વક્ફ સુધારા બિલ ગુરુવારે રાત્રે લોકસભા અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થઈ ગયુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. બીજી તરફ સમગ્ર દેશના મુસ્લિમો અને વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું છે. ટોળાએ ભાજપ નેતાના ઘરને આગ ચાંપીને ફૂંકી માર્યું છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, મણિપુરમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીએ વક્ફ સુધારા કાયદાને સમર્થન આપ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા ટોળાએ આ પગલું ભર્યું છે. આ ઘટના રવિવારે રાત્રે થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી.

