
ગુજરાતમાં મંગળવારના રોજ ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં શ્રમિકોના મૃતદેહો ક્ષત-વિક્ષત થયા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર મોટાભાગના મૃતક શ્રમિકો મધ્ય પ્રદેશના રહેવાસી હતા.
11 એમ્બ્યુલન્સ પોલીસ પાયલોટિંગ સાથે ડીસાથી મધ્ય પ્રદેશ તરફ રવાના થઈ
ગત રોજ 11 એમ્બ્યુલન્સ પોલીસ પાયલોટિંગ સાથે ડીસાથી મધ્ય પ્રદેશ તરફ રવાના થઈ હતી, જેમાં મૃતદેહોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનો મૃતદેહોની રાહ જોઈ રહ્યા હતા. એમ્બ્યુલન્સ પહોંચતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા. ભીની આંખો સાથે પરિવારોએ પોતાના સ્વજનોના મૃતદેહો સ્વીકાર્યા હતા.
શું હતી ઘટના?
મંગળવારે ડીસામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જેમાં 21 શ્રમિકોના મોત થયા હતા. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની (સિંધી) અને તેનો પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરાઈ છે. જેમની સામે સાપરાધ મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.