Home / GSTV શતરંગ : There was talk that Bhupen was somewhere

GSTV શતરંગ/ ભૂપેનનું ક્યાંક ઠેકાણું પડે એવી વાત એની મા કર્યા કરતી

GSTV શતરંગ/ ભૂપેનનું ક્યાંક ઠેકાણું પડે એવી વાત એની મા કર્યા કરતી

- વિન્ડો સીટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'ભૂપેન ખખ્ખર સ્વયંશિક્ષિત ચિત્રકાર હતા. તેમનાં ચિત્રો ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, ન્યૂ યોર્ક, બ્રિટિશ મ્યુઝિયમ, લંડન, ઇત્યાદિમાં સ્થાન પામ્યાં છે, અને કરોડોની કિંમતમાં વેચાયાં છે. તેમને પદ્મશ્રી જેવાં ઘણાં સન્માન મળ્યાં છે.' આવો પરિચય વિકિપીડિયામાં જરૂર શોભે. પરંતુ ભૂપેનનો અંતરંગ પરિચય મેળવવો હોય તો અવ્વલ દરજ્જાના ચિત્રકાર-સાહિત્યકાર ગુલામમોહમ્મદ શેખે લખેલું વ્યક્તિચિત્ર 'ભેરુ' વાંચવું પડે.

શેખ લખે છે, '(ભૂપેન પહેલવહેલો મળ્યો ત્યારે) સ્વભાવે શરમાળ, જાડાં ચશ્માંને કારણે થોડો ભોટ પણ લાગ્યો હતો. ફર્ગ્યુસન જેવી જાણીતા કંપનીમાં નોકરી પણ.. લગભગ રોજ જે.જે. સ્કૂલ ઓફ આર્ટના સાંજના વર્ગોમાં ચિત્ર શીખવાય જતો. સુનીલ (કોઠારી)ને ત્યાં હું ભોઈવાડે, ચાર-પાંચ ભૂંડા દાદરા ચડી જતો ત્યાં સુનીલનાં મરજાદી મા (જે મને 'મુસલમાની ખોળિયે વૈષ્ણવ' માનતાં!) હેતે, હોંશે પીરસતાં, જમાડતાં. સુનીલ બડબડિયો તેમ પ્રદ્યુમ્ન (તન્ના) ઝીણું ભણે : તળપદી બાનીમાં કવિતા રચે ને કાઠિયાવાડી ગામ-લોક અને ઢોર-ઢાંખરનાં 'કુમાર'શાઈ, 'ગુજરાતી ઢબ'નાં ચિત્રો કરે... સુનીલનો જીવ જ નાચણિયો. એ નવરો બેસે નહિ... ખેતવાડીમાં ખખ્ખર પરિવારનું બે માળે ઘર. મા મહાલક્ષ્મી જબરાં. આખું ઘર એમની આંગળીએ. એમની ધાકે સોપો પડે.. રસોઈમાં એટલાં પાવરધાં કે આંગળા કરડી જઈએ. હું આવવાનો હોઉં તો ભાવતા રસાદાર આખા રીંગણ અચૂક બનાવે.. મને મા લગી આટલો પહોંચાડવા પાછળ ભૂપેનની આડકતરી ઝૂંબેશ મા પાસે એની સી. એ. ની નોકરી છોડી વડોદરા જવા હા પડાવવાની હતી.. મારા આગ્રહે એ મોભાદાર અને ઊંચા પગારની નોકરી મૂકી ચિત્રકળા શીખવા વડોદરા આવ્યો.. મા ઘણી વાર આવતાં, એનો કારભાર જાતે સંભાળતાં.. ઉંબરે પાનની ડબી લઈને બેસી ચોવટ કરતાં..ભૂપેનનું ક્યાંક ઠેકાણું પડે એવી વાત થયા કરતી.' (અહીં નોંધી લઈએ કે ભૂપેન હોમોસેક્સુઅલ હતા.) 'મા કહેતાં કે બાયડી બધી સરખી, દીવો હોલવો એટલે બધી હેમા માલિની! (પણ) પરણવાની વાત ભૂપેને ચા પીવા ખાતર ચાની દુકાન ખરીદવા જેવી ગણાવેલી! ભૂપેન સંદિગ્ધતાનો પાઠ બરાબર ભજવતો. બહારથી સૌના જેવો 'સીધો' હોવાનો સ્વાંગ અને અંદરની એક ગુપ્ત દુનિયા. ઓગણીસ સો સાઠની શરૂઆતના એ ગાળે પુરુષ-પ્રેમ પસંદગી જાહેર કરવાનું કપરું જ નહિ, દુનિયા આખીને દુશ્મન કરવા જેવું : બેવડા જીવન સિવાય બીજો કોઈ રસ્તો નહિ. (મિત્રોએ) એક વાર એને કોઈ અજાણ્યા પુરુષના પાશમાં જોયો ત્યારે પકડાઈ જવાની બીકે 'ચોર! ચોર!'નું ગતકડું કરીને પ્રેમીને ભગાડી મૂકેલો... એના પ્રેમ-પરિઘમાં આવતી માંદી, મરતી વ્યક્તિના જીવનમાં નવો સંચાર થયાનું જોવા મળતું.'

'રોજનો જલસો. ટીખળ, ટોળ ને મસ્તી.. 'દરિયાની માછલી' વાળો વેવલો નાચ કરે ત્યારે, વાસીદું વાળતો હોય એમ ગરબો કરે ત્યારે હંમેશા 'વન્સ મોર' થાય...  લાંબા પ્રવાસે જતા હોઈએ ત્યાં ટ્રેનમાં અજાણ્યા મુસાફરો સાથે પોતાની કંકાસી બૈરી, એનાં લફરાં ને આડે રસ્તે ચડેલા દીકરાની વાતે ભોળાને ભોળવે  : ઘણા એની પીડા ટાળવા સમભાવ દર્શાવે...  પ્લાસ્ટરના દેવ ને કચકડાનાં રમકડાં, ફિલમનાં પોસ્ટર, ફૂટપાથ પર વેચાતા નકશા, છાપેલાં ધામક ચિત્રો એવું બધું ઘેર લઈ આવે ને.. કાચની કેબિનેટમાં ગોઠવે. (૨૦૦૨માં) માડ્રિડના વિખ્યાત રેઇના સોફિયા મ્યુઝિયમમાં એના જીવનભરની સર્જનાનો મહિમા કરતું મોટું પ્રદર્શન યોજાયું... (મેં) વિશ્વકક્ષાના મ્યુઝિયમમાં ભારતીય કળાનો અને એમાંય ભાઈબંધની સર્જનાનો મહિમા તૃપ્ત આંખે જોયો.'

ગુલામમોહમ્મદ શેખનું શબ્દ-ચયન જુઓ: મિત્ર નહિ પણ 'ભેરુ', મૂરખ કે ભોળો નહિ પણ 'ભોટ', દાદરા ઊંચા નહિ પણ 'ભૂંડા', પ્રદ્યુમ્ન બોલે નહિ પણ 'ભણે', સુનીલ નર્તનશીલ નહિ પણ 'નાચણિયો', સ્ત્રૈણ નહિ પણ 'વેવલો', ગપસપ નહિ પણ 'ચોવટ.' લેખક શિષ્ટ નગરભાષાથી ઉફરા ચાલીને બોલાતી તળપદી ભાષા પ્રયોજે છે. ટૂંકા વાક્યોથી ધાર્યા નિશાન પાડે છે : 'આખું ઘર એમની આંગળીએ.' 'રોજનો જલસો.' 'નાટક-ચેટકનુંય કોઠે.' આંતર્બાહ્ય લક્ષણો પારખીને એક લસરકે પાત્રાલેખન કરવામાં શેખને કોઈ ન પહોંચે. નૃત્યવિદ્ સુનીલ કોઠારીનું તરવરાટભર્યું વ્યક્તિત્વ અને ખખ્ખર પરિવારનાં મોભી મહાલક્ષ્મીનું ચિત્રણ જ જોઈ લો ને. ગીતકાર અને ચિત્રકાર પ્રદ્યુમ્ન તન્નાની વિશિષ્ટતા લેખકે આબાદ પકડી છે. (પ્રદ્યુમ્ન ઇટલી સ્થાયી થયા પછી પણ કાઠિયાવાડી બોલીનાં ગીતો લખતા અને 'કુમાર' માસિકમાં શોભે તેવાં પરંપરાગત રેખાંકનો કરતા.) 'ભેરુ'માં એવું ઝીણું કાંત્યું છે કે આપણે ય ભૂપેનના ભેરુબંધ થઈ જઈએ. ભૂપેન ચાર્ટર્ડ અકાઉંટંટનો સલામત વ્યવસાય મૂકીને ચિત્રકાર થયા- કળાનું કેવું પ્રબળ ખેંચાણ હશે! તેમને નિવાસસ્થાને રોજેરોજ કયા કલાકારો આવતા તેના આલેખનથી ભૂપેનની 'બુહેમિયન રેવેલરી' (મુક્ત આનંદની જીવનશૈલી) વ્યક્ત કરાઈ છે. ભૂપેને સમલિંગી જાતીયતાને ચિત્રોમાં જેવી મોકળાશથી આલેખી છે, તેવી જ મોકળાશથી લેખકે આ 'ટેબૂ' વિષયની વાતો માંડી છે. નિમ્ન મધ્યમ વર્ગના માણસોને ભૂપેને પોતાના જીવનમાં અને સર્જનમાં હરતા ફરતા કર્યા. અહીં ગુલામમોહમ્મદ શેખે ચિત્રોની સાથે માણસના રંગો ઓળખાવીને નિબંધનું શીર્ષક સાર્થક કર્યું છે.

- ઉદયન ઠક્કર

Related News

Icon