
કચ્છથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં અંજાર-સતાપર રોડ ( Anjar-Satapar road ) પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વાહનો લપેટાઈ ગયા હતા. માહિતી અનુસાર એક પૂરપાટ ગતિએ દોડતી કારે અન્ય વાહનોને અડફેટે લીધા હતા જેના લીધે બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. હાલમાં ઘાયલોને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અંજાર તાલુકાના સતાપર નજીક આજે બપોરે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં બે બાઇક અને એક ક્રેટા કાર સામસામે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારે ઓવરટેક કરવા જતાં સામે આવતા બાઈકોને ઉલાળ્યા હતા. આ ઘટનામાં માતા-પુત્રના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક દસ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે.
આ અકસ્માતમાં ટપ્પર ગામના શરદગિરિ મહેશગિરિ ગોસ્વામી (ઉ.વ.30) અને તેમની માતા સાવિત્રીબેન મહેશગિરિ ગોસ્વામી (ઉ.વ.55) નું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે. જ્યારે બાઇક પર સવાર દસ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર
માહિતી અનુસાર અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. જેના લીધે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. જ્યારે બે વ્યક્તિના મોતની પુષ્ટી થઈ હતી. સ્થાનિકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે નાસી છૂટવામાં સફળ થયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ આ મામલે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.