
પાટીદાર આંદોલનના યુવા આગેવાન અલ્પેશ કથીરિયાએ સુરતમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં રાજ્ય પોલીસ અને રાજકીય દબાણ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ગોંડલ પ્રવાસ દરમિયાન તેમના સાથસાથે રહેલા કેટલાક સમર્થકો અને પાટીદાર યુવાનો સામે ખોટી રીતે ગુના દાખલ કરવામાં આવ્યા છે.
નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરાયા
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, "અમે ગોંડલમાં લોકસંપર્ક માટે ગયા હતા, જ્યાં અમારા કાર્યક્રમોમાં કોઈ ઉલ્લેખનીય શાંતિભંગ થયો ન હતો, છતાં પોલીસ દ્વારા અમારાં કેટલાક સાથીઓ સામે ખોટા કેસ દાખલ કરી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે."આ મુદ્દા અંગે અલ્પેશે તત્કાલ રાજ્યના ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી છે અને સમગ્ર ઘટના વિશે વિગતવાર રજૂઆત કરી છે. તેમણે ગૃહ મંત્રીને જણાવ્યું કે પોલીસના કેટલાક અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ આવીને નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે.
જયરાજના ઈશારે કાર્યવાહીના આક્ષેપ
આ મુદ્દા પર વધુમાં વાત કરતાં અલ્પેશે આરોપ લગાવ્યો કે, "જયરાજ જાડેજાના ઈશારાથી પોલીસ કાર્ય કરતી હોય એવું જણાય છે. ચોક્કસ રાજકીય ફાયદા માટે પાટીદાર સમુદાયના યુવાનોને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે." રાજ્યના ગૃહ મંત્રી દ્વારા અલ્પેશ કથીરિયાને ખાતરી અપાઈ છે કે તેઓ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરાવશે અને જો ખોટી કાર્યવાહી થઇ હોય તો તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. અલ્પેશે સરકારને ચેતવણી પણ આપી કે જો નિર્દોષો સામેની કાર્યવાહી પાછી નહીં લેવાય, તો આંદોલનાત્મક રસ્તો અપનાવવાનો વિકલ્પ ખુલ્લો રહેશે. મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવામાં આવશે.