
સુરતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ત્યારે ગતરોજથી વરસી રહેલા ભારે વરસાદમાં બે યુવકોના મોત નીપજ્યાં છે. જેમાં એકનું તાડપત્રી બાંધવા જતાં તથા બીજાનું પહેલા માળની ગેલેરીમાં બેસીને વાત કરતી વખતે બેલેન્સ ન રહેતા નીચે પટકાયા બાદ મોત થયું હતું. બન્ને યુવકોના મોતને લઈને તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘર પર તાડપત્રી લગાવતા મોત
હોડી બંગલા ખાતે 45 વર્ષીય શંકર ઠાકોરભાઈ રાઠોડ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ સાંજે ભારે વરસાદના પગલે ઘરમાં પાણી ટપકી રહ્યું હતું. જેથી છાપરા પર ચડીને શંકરભાઈ તાડપત્રી બાંધી રહ્યા હતા. દરમિયાન તેમનો પગ સ્લીપ થતા 10 ફૂટથી નીચે પટકાયા હતા. ઘટનાના પગલે શંકરભાઈને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મોબાઈલમાં વાત કરતાં મોત મળ્યું
સચિનના પાલી ગામ ખાતે આવેલી ચામુંડા સોસાયટીમાં 44 વર્ષીય રામચંદ્ર શિવ પ્યારે તિવારી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં એક દીકરો અને બે દીકરી છે. રામચંદ્ર મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે યુવક પહેલા માળે ઘરની ગેલેરીમાં પાળી પર બેસીને મોબાઇલમાં વાત કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક તે નીચે પટકાયો હતો. જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબે તપાસી મૃત જાહેર કરાયો હતો.