
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તણાવ વધતા સરહદી રાજ્ય ગુજરાત પણ પાકિસ્તાનના ટાર્ગેટ પર છે. કચ્છમાં સિઝ ફાયર થયા બાદ પણ ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા.કચ્છમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા પણ કરવામાં આવ્યા હતા. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. આ પરિસ્થિતીને પગલે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ અસર પહોંચી છે. ઉનાળા વેકેશનમાં અન્ય રાજ્યમાં આવતાં પ્રવાસીઓએ હાલ ગુજરાત આવવાનું માંડી વાળ્યુ છે. આ ઉપરાંત છેલ્લી ઘડીએ કોર્પોરેટ કોન્ફરન્સ પણ કેન્સલ થઇ હોવાનું જાણવા મળ્યુ છે. યુદ્ધની સ્થિતિને લીધે કચ્છ,સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં પ્રવાસન સ્થળોએ ટુરિસ્ટોની ભીડ ઓછી થઇ છે.
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો
ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી માંડીને કચ્છ, સૌરાષ્ટ્ર સહિત અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. માત્ર પ્રવાસન સ્થળો જ નહીં, દ્વારકા,અંબાજી, સોમનાથ સહિત અન્ય ધાર્મિક સ્થળોએ પણ આવનારાં પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સામસામે મિસાઇલો તણાઇ છે. આ સંજોગોમાં ગુજરાતમાં કચ્છ સહિત જામનગર, બનાસકાંઠા, પાટણમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કચ્છ,રાજકોટ સહિતના એરપોર્ટ પણ બંધ છે. યુદ્ધની સ્થિતીને જોતાં ગુજરાત આવતાં પ્રવાસીઓએ ધડાધડ બુકિંગ રદ કરાવ્યાં છે. હોટલ બુકિંગ કેન્સલ કરાવતાં ટુર ઓપરેટરોને આર્થિક ફટકો પડ્યો છે. નડાબેડ તો સદંતર બંધ થયુ છે. ટુર ઓપરેટરોનું કહેવુ છે કે બિઝનેસ અર્થ આવતાં લોકોએ પણ કોર્પોરેટ બુકિંગ રદ કરાવ્યાં છે. 60 ટકાથી વધુ કોર્પોરેટ બુકિંગ કેન્સલ થયા છે. વિદેશ અને અન્ય રાજ્યમાંથી ડેલિગેટ્સ આવી ન શકે એવી શક્યતાને જોતાં છેલ્લી ઘડીએ અમુક કોર્પોરેટ કોન્ફરન્સ રદ કરાઇ છે.
આનાથી ઉલટ એવુ પણ થયુ છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વકરે તેવી દહેશતને પગલે કેટલાંક ડોક્ટરો-બિઝનેસમેનોએ વિદેશમાં આયોજીત કોન્ફરન્સમાં જવાનું માંડી વાળ્યુ છે. આમ, યુદ્ધને લીધે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને અસર પહોંચી છે. હવે જ્યાં સુધી સ્થિતી થાળે ન પડે ત્યાં સુધી ટુરિઝમ ક્ષેત્રને આર્થિક નુકસાન વેઠવુ પડે તેમ છે.