
- સાઈન-ઈન
- અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતનાં મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી થઈ રહી છે એટલે આ શબ્દ ચર્ચામાં છે. ડીએનએ ઘણી બધી રીતે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે
ડી ઓક્સીરિબો ન્યૂક્લિરિક એસિડનું ટૂંકું નામ છે - ડીએનએ. વારસાગત બાબતોને એક પેઢીથી બીજી પેઢીમાં લઈ જવાનું કામ ડીએનએ કરે છે. બાળક ગર્ભમાં હોય ત્યારે એના અંગોની રચના કેવી હશે અને તેના પર પૂર્વજોનો કેટલો પ્રભાવ પડી રહ્યો છે એ ડીએનએમાં સ્ટોર થાય છે. ડીએનએના કારણે માણસને ખાસિયતો મળે ને વારસાગત રોગો પણ મળે છે.
સરળ શબ્દોમાં સમજીએ તો એક સેલની ડબ્બીમાં રંગસૂત્રનો જથ્થો મળે છે. રંગસૂત્રમાં ડીએનએનું ગૂંચળું હોય છે. જે બે મરોડદાર પટ્ટીના સ્વરૂપમાં રચાયું છે. સેલના બરાબર કેન્દ્રમાં હોવાથી એને ન્યૂક્લિક એસિડ કહેવામાં આવે છે. ડીએનએને લગતા સેંકડો સંશોધનો થઈ રહ્યાં છે, જે ભવિષ્યમાં માણસને વારસાગત રોગોથી બચવામાં મદદ કરશે. વધતી ઉંમર અટકાવવામાં પણ ડીએનએ જ મદદરૂપ બનશે. જો માણસ અમર થશે કે અત્યારના સરાસરી આયુષ્ય કરતાં વધુ આયુષ્ય ભોગવતો થશે તો એની પાછળ ડીએનએ ચાવીરૂપ ભૂમિકા હશે.
ડીએનએથી બાળકના પેરેન્ટ્સની જાણ થઈ શકે છે. પૃથ્વીના તમામ સજીવોમાં ડીએનએની રચના જોવા મળે છે. શારીરિક અને માનસિક બાબતો પર ડીએનએનો ઊંડો પ્રભાવ છે. હવે તો સંશોધકોએ ત્યાં સુધી શોધી કાઢ્યું છે કે શારીરિક રોગો પાછળ તો ડીએનએ જવાબદાર છે જ, પરંતુ સ્ટ્રેસ જેવા માનસિક રોગો પણ ડીએનએ મારફત વારસામાં ઉતરે છે. ભારતીય ડોક્ટર વિનીત બંગાએ થોડા સમય પહેલાં અહેવાલમાં કહેલું કે પૂર્વજોના માનસિક રોગો ડીએનએના માધ્યમથી આવે છે. કદાચ એટલે અમુક બાળકો ત્રીજી-ચોથી પેઢીએ શરીરથી અને સ્વભાવથીય દાદા કે દાદી જેવા લાગતા હશે!
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયા પછી મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડયો. ડીએનએ મેચ થાય પછી જ સ્વજનોને મૃતદેહો આપવામાં આવી રહ્યા છે. બળી ગયેલા મૃતદેહોમાંથી સેમ્પલ લેવાનું કામ જટિલ છે. દિવસો સુધી એના પર ટેસ્ટ થયા પછી રિપોર્ટ બને છે. એ પ્રક્રિયા હજુય ચાલી રહી છે.
પણ આ પ્રોસેસના કારણે ડીએનએ શબ્દ અત્યારે ચર્ચામાં આવ્યો છે ત્યારે અહીં ડીએનએ વિશે મૂળભૂત જાણકારી મેળવી લઈએ...
***
ડીએનએના ઈતિહાસમાં જવાનું હોય તો શરૂઆત છેક ૧૮૬૯થી થાય છે. શરીરમાં ડીએનએની હાજરી છે એવી પ્રથમ વખત નોંધ સ્વિટ્ઝર્લેન્ડના વિજ્ઞાની ફ્રેડરિક મિએશરે એ વર્ષે કરી હતી. ફ્રેડરિકે એને 'ન્યૂક્લિન' નામ આપ્યું હતું. ૧૮૭૮માં આલબર્ટ કોસેલ નામના જર્મન વિજ્ઞાનીએ પ્રોટીન વગરના ઘટક તરીકે ન્યૂક્લિનની ઓળખ કરી હતી. ૨૦મી સદીની શરૂઆતમાં ડીએનએની ઓળખ માટે ઘણાં છૂટાછવાયા સંશોધનો થયા. ૧૯૦૯માં ફોએબસ લેવેને રંગસૂત્રમાં ડાયોક્સીરિબોઝ સુગરનું તત્વ શોધી કાઢ્યું હતું. ૧૯૩૩માં જીન લૂઈસ બ્રેચેટે કહ્યું હતું કે ડીએનએ સેલના કેન્દ્રમાં હોય છે. જ્યારે રિબોન્યૂક્લેરિક એસિડ (આરએનએ) કોષરસમાં હોય છે.
ફ્રાન્સિસ ક્રિક અને જેમ્સ વોટ્સને કેમ્બ્રિજ યુનિવર્સિટીની લેબરોટરીમાં સાથે કામ શરૂ કર્યું. બ્રિટિશ રસાયણશાસ્ત્રી રોઝલિન્ડ ફ્રેકલિનની એક્સ-રે ક્રિસ્ટોલોગ્રાફીની મદદથી આ બંને વૈજ્ઞાનિકોને ડીએનએનું સ્ટ્રક્ચર સમજવામાં મદદ કરી. બ્રિટિશ વિજ્ઞાની મોરિસ વિલકિન્સે પણ આ ત્રણેય સાયન્ટિસ્ટ સાથે ડીએનએને સમજવામાં ઘણી મહેનત કરી હતી. ક્રિક-વોટ્સને ત્રણ વર્ષની મહેનત પછી ડીએનએનું સ્ટ્રક્ચર તૈયાર કરી આપ્યું અને શરીરમાં ડીએનએનો શું રોલ છે એ પણ વિગતે સમજાવ્યું. ૨૫મી એપ્રિલ, ૧૯૫૩ના નેચર જર્નલના અંકમાં ક્રિક-વોટ્સનનો પહેલો આર્ટિકલ છપાયો, જેમાં ડીએનએનું ડબલ હેલિક્સ સ્ટ્રક્ચરની સમજ આપવામાં આવી હતી. બંને તરફના વલયો એટી-જીસીની અણુસાંકળથી જોડાયેલા હોય છે.
એ કેવી રીતે કામ કરે છે તેને લગતા કુલ પાંચ લેખો છપાયા. એ સાથે જ ડીએનએ પર થઈ રહેલા તમામ સંશોધનોને એક નવી જ દિશા મળી. ૨૫મી એપ્રિલના દિવસે પહેલો લેખ છપાયો હોવાથી વિજ્ઞાનજગત એ દિવસને ડીએનએ દિવસ તરીકેય ઉજવે છે. મહિલા વિજ્ઞાની રોઝલિન્ડનું માત્ર ૩૭ વર્ષની વયે ૧૯૫૮માં અકાળે અવસાન થયું. ૧૯૬૨માં ક્રિક-જેમ્સ ઉપરાંત ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બ્રિટિશ સાયન્ટિસ્ટ મોરિસ વિલકિન્સને ડીએનએ સ્ટ્રક્ચર સમજાવવા માટે સંયુક્ત રીતે ૧૯૬૨માં નોબેલ પુરસ્કાર અપાયો. જોકે, ડીએનએના શોધક તરીકે ક્રિક-જેમ્સને જેટલો યશ મળ્યો એટલો મહિલા સાયન્ટિસ્ટ રોઝલિન્ડને ક્યારેય ન મળ્યો. કેટલાય વૈજ્ઞાનિકોની ભલામણ છતાં ૧૯૬૨ બીટ રોઝલિન્ડને નોબેલ મળ્યો નહીં, કારણ કે ૧૯૭૪ સુધી મરણોત્તર નોબેલ આપવાની જોગવાઈ ન હતી.
***
શરીર વિજ્ઞાનના કેટલાય રહસ્યો ઉકેલવામાં ડીએનએની ઓળખ બહુ જ મહત્ત્વની બની રહી. કેન્સર,ડાયાબિટિઝ, હૃદયરોગ જેવી કેટલીય બીમારી વારસાગત એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરી આવે છે એવું ડીએનએના સ્ટ્રક્ચર પછી વૈજ્ઞાનિકોને સમજાયું. આરએનએ કે જેની એક હેલિક્સ છે, તેની પણ વ્યવસ્થિત જાણકારી મળી.
એમીનોએસિડમાંથી વિવિધ પ્રોટીન શરીરમાં બને છે એ પણ વૈજ્ઞાનિક રીતે સાબિત થયું. જીનોમનું આખું વિજ્ઞાન ડીએનએના સહારે સર્જાયું છે. ડીએનએની શોધ બાદ જીનને લગતા રહસ્યો વધારે સારી રીતે ઉકેલી શકાયા છે. ડીએનએથી માણસને વારસાગત રોગમાંથી મુક્તિ મળશે એવી આશા પણ ઉજળી બની છે. વૈજ્ઞાનિકો એવા સંશોધનો કરી રહ્યાં છે કે જેમાં વારસાગત રોગો થતાં પહેલાં જ અટકાવી શકાય.
રિવર્સ એજિંગ એટલે કે ઉંમરને ઘટાડવાના પ્રયોગો થઈ રહ્યાં છે. વ્યક્તિની વય ઘટી જાય તો એ ફરીથી યુવાન બની શકે અને એનું સરેરાશ આયુષ્ય વધી શકે. ઉંદરો પર રિવર્સ એજિંગના પ્રયોગો સફળ થઈ ચૂક્યા છે અને આગામી એક દશકામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળશે એવી આશા છે. રિવર્સ એજિંગની ટેકનિક ડીએનએ પર જ આધારિત છે. ડીએનએમાં એડિટિંગ કરીને વૃદ્ધ ઉંદરોને યુવાન બનાવાયા છે. ડીએનએનું એડિટિંગ ટૂલ મળી જશે તો માનવજાત કદાચ અમર થઈ જશે અથવા ચિરંજીવી બની જશે!
ડૉ. લાલજી સિંહ : દેશમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના જનક
વ્યક્તિનો માનવ વંશ ઓળખવા માટે ડીએનએ ઉપયોગી થાય છે. આફ્રિકન,એશિયન,અમેરિકન કે પછી એનાય અલગ અલગ પેટા જાતિના માણસમાં કોના ડીએનએ વધારે છે એ ટેસ્ટિંગથી જાણી શકાય છે.
ભારતમાં લાલજી સિંહને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ટેકનોલોજીના વિકાસનો યશ મળે છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના કલવારી નામના નાનકડાં ગામમાં ૯મી જુલાઈ,૧૯૪૭માં લાલજી સિંહનો જન્મ થયો હતો. પ્રાથમિક અભ્યાસ ગામની જ શાળામાં થયો ને બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માંથી પ્રાણીશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ૧૯૬૬માં યુજીસીની રીસર્ચ ફેલોશિપની મદદથી બીએચયુમાંથી જ પીએચડી થયા. તેમને બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં સંશોધન માટે કોમનવેલ્થ ફેલોશિપ મળી.
૧૯૮૭ સુધી લાલજી સિંહ ત્યાં કાર્યરત રહ્યા ને ૧૯૮૭માં ભારત પાછા ફર્યા. ભારતમાં આવ્યા પછી તેમણે હૈદરાબાદ સ્થિત સરકારી એજન્સી સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી)માં સિનિયર વિજ્ઞાની તરીકે કામ શરૂ કર્યું. ભારતમાં આવ્યા પછી તેમણે સૌથી મહત્વનું જે સંશોધન કર્યું તેનું નામ હતું - ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી. ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી ઉપલબ્ધ બની પછી પણ અદાલતમાં પુરાવા તરીકે તેને માન્ય ગણવામાં આવતી ન હતી.
૧૯૮૮માં લાલજી સિંહે કોર્ટમાં પ્રથમ ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીનો પુરાવો રજૂ કરીને એક બાળકના પિતૃત્વનો કેસ ઉકેલી આપ્યો. એ સાથે જ સિવિલ અને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનમાં નવા અધ્યાયનો આરંભ થયો. કોર્ટમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજી માન્ય બની પછી લાખો સિવિલ-ક્રિમિનલ કેસ ઉકેલવામાં મદદ મળી છે. આખા દેશને આ ટેકનોલોજીનો પહેલો જાહેર પરિચય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછીની તપાસમાં મળ્યો. રાજીવ ગાંધીની હત્યા થઈ પછી તેમની ઓળખ સ્પષ્ટ માટે લાલજી સિંહની ડીએનએ પરીક્ષણની મદદ લેવાઈ હતી. પાછલા વર્ષોમાં જે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તેઓ ભણ્યા હતા એના વીસી બન્યા હતા. ૨૦૧૭માં ૭૦ વર્ષની વયે વારાણસીમાં તેમનું અવસાન થયું હતું.
ડીએનએ કેટલાં વર્ષ સુધી મેળવી શકાય?
મોટાભાગના ફોસિલમાંથી ડીએનએની હાજરી મળતી નથી. એક્સપર્ટ્સ માને છે કે વધુમાં વધુ એક લાખ વર્ષ સુધી ડીએનએ સચવાતાં હશે, પછી એનું પર્યાવરણમાં વિઘટન થઈ જાય છે. જૂનામાં જૂનો ડીએનએનો નમૂનો ૨૫ કરોડ વર્ષ પહેલાંના ફોસિલમાંથી ૨૦૦૫માં મળ્યો હતો. માર્ટિન,મેથ્યૂ અને વિલર્સલેવ નામના ત્રણ સંશોધકોએ એ દાવો કર્યો હતો, પરંતુ એ મુદ્દો વિવાદિત બન્યો હતો. ડીએનએ સ્ટડીમાં એ-ડીએનએ નામનો જુદો વિભાગ છે. એન્શએન્ટ યાને પ્રાચીન ડીએનએ શોધવા માટેના પ્રયાસો ચારેક દશકાથી ચાલી રહ્યાં છે. માન્ય હોય એવા પ્રાચીન ડીએનએનો નમૂનો ગ્રીનલેન્ડમાંથી ૨૦૨૨માં મળ્યો હતો. એ ૨૦ લાખ જૂનો નમૂનો હતો.
ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ફોરેન્સિક ટેકનિક
બ્રિટિશ વિજ્ઞાની એલેક જેફ્રીસે ૧૯૮૪માં લેસ્ટર યુનિવર્સિટીમાં કામ કરતી વખતે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ફોરેન્સિક ટેકનિક વિકસાવી હતી. ડીએનએ આધારિત આ ફોરેન્સિક ટેકનિક આજે દુનિયાભરમાં ગુના ઉકેલવામાં મદદ કરે છે. બીજા સંશોધનો કરતી વખતે અચાનક આ શોધ થઈ હતી. ૧૯૮૫માં એક બાળકના પિતાની ઓળખનો વિવાદ ચાલતો હતો. પહેલી વખત એલેકની મદદ લેવામાં આવી હતી અને કેસ ઉકેલાયો હતો. ૧૯૮૭થી બ્રિટિશ પોલીસ વિભાગે આ ટેકનિકની સત્તાવાર મદદ લેવાનું શરૂ કર્યું હતું. થોડાં વર્ષોમાં દુનિયાભરમાં એનો ઉપયોગ થવા લાગ્યો હતો.
- હર્ષ મેસવાણિયા