
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. તંત્ર દ્વારા મૃતદેહને વતન પહોંચાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણ પરિવારોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. ગઈકાલથી આજ સવાર સુધીમાં 19 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના DNA મેચ થયાનો કોઇ રિપોર્ટ આવ્યો નથી.
ઉદયપુર, બરોડા, વિસનગર, ખેડા જિલ્લાના મૃતકોની ડેડ બોડી આપવામાં આવી છે. જેટલા DNA મેચ થયા છે એ તમામના પરિવારનો કોન્ટેક કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવે તે સાચો માનવો પરંતુ બીજા કોઈ પણ ફોન પર વિશ્વાસ ન કરતા. સિવિલ હોસ્પિટલ માંથી નાણાની માંગ કરવામાં આવતી નથી.
જણાવી દઈએ કે, ગુજરાતના અલગ અલગ 18 જિલ્લામાં મૃતદેહોને વતનમાં પહોંચાડવા માટે કુલ 230 ટીમ બનાવવામાં આવી છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મેસમાં અને આસપાસના 32 જેટલા ઈજાગ્રસ્તોમાંથી 8ની સારવાર ચાલી રહી છે. 1ની હાલત અતિ ગંભીર હોવાનું કહેવાય છે. અન્યને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.