્સરો સાવધાનીપૂર્વક વર્તે... સરહદની સુરક્ષા વિશે કક્કો પણ ખબર ન હોવા છતાં ઓપરેશન સિંદૂર વિશે સોશિયલ મીડિયામાં ભસવાનું તેઓ બંધ કરે.' પવન કલ્યાણે ઓપરેશન સિંદૂરમાં શહાદત વહોરી લેનાર 23 વર્ષના અગ્નિવીર મુરલી નાઇકને શ્રદ્ધાંજલિ પણ આપી. તમામ ફિલ્મી સેલિબ્રિટીઓમાંથી સંભવત: પવન કલ્યાણની ટ્વિટ્સને સૌથી વધારે રિસ્પોન્સ મળ્યો છે. 

એક તરફ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ને બીજી તરફ આ સેલિબ્રિટીઓ અને નેટિઝન્સનું યુદ્ધ. ફર્ક માત્ર એટલો છે કે પહેલું યુદ્ધ ઈતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે, જ્યારે બીજા નંબરના યુદ્ધનું મૂલ્ય કોડીનું પણ નથી...  

 

Related News

Icon