Home / GSTV શતરંગ : The wrinkles on a father's face

GSTV શતરંગ / એક પિતાના ચહેરાની કરચલીઓ 

GSTV શતરંગ / એક પિતાના ચહેરાની કરચલીઓ 

- ઝાકળઝંઝા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- બેટા તું સમજવાનો પ્રયાસ કર, સલિલ તારા માટે યોગ્ય છોકરો નથી. તારા પપ્પાએ જે ક્રાઈટેરિયા રાખ્યો છે તે પ્રમાણે સલિલમાં એક ટકો પણ સારપ કે ગુણ નથી

'તમે સમજતા કેમ નથી યાર, આ મારી જિંદગી છે અને તેને કેવી રીતે જીવવી તે મારે નક્કી કરવાનું હોય. તમે લોકો મારી ઉપર દબાણ કરશો તો હું ઘર છોડીને જતી રહીશ.' -  આકૃતિએ ઘર માથે લીધું હતું.

'બેટા તું સમજવાનો પ્રયાસ કર, સલિલ તારા માટે યોગ્ય છોકરો નથી. તારા પપ્પાએ જે ક્રાઈટેરિયા રાખ્યો છે તે પ્રમાણે સલિલમાં એક ટકો પણ સારપ કે ગુણ નથી. ભવિષ્યમાં કંઈપણ હા-ના થઈ તો અમે કોઈને મોઢું પણ નહીં બતાવી શકીએ.' - વંદનાબહેનના અવાજમાંથી વેદના ભારોભાર નીતરતી હતી.

'જૂઓ તમે આટલા વર્ષો અમારું ધ્યાન રાખ્યું, અમને ઉછેર્યા અને અમને ભણાવ્યા-ગણાવ્યા તે ઘણું છે. હવે આગળનું જીવન કોની જોડે પસાર કરવું તેનો નિર્ણય લેતા અમને આવડે છે. તમે માત્ર અમારા મા-બાપ છો. અમારા ટ્રસ્ટી છો. અમારા માલિક થઈને દબાવવાનો હવે પ્રયાસ ન કરશો. બાકી હું ભાગી જઈશ અને મૌલિકને પણ સાથે લેતી જઈશ.' - આકૃતિએ તો જાણે કે રીતસરનું બંડ પોકાર્યું હતું. 

'બેટા તારી જિંદગી તું ઈચ્છે તે રીતે જ જીવી છે અને આગળ પણ જીવી લેજે. આપણા ઘરનો નિયમ છે કે, આપણા વડીલોએ નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે છોકરી લગ્ન ન કરે તો તેને સંપત્તિમાંથી અને પરિવારમાંથી બેદખલ કરવામાં આવે છે. કુટુંબની કોઈ વ્યક્તિ પછી તેની સાથે સંબંધ રાખતી નથી.' - વંદનાબહેન હજી પણ સમજાવવાનો પ્રયાસ કરતા હતા.

'તમે લોકો કયા જમાનામાં જીવો છો. છોકરીને ભાગ નહીં આપવાનો, બોલાવવાની નહીં, પોતાની નાતમાં અને પોતે કહે તેવા છોકરા સાથે લગ્ન કરાવવાના. એક તરફ દુનિયા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ આગળ વધી રહી છે અને તમારા જેવા લોકો હજી પણ ઘર, પરિવાર અને સમાજની પીપુડીઓ વગાડવામાંથી બહાર નથી આવતા. તમારે મને ઘરમાં ન રાખવી હોય તો ન રાખતા, સમાજમાં ન રાખતા, સોસાયટી, એરિયા, શહેર, અને રાજ્યમાં પણ ન રાખતા. મારા ગયા પછી તમે, તમારું કુટુંબ, તમારો પરિવાર, તમારો સમાજ બધા ખુશેથી રહેજો. ઓલ રાઈટ.' - આકૃતિ ભયાનક આક્રોશ સાથે બોલી અને ઘરની બહાર જતી રહી. 

સાંજ પડી પણ આકૃતિનો કોઈ અત્તો-પત્તો નહોતો. વંદના બહેને તેને ફોન કર્યો પણ આદત પ્રમાણે તેનો ફોન બંધ હતો. મૌલિક ઘરે આવ્યો તો તેને વાત કરી પણ તેનેય આકૃતિમાં કે તેની મમ્મીની વાતમાં કોઈ રસ નહોતો. તે પોતાના રૂમમાં જતો રહ્યો. લગભગ સાડા આઠ થયા અને આકૃતિના પપ્પા નિરજભાઈ ઘરે આવ્યા. વંદનાબેને વિગતે વાત કરી.

'નિરજ તમે આકૃતિને સમજાવો. તે મારી વાત માનવા તૈયાર નથી. તે સલિલ જોડે જ લગ્ન કરવા માગે છે. બપોરે ઓફિસથી હાફ ડે લઈને આવી હતી. મેં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ મારી સાથે ઝઘડીને જતી રહી.' - વંદનાબેને રડમસ અવાજે કહ્યું.

'જો વંદના, આપણે પ્રયાસ કરી શકીએ. આકૃતિ તને ખબર છે કેવી જિદ્દી છે. તે નાની હતી ત્યારથી આપણે તેની જિદ જોઈ છે. હજી તું કહીશ તો હું તેને સમજાવવાનો પ્રયાસ કરીશ પણ મને નથી લાગતું કે તે આપણી વાત માનશે. તેની નિયતીએ જે ધાર્યું હશે તે જ થશે.' - નિરજભાઈએ કહ્યું.

'તમે શું કાયમ નિયતી અને તકદીરની વાતો કરો છો. છોકરું ભુલ કરતું હોય તો આપણી ફરજ છે કે, તેને સમજાવવું જોઈએ. તમે સમજણની વાત છોડીને નસીબના ભરોસે બધું છોડી દો છો.' - વંદનાબેન થોડા અકળાયા. તે હજી આગળ કંઈ બોલવા જાય ત્યાં ઘરનો ડોરબેલ વાગ્યો. તેમણે નજર કરી તો ઉમેશભાઈ અને કામીનીભાભી આવ્યા હતા.

'આમ તો દરવાજો ખુલ્લો જ હતો પણ તમારા રંગમાં ભંગ પાડવા મેં બેલ માર્યો.' - કામીનીભાભીએ હસતા હસતા કહ્યું.

'અરે કંઈ રંગમાં ભંગ નહીં. અમે તો આ..' - વંદના બેન બોલવા જતા હતા ત્યાં નિરજભાઈ બોલ્યા,

'અમે આજકાલના છોકરાઓના સ્વભાવ અને ગમા-અણગમાની વાત કરતા હતા. તેમને આજે ઘર, પરિવાર, સમાજ બધું જ બંધન લાગે છે. તેમને કોઈ વાતે માનવું નથી હોતું.' 

'સાવ સાચી વાત છે નિરજભાઈ. આ અમારો વિદિત જ જૂઓને. કુટુંબમાં આઠ-આઠ ડોક્ટરો છે પણ એ ભાઈને મેડિકલમાં રસ જ નથી. મને કહે છે, આર્ટ્સ લઈશ અને જર્નાલિસ્ટ બનીશ નહીંતર હોટેલ મેનેજમેન્ટમાં જઈશ બાકી આ હાડમાંસની ચીરફાડમાં મને કોઈ રસ નથી.' - ઉમેશભાઈએ કહ્યું અને સોફામાં ગોઠવાયા.

'વંદના મને ખબર છે તમે લોકો આકૃતિની વાત કરો છો. તે સલિલ જોડે લગ્ન માટે તમને લોકોને દબાણ કરે છે. તમે લોકો તેને સલિલને છોડી દેવા દબાણ કરો છો.' - કામીનીબેન બોલ્યા.

'કામીની વાત ક્યાં ખોટી છે. તું તો અમારી જિંદગીની સાક્ષી છે. તને તો ખબર જ છે કે શું થાય છે. પરિવાર કેવું વર્તન કરે છે. અમે નથી ઈચ્છતા કે અમારા કુટુંબના લોકો આકૃતિ સાથે ખોટો વ્યવહાર કરે નહીંતર...' - વંદનાબેનની આંખમાં આંસુ આવી ગયા. ત્યાં જ દરવાજા ઉપર આકૃતિની એન્ટ્રી થઈ.

'મને ખબર જ હતી કે, મમ્મીના ઈમોશનલ ડ્રામા ચાલતા હશે તેમાં પપ્પા જોડાયા હશે. આ મહેમાન કલાકારો પણ આવીને ગોઠવાઈ જશે. કામીની માસી તો આ બધામાં એક્સપર્ટ છે. આમેય દરરોજ કોઈના કોઈને ત્યાં સગપણો કરવા માટે ગોઠવાઈ જ જતા હોય છે. તારા તો ચાઈલ્ડહુડ ફ્રેન્ડ છે. આપણા ઘરે તો અધિકારથી બધું કરી શકે.' - આકૃતિએ આક્રોશ ઠાલવ્યો.

'છોકરી મોઢું સંભાળીને વાત કરજે. નાના-મોટાનું માન જાળવતા ન આવડતું હોય તો વાત કરવાની નહીં. ઘરના વડીલો સાથે કેવી રીતે વાત કરાય તે શીખી જા પહેલાં. હું કંઈ તારી મા જેવી નથી. બે લબોચાની આપી દઈશ હમણાં.' - કામીની બેન ગુસ્સે થઈ ગયા.

'તમને કોઈ અધિકાર નથી મારી સાથે આવી રીતે વાત કરવાનો. તમે હાથ ઉપાડીને તો બતાવો હાલને હાલ પોલીસ સ્ટેશનને ઢસડી જઈશ. આખી જિંદગી કોર્ટના ધક્કા ખાતા થઈ જશો. તમે હજી મને ઓળખતા નથી.' - આકૃતિએ સામે જવાબ આપ્યો. કામીનીબેને તેને લાફો મારી દીધો. ઘરમાં શાંતિ વ્યાપી ગઈ.

'મેં તને ના પાડી હતી કે, આ લોકોને તારે અપનાવવાની જરૂર નથી. આ છોકરી પણ એના બાપ જેવી નગુણી જ છે. આ લોકો ક્યાંક અનાથઆશ્રમમાં જ મોટા થયા હોત તે જ સારું થાત. તને શોખ થયા હતા આ લોકોને ઘરમાં લાવવાના.' - કામીની બરાબર અકળાઈ ગઈ.

'કામીની પ્લીઝ, આ સમય નથી આ બધી વાતો કરવાનો. તું અત્યારે આ બધું રહેવા દે.' - નિરજભાઈ બોલ્યા.

'તમારા ખોટા લાડને કારણે જ આ ફાટીને ધુમાડે ગઈ છે. આ ડફોળને તમે લોકોએ કરેલા કામ અને તમે આપેલા બલિદાનની પણ ખબર પડવી જોઈએ. આ ગમે ત્યારે પેલા સલિલિયા જોડે ભાગી જાય તે પહેલાં તમે કરેલા ઉપકારોની જાણ તેને હોવી જોઈએ.' - કામીની બેને કહ્યું.

'સાંભળ એ ય છોકરી. તું જેની સાથે રહે છે એ તારા મા-બાપ નથી, તારા ફોઈ અને ફુઆ છે. તારી ફોઈએ તારા બાપની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા એટલે તારા નગુણા બાપે તેને સમાજની બહાર કરાવી. તેને ઘર કે સંપત્તિમાંથી કશું જ આપ્યું નહીં અને તેની સાથે સંબંધ પણ કાપી નાખ્યા. જે દિવસે તારા મા-બાપની ગાડીનો એક્સિડન્ટ થયો અને તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તમે બંને અનાથ જેવા પોલિસ સ્ટેશનમાં હતા. આ વંદના અને નિરજ તમને ઘરે લઈ આવ્યા.'

'તું ત્યારે માત્ર બે વર્ષની હતી અને તારો ભાઈ તો ઘોડિયામાં હતો. તમને ખબર જ નથી કે તમારા મા-બાપ કોણ છે અને કોણ હતા. તમે લોકો તો સુરતમાં રહેતા હતા. અમદાવાદ રહેતી તારી ફોઈ તમને અહીંયા લઈ આવી અને તમને ઉછેર્યા. આખી જિંદગી એણે બધું જ જતું કર્યું અને બધું જ તમને ગમતું કર્યું.'

'તારી આ ફોઈ વંદનાએ પોતાના સંતાનો કર્યા નહીં અને તમને જ પોતાના સંતાન બનાવીને જિંદગી આખી તમારી પાછળ ખર્ચી નાખી. વંદના કરતા પણ આ માણસ મોટો છે. તેની પાસે અનેક કારણો હતા તમને લોકોને નહીં અપનાવવાના પણ તે માણસે માનવતા દાખવી. એક સ્ત્રી સરળતાથી બલિદાન આપી દે કે મારે સંતાનો નથી જોઈતા પણ એક પુરુષ તરીકે આ જતું કરવું કેટલું અઘરું છે.'

'તારા નગુણા બાપના સંતાપ છતા આ નિરજભાઈએ તમને બંનેને પિતાની જેમ અપનાવ્યા અને પોતાના સંતાનોના પિતા નહીં બનવાનું સ્વીકારી લીધું. એક સ્ત્રી મા બને ત્યારે તેના પેટ ઉપર કરચલીઓ દેખાય છે પણ એક પિતાના ચહેરાની કરચલીઓ આજીવન કોઈ જોતું નથી અને પૂછતું પણ નથી.' - કામીની આટલું બોલીને સોફા ઉપર બેસી ગઈ. તેનું આખું શરીર ધુ્રજતું હતું. આકૃતિ ચોધાર આંસુએ રડતી રડતી દોડીને નિરજભાઈને ભેટી પડી.

- રવિ ઈલા ભટ્ટ

Related News

Icon