
આજે ચેટીચાંદનો તહેવાર છે અને ગુજરાતભરમાં સિંધી સમાજ નવા વર્ષની ઉજવણી કરી હતી. ગુજરાતમાં ઠેર ઠેર વસતા સિંધી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને નવા વર્ષે પ્રભુને પ્રાર્થના કરી ચેટીચાંદના તહેવારને મિત્રો, પરિવાર તથા સમાજના સાથે હળીમળીને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.
સિંધી સમાજ રાજકોટ અને રાસલીલા કલબ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી
રાજકોટમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા ચેટીચાંદની આનંદથી ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ સાહેબની આજે જન્મજયંતિ છે. તેમજ 1075માં વર્ષની આજે સિંધી સમાજે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે. ભક્તો મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આવતું વર્ષે આનંદ અને શાંતિમય રીતે પસાર થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી. રેલીનું પ્રસ્થાન સંતો અને સમાજના આગેવાનો હસ્તે કરવામાં આવ્યું હતું. બાઈક રેલી ગાયકવાડીમાં આવેલ ટહેલિયારામ મંદિરથી શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર અને ભાટિયા બોડીગે પૂર્ણ કરવામાં આવી હતી.
ધોરાજી સિંધી સમાજની ઝુલેલાલ જયંતિ પર વિશાળ શોભાયાત્રા
શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. આયો લાલ ઝૂલેલાલના ગગન ભેદી નાદ સાથે લોકો ઝુમી ઉઠ્યા હતા. આ સમયે ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, જયંતીભાઈ પારવાણી, ચુનીભાઇ સંભવાણી, લચછુંભાઇ સોનૈયા, જેરામભાઈ પારવાણી, શ્રીચંદભાઈ વગેરે સમસ્ત સિંધી સમાજના આગેવાનો જોડાયા હતા.
સવારથી રાત્રિ સુધી જૂલેલાલ સાહેબના મંદિર તેમજ ગુરુનાનક સાહેબના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કોલેજ સામે આવેલ લેઉવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય ડીજેના તાલે રાત્રિના સંગીત સંધ્યા તેમજ ભવ્ય ભંડારો યોજાશે. ધોરાજી સમસ્ત સંધિ સમાજ દ્વારા અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખીને જુલેલાલ ચાલીસા મહોત્સવ અને જયંતિ મહોત્સવમાં જોડાયા હતા.
CM ભુપેન્દ્ર પટેલ ચેટીચાંદની ઉજવણીમાં પહોંચ્યા
CM ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ચેટીચાંદની ઉજવણીમાં પહોંચ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટીસંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા હતા. ચેટીચાંદની ઉજવણીના ભાગરુપે શહેર બીજેપીના ધારાસભ્ય, મેયર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.