
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીની ઓળખ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ડેડબોડીના ડીએનએ મેચ થયાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાત્રી કરી છે. હવે તેમના મૃતદેહને રાજકોટ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પૂરા રાજકિય સન્માન સાથે રાજકોટમાં અંતિમ વિધિ કરવામાં આવશે.
ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. બીજી તરફ CM ભૂપેન્દ્ર પટેલ અંજલિબેનને સાંત્વના આપી નીકળ્યા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. રાજકોટ પોલીસે વિજયરૂપાણીની અંતિમયાત્રના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે. સ્મશાન યાત્રા તેમના ઘરેથી નીકળી રામનાથ પરા સ્મશાન ગૃહ ખાતે પહોંચશે. ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે મૃતકોના અને તેમના પરિવારજનોના DNA સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં 31 મૃતદેહોના સેમ્પલ મેચ થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાની પણ શરૂઆત કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં ત્રણ પરિવારોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. ગઈકાલથી આજ સવાર સુધીમાં 19 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.