
રાજ્યના DGP વિકાસ સહાય સોમવારે નિવૃત થઇ રહ્યાં છે. વિકાસ સહાયને જો એક્સટેન્શન ના મળે તો અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકને રાજ્યના પોલીસ વડા તરીકેની જવાબદારી મળવાની શક્યતા સૌથી વધુ છે. આ ઉપરાંત, અમદાવાદના નવા પોલીસ કમિશનરની પસંદગી પણ કરવી પડે તેમ છે. જી.એસ.મલિક રાજ્યના પોલીસ વડા બને તો અમદાવાદના પોલીસ કમિશનર તરીકે મનોજ શશીધરને અનુભવના આધારે તક મળી શકે તેમ છે.જોકે, સમગ્ર ચિત્ર સોમવારે સાંજ સુધી સ્પષ્ટ થઇ જશે.
કોણ બનશે રાજ્યના નવા પોલીસ વડા?
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય સોમવારે વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. રાજ્યના નવા DGP કોણ બનશે? તેને લઇને પોલીસ વિભાગમાં તેમજ અન્ય ક્ષેત્રોમાં સતત ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના ગૃહવિભાગના સુત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર હાલ નવા DGPની નિમણૂંકના મૂડમાં નથી અને વિકાસ સહાયને ત્રણથી છ મહિના સુધી એક્સટેન્શન આપી શકે છે.
સામાન્ય રીતે નવા DGPની નિમણૂંક કરવાની હોય ત્યારે ગૃહવિભાગમાં સિનિયર IPSના નામને લઇને મીટિંગનો ધમધમાટ હોય છે પરંતુ ગૃહવિભાગે હાલ કોઇ આવી મીટિંગનું આયોજન કર્યું નથી. સાથે સાથે સિનિયર IPS સાથે બેઠક યોજાઇ નથી. 1989ની બેચના IPS વિકાસ સહાયને એક્સટેન્શન માટેના સત્તાવાર ઓર્ડર સોમવાર મોડી સાંજે રીલિઝ થવાની સંભાવના છે.
બીજી તરફ જો વિકાસ સહાયને એક્સટેન્શન ના મળે તો તેમના સ્થાને અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકને DGP બનાવવામાં આવી શકે છે. જોકે, વર્ષોથી જેલ વિભાગના વડા તરીકે જવાબદારી નિભાવતા કે.એલ.એન રાવ પણ સિનિયર છે પરંતુ તેમને તક મળવાની શક્યતા ખુબ ઓછી છે.
અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં આ નામ ચર્ચામાં
જો જીએસ મલિકને પોલીસ વડા બનાવવામાં આવે તો અમદાવાદની મહત્ત્વની જવાબદારી સિનિયર તેમજ અનુભવી IPSને સોપવી જરૂરી છે. જે માટે 1994ની બેચના મનોજ શશીધરન ગૃહવિભાગની પ્રથમ પસંદ છે.
જે હાલ CBIના એડિશનલ ડાયરેક્ટર તરીકે ડેપ્યુટેશન પર છે. મનોજ શશીધર સાથે પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડના DGP નીરજા ગોટરૂ અને 1995ની બેચના રાજુ ભાર્ગવ પણ રેસમાં છે. મનોજ શશીધરનને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાથે અન્ય વિભાગમાં પણ મહત્ત્વની કામગીરી કરી હોવાથી આગામી સમયમાં મનોજ શશીધરન અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પસંદ થાય તેની શક્યતા સૌથી વધુ છે.
કોણ છે મનોજ શશીધર?
મનોજ શશીધર CBIમાં આવ્યા પહેલા ગુજરાત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં એડિશનલ DG કામ કરી ચુક્યા છે. તે વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં DCP, અમદાવાદમાં જ જોઇન્ટ કમિશનર પણ રહ્યાં છે. મનોજ શશીધરની ગણના ઇમાનદાર IPS અધિકારીઓમાં થાય છે.