દુનિયામાં જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે તો લોકોમાં આ અકસ્માતનું અસલી કારણ જાણવાની ઈચ્છા હોય છે. આ સાથે જ સરકાર અને સિસ્ટમને પણ તપાસને પૂર્ણ કરવાની ઉતાવળ હોય છે. ઘણીવાર આ તપાસ અનેક દિવસો સુધી ચાલે છે, જેમાં અકસ્માતને લઈને તમામ પ્રકારની સંભાવનાઓ પર તપાસ કરવામાં આવે છે. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાને 17 દિવસ વીતી ગયા છે અને હજુ સુધી આ અકસ્માતમાંથી મળી આવેલા બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી તેનો કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો. હવે આ અકસ્માતને લઈને અલગ-અલગ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે, તપાસ એજન્સી આ અકસ્માતને લઈને ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરી રહી છે.

