Home / GSTV શતરંગ : Japan's traditional grain rice shortage a national emergency

GSTV શતરંગ / જાપાનમાં પરંપરાગત અનાજ ચોખાની અછત રાષ્ટ્રીય કટોકટી

GSTV શતરંગ / જાપાનમાં પરંપરાગત અનાજ ચોખાની અછત રાષ્ટ્રીય કટોકટી

- મીડ વીક

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જાપાનમાં એક જ વર્ષમાં ચોખાના ભાવ બમણા થતા ઉહાપોહ મચી ગયો છે. ગેજેટસ સાથે રમો કે રહો અસ્તિત્વ તો ખેતરમાં પાકતા અનાજથી જ રહેવાનું છે

સ્માર્ટ અને ડિજીટલ દુનિયા ભલે આંગળાના ટેરવે વાયરલ થતા વીડિયોમાં પોતાની આવક અને લોકપ્રિયતા શોધતી હોય પરંતુ કેટલીક પાયાની સમસ્યાઓ ઉકેલવાનો કોઇ શોર્ટ કટ હોતો નથી. અચરજ પમાડે તેવા શોધ-સંશોધનથી ઓળખાતા જાપાનમાં ચોખા (ચાવલ)ની તંગી અને વધતા જતા ભાવને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાની ફરજ પડી છે. ગત ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં લોકો ચોખા ખરીદવા લાઇનમાં ઉભા રહયા હોવાના દ્વષ્યો ઠેર ઠેર જોવા મળ્યા હતા. સુપર માર્કેટસમાં ૫ કિલો ચોખાના સરેરાશ ભાવ ૩૦ ડોલર (૪૦૦૦ જાપાની યેન) સુધી પહોંચી ગયા હતા. જાપાનમાં એક જ વર્ષમાં ચોખાના ભાવ બમણા થતા ઉહાપોહ મચી ગયો છે. આમ પણ રોજબરોજના જીવનનો આધાર ગણાતી ચીજ વસ્તુનો અભાવ અસલામતી પેદા કરે છે. સોશિયલ મીડિયાનું લોગ ઇન ખોરવાય તેના કરતા અનાજ પુરવઠો ખોરવાય તે વધુ મોટી સમસ્યા છે તેનું સૌને ભાન થયું છે. રોબોટસ કે ગેજેટસ સાથે રમો કે રહો ખુદનું અસ્તિત્વ તો ખેતરમાં પાકતા અનાજથી જ ટકવાનું છે. ચોખા કે ચાવલને જાપાની સંસ્કૃતિની પરંપરા અને અસ્મિતા સાથે જોડવામાં આવે છે. ચોખા જાપાની ઇતિહાસ,સમાજ અને રાજકીય અર્થ વ્યવસ્થામાં એક ભાવનાત્મક સ્થાન ધરાવે છે.

જાપાનમાં જે ચિકાશવાળા ચોખાનો ખોરાકમાં ઉપયોગ થાય છે તેને જાપોનિકા કહેવામાં આવે છે. જાપાનમાં ચોખાની ખેતી ઇસ પૂર્વે આવેલા કોરિયાઇ પ્રવાસીઓ દ્વારા લાવવામાં આવી હતી. આ દ્વીપ સમૂહની કૃષિક્રાંતિમાં ચોખાનું ખૂબ મોટું યોગદાન છે.૧૭મી સદીમાં સૈનિકોને વેતનમાં ચોખા આપવામાં આવતા હતા. ચોખાનો અમૂક જથ્થો આપીને સોનું પણ ખરીદી શકાતું હતું. જાપાનમાં આજે પણ મોટા ભાગના વ્યંજન ચોખા (ચાવલ)ની મદદથી જ બનાવવામાં આવે છે. દુનિયા ભરમાં મશહૂર જાપાની સૂશી પણ ચાવલમાંથી જ બને છે. ધાર્મિક સ્થળોએ શ્રધ્ધાળુઓ ચોખા ચડાવે છે. ચોખાનો પાઉડર ચહેરો સાફ કરવા માટે વપરાય છે. ચોખામાંથી સાબુ અને શેમ્પુ પણ તૈયાર કરવામાં આવે છે. જાપાનની વિખ્યાત શરાબ 'સાકી' ચોખામાંથી જ બને છે. જાપાનમાં બદલાતી જીવનશૈલીમાં પશ્ચિમી વ્યંજનોની બોલબાલા વધતી જાય છે તેમ છતાં ચોખાની કટોકટી પરથી ચોખાની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે.મોંઘવારીનો દર જાપાનમાં આમતો સ્થિર રહેતો હોય છે પરંતુ ચોખાએ ઓછી આવકવાળાના બજેટ ખોરવી નાખ્યા છે.

જાપાનના મધ્યમવર્ગને પરેશાન કરતી ચોખાની તંગી અને ભાવવધારાની સમસ્યા રાતોરાત સર્જાઇ ન હતી. ૨૦૨૩માં અતિ ગરમી પડવાથી ડાંગર (ચોખા) ના પાકના જથ્થા અને ગુણવત્તામાં ઘટાડો થયો હતો જેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહી. ૮ ઓગસ્ટ ૨૦૨૪માં દક્ષિણી જાપાનમાં એક શકિતશાળી ભૂકંપ પછી સરકાર દ્વારા વધુ એક મોટા ભૂકંપની ચેતવણી આપવામાં આવી હતી. કુદરતી આફતની આગાહીથી ગભરાયેલા લોકોએ બજારમાંથી ચોખા ખરીદીને સંગ્રહખોરી કરવા માંડી હતી

પરિણામ સ્વરુપ જાપાનના વિવિધ મોલ્સના શેલ્ફ અને ગ્રોસરી સ્ટોલમાંથી ચોખાનો સ્ટોક ધીરે ધીરે ખાલી થવા લાગ્યો હતો. ગત ઓગસ્ટના અંત સુધીમાં ૪ લાખ મેટ્રીક ટન ચોખાની તાણ ઉભી થઇ હતી. ૨૦૨૪માં ૩૭ મિલિયન વિદેશી પ્રવાસીઓ જાપાનમાં આવતા  રેસ્ટોરન્ટસ અને હોટેલ્સમાં ચાવલનો વપરાશ ખૂબ વધવા લાગ્યો હતો. ચોખાનો નવો પાક બજારમાં આવે તેના બે મહિના પહેલા જ સ્ટોક ખુટવાથી ગત સપ્ટેમ્બર મહિનાથી જ ભાવ વધવાના શરુ થયા હતા. જાપાનના કૃષિ મંત્રાલયે રિઝર્વ સ્ટોકના આધારે ગણતરી માંડી કે ઓકટોબર મહિનામાં નવો પાક બજારમાં આવશે ત્યારે સમસ્યા ઉકેલાઇ જશે. કૃષિ મંત્રાલયને આ સમગ્ર સંકટની ગંભીરતાને ઓછી આંકવી ભારે પડી. નવો પાક બજારમાં આવ્યો તો પણ ચોખાની માંગ ઘટી નહી. જાપાનમાં ૧૯૭૦થી ચોખાના ભાવો સ્થિર રાખવા માટે ઉત્પાદનના નિયંત્રણ પર ભાર મુકવામાં આવે છે.

ખેડૂતોને ચોખાના સ્થાને સોયાબીન,ઘઉં ઉગાડવા માટે આર્થિક મદદ કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ નીતિનું લક્ષ્ય ચોખાના વધુ ઉત્પાદનને નિયંત્રિત કરીને કિંમતોને સ્થિર રાખવાનો રહયો છે. જાપાનનો સમાવેશ વિશ્વના ૧૦ ચોખા ઉત્પાદકોમાં થતો હોવા છતાં મોટે ભાગે ઘરેલું માંગને પુરી કરવામાં જ ઉપયોગ થાય છે. જાપાનની વર્ષો જૂની ચોખા નિયંત્રણ નીતિમાં જો ઘરેલું ઉત્પાદન અચાનક ઘટી જાય અને માંગ વધી જાય તો શું? તેનો વિચાર કરવામાં આવ્યો ન હતો. ચોખાની વધતી જતી કિંમત અને તંગીને તત્કાલિન કૃષિમંત્રીએ હળવાશથી લેતા કહયું કે મારે ચોખા ખરીદવા પડતા નથી મારા મિત્રો જ મને ચોખા મોકલાવી દે છે. તેમના આ વિધાનથી સમગ્ર જાપાનમાં રોષ ફાટી નિકળતા મંત્રીએ રાજીનામું આપવું પડયું હતું.  

ચોખાની કટોકટી જયારે પરિસ્થિતિ હદથી બહાર નિકળી ગઇ ત્યારે વધતી જતી કિંમતોને નિયંત્રિત કરવા જાપાન સરકારે કટોકટી ભંડારણમાંથી સ્ટોક બહાર કાઢવાની જાહેરાત કરી. સ્ટોકની હરાજી કરીને ઉંચી બોલી બોલનારાઓને વેચવામાં આવ્યો. સામાન્ય રીતે કુદરતી આફતો અથવા તો પાક નિષ્ફળતા પછી ચોખાના ભંડાર ખોલવામાં આવે છે પરંતુ વિતરણ બાબતે આટલો મોટો હસ્તક્ષેપ કરવો પડયો હોય એવું પ્રથમવાર બન્યું હતું. 

જાપાનની કૃષિ સહકારી સમિતિઓના માધ્યમથી ચોખા વિતરણ કરવા પ્રયાસ થયો પરંતુ જટિલ માળખાના લીધે છેવાડાના માણસ સુધી ખૂબ ઓછો સ્ટોક પહોંચ્યો એટલું જ નહીં કિંમતમાં પણ કોઇ ઘટાડો થયો નહી. વિતરણમાં ડિલિવરી વાહનોની અછત સહિતની પાર વગરની લોજિસ્ટિકલ સમસ્યાઓ ઉભી થઇ હતી. માર્ચના મધ્યમાં યોજાયેલી પ્રથમ હરાજીમાં લગભગ ૧.૪૨ લાખ ટન અથવા કુલ ચોખાના ૦.૩ ટકા સુપર માર્કેટ અને અન્ય આઉટલેટ્સ સુધી પહોંચ્યા હતા. નવા કૃષિમંત્રી શિંજિરો કોઇજુમીએ રણનીતિ બદલીને સરકારી ચાવલ સીધા છુટક વિક્રેતાઓને નકકી કરેલી કિંમતે વેચવાનું શરુ કર્યુ હતું. હાલમાં માત્ર સરકાર દ્વારા વિતરિત થતા ચોખા જ સસ્તા છે જયારે સુપર માર્કેટમાં ભાવ આસમાને છે. સરકાર ૯.૧૦ લાખ ટન ભંડાર ખુલ્લો મુકવા ઉપરાંત ચોખાની આયાત પર પણ નિર્ભર રહેવાનો વાયદો કરી રહી છે.

વિશ્વ વેપાર સંગઠનની ન્યુનતમ સમજૂતી હેઠળ જાપાન માટે ૭.૭૦ લાખ ટન ચોખાની આયાત ટેરિફ મુકત છે. જો આ કોટામાં વધુ આયાત થાય તો પ્રતિ કિલો ૩૪૧ યેન ટેરિફ લાગે છે. આ ટેરિફ અંદાજે ૪૦૦ ગણું છે જે વિદેશી ઉત્પાદકોને જાપાનના બજારથી બહાર રાખવા માટે પુરતું છે પરંતુ ચોખાની કિંમતના વર્તમાન ઉછાળાએ પરિસ્થિતિ બદલી નાખી છે. જાપાનના કેટલાક વેપારી એકમો અને જથ્થાબંધ વેપારીઓ ભારે શૂલ્ક ચુકવીને પણ અમેરિકા અને દક્ષિણ કોરિયામાંથી મોટા પ્રમાણમાં ચોખા આયાત કરે છે. જાપાન આમ તો અનેક પ્રકારના ખાધ્ય પદાર્થો આયાત કરે છે. પોતાની જરુરિયાતની ૬૦ ટકા ખોરાક સામગ્રી બહારથી લાવે છે પરંતુ ચોખા બાબતે પૂર્ણ સ્વાવલંબી છે. છેલ્લા ૨૫ વર્ષમાં પ્રથમવાર જાપાને ચોખા આયાત કરવાની ફરજ પડી છે. જાપાનીઓ વિદેશના આયાતી ચોખાની ગુણવત્તા અને સ્વાદને હંમેશા નકારતા આવ્યા છે પરંતુ રાઇસ ઇમરજન્સીમાં ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.

એક અહેવાલ મુજબ ભૂતકાળમાં ૧૯૯૩માં અસામાન્ય શિયાળા અને ઉનાળા પછી આયાત કરાયેલા થાઇ ચોખા મોટા ભાગે વેચાયા વિના રહયા હતા. વર્તમાન કટોકટીએ જાપાની ગ્રાહકોને વિદેશી ચોખા માટે રુચિ વિકસાવવાની ફરજ પાડી છે. અમેરિકામાં એશિયાઇ પ્રકારના ચોખા થાય છે જે જાપાનના ચોખાની દેશી જાતને મળતા આવે છે. ઓનલાઇન અને સુપર માર્કેટમાં દક્ષિણ કોરિયાઇ ચોખા પહોંચવા છતાં પરિસ્થિતિ ખાસ સુધરી નથી. જાપાનીઓ ચોખા સંકટ સામે ઝઝુમી રહયા છે. 

જાપાનમાં સંસદીય ચુંટણી પહેલા સામાન્ય વપરાશકર્તાએ સંકટથી રાહત આપવી વર્તમાન સરકાર માટે પ્રાથમિકતા બની ગઇ છે. ગત વર્ષની સરખામણીમાં બમણા ભાવ જોઇને લોકો અને સરકાર પણ પરેશાન છે. ઓકટોબર મહિનામાં ચોખાના નવા પાકનો જથ્થો બજારમાં આવશે તે પછી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. કેટલાક નિષ્ણાતો માને છે કે જાપાનમાં રાઇઝ કટોકટીની અસર જથ્થા અને ભાવ પર એક વર્ષ સુધી રહે તેવી શકયતા છે. જાપાનમાં ખેતી કરનારી પેઢી વૃધ્ધ થઇ ગઇ છે અને યુવાઓ શહેર તરફ મીટ માંડે છે. જાપાનના કૃષિ શ્રમિકોની સરેરાશ ઉંમર ૭૦ વર્ષ છે. ૭૦ ટકા ફાર્મમાં ખેતી કરનારા માલિકોના ઉતરાધિકારી નથી આવા સંજોગોમાં ખેતી વ્યવસાય જાપાન માટે ભવિષ્યમાં વધુ પડકારજનક બનવાનો છે. 

- હસમુખ ગજજર

 

Related News

Icon