
ગુજરાતની ધનાઢ્ય ગ્રામ પંચાયતો પૈકીની એક એવી હાલોલ તાલુકાની ચંદ્રપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી ગામના 8 વોર્ડ અને સરપંચ પદ માટે એક પણ ઉમેદવારે ફોર્મ નહીં ભરતા સતત ત્રીજી ટર્મમાં પણ અહી વહિવટદાર જ શાસન કરશે.
ચંદ્રપુરાના ગ્રામજનો નારાજ
ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં છેલ્લી ત્રણ ટર્મથી એટલે કે 15 વર્ષથી સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની જાહેર કરવાને લઇને ગ્રામજનો નારાજ છે. જેના પગલે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે અંતિમ સમય સુધી સરપંચ પદ તેમજ તમામ વોર્ડના સભ્યોની ચૂંટણી માટે એક પણ વ્યક્તિએ ઉમેદવારી ન નોંધાવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે.
ચંદ્રપુરા ગ્રામ પંચાયતમાં વસ્તી 681ની છે તે પૈકી 327 મતદારો છે. આ ગામની મોટાભાગની વસ્તી પટેલોની છે. પરંતુ છેલ્લી બે ટર્મની જેમ આ ટર્મમાં પણ સરપંચ પદની બેઠક માટે અનુસૂચિત આદિજાતિની અનામત બેઠક જાહેર કરેલ હોય ગ્રામજનો દ્વારા આ અંગે વિરોધ નોંધાવતો પત્ર 8-5-2025ના રોજ કલેક્ટરને પાઠવવામાં આવ્યો હતો. પત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતમાં અનુસૂચિત આદિજાતિની વસ્તી ન હોવા છતાં અનામત બેઠક ફાળવવામાં આવે છે જેના પગલે ઉમેદવારી થતી નથી અને ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ વગર વહીવટદાર મારફતે ચાલે છે. હવે ફરી એકવાર સરપંચની બેઠક અનુસૂચિત આદિજાતિની બેઠકની ફાળવણી થયેલ છે.
ગ્રામજનોની આ રજૂઆત બાદ પણ ઉમેદવારી પત્રો નોંધાવવાની છેલ્લી તારીખ સુધી કોઇ નિકાલ ન આવતા ચંદ્રપુરા ગ્રામ પંચાયતના સરપંચ કે એક પણ સભ્ય માટે ઉમેદવારી પત્ર નહીં નોંધાવી ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે.
681 લોકોની વસ્તી ધરાવતા ગામની રેવન્યૂ વાર્ષિક એક કરોડ
ચંદ્રપુરા ગ્રામ પંચાયતની વસ્તી 681 લોકોની છે જેમાંથી મતદારો માત્ર 327 છે.આટલા નાના ગામની વાર્ષિક આવક (રેવન્યૂ) 1 કરોડની છે. ગામ પાસે 9 કરોડનું ભંડોળ છે. ગામની આવક કરોડોમાં હોવાનું કારણ એ છે કે હાલોલનો ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર આ ગામમાં આવેલો છે. મોટી કોર્પોરેટર કંપનીઓ આ ગામમાં આવેલી છે.