
- સાઈન-ઈન
- પિનકોડની સિસ્ટમ 53 વર્ષ પછી બદલાઈ છે. પિનકોડને બદલે હવે ટપાલ વિભાગે ડિજિપિન સિસ્ટમ લાગુ પાડવાનું નક્કી કર્યું છે. ડિજિપિનથી લોકેશન મેળવવાનું સરળ બનશે. નવી સિસ્ટમ લાગુ થઈ રહી છે ત્યારે 53 વર્ષ સુધી જે સિસ્ટમ પર પત્રોનો ભાર હતો એના વિશે જાણી લઈએ...
- છ આંકડાંના પિનકોડમાં રાજ્ય, ઝોન, સબઝોન, જિલ્લો, સ્થાનિક પોસ્ટ ઓફિસ જેવી ઘણી બાબતોની ઓળખની અદ્ભુત વ્યવસ્થા
- આખા દેશની પોસ્ટલ સિસ્ટમ નવ ઝોનમાં વહેચાયેલી છે : નવમો ઝોન આર્મી માટે રિઝર્વ
- પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર (પિન)ના કારણે ગોથાં ખાતા પત્રો નિયત સરનામે પહોંચતા થયાં હતાં
- સંસ્કૃત ભાષાના કવિ અને કોમ્યુનિકેશન મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીકાજી વેળંકરે પિનકોડની સિસ્ટમ વિકસાવી હતી
ટપાલ વિભાગ પર કોમ્યુનિકેશનનો આધાર હતો
મેસેજિંગ એપ્સની ક્રાંતિ પછી ટપાલ વિભાગનું કામ અનેકગણું ઘટી ગયું છે. કૂરિયર્સનું ભારણ પણ ઘટયું છે. લોકો સારાં-નરસાં બનાવોની જાણકારી ફોન-મેસેજથી આપી દે છે. હવે તો લગ્નની કંકોત્રી પણ વોટ્સએપમાં આપવાનો રિવાજ પડી ગયો છે. એક ફોન કરીને હજારો કિલોમીટર દૂર બેસેલા વ્યક્તિને કોઈ જાણકારી આપી શકાય છે. જો ફોન રિસિવ ન થાય તો મેસેજ, વોટ્સએપથી પણ કોમ્યુનિકેશન થઈ જાય છે.
પણ આ ક્રાંતિ થઈ એને માંડ બે દશકા થયા છે. તે પહેલાં લેન્ડલાઈન ફોન અને ટપાલ પર જ કોમ્યુનિકેશનનો આધાર હતો. ૨૦૦૦ના વર્ષ પછી તો અંતરિયાળ ગામડાં સુધી લેન્ડલાઈન ફોન પહોંચી ગયા એટલે એકબીજા સાથે કનેક્ટ રહેવાનું સરળ બન્યું હતું, પરંતુ તે પહેલા તો પોસ્ટકાર્ડ જ એકમાત્ર આધાર હતો. લોકો કરોડોની સંખ્યામાં દરરોજ પોસ્ટકાર્ડ મોકલતા અને દેશના ટપાલ વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે ફરીને એ ટપાલો પહોંચતી કરતા હતા.
વર્ષે 110 અબજ પત્રોની ડિલિવરી
ભારતમાં શિક્ષણ વધ્યું એમ પત્રો લખવાનું પણ વધ્યું હતું. ૧૯૭૦-૮૦ના દશકામાં ટપાલ લેખનનો સુવર્ણયુગ હતો. જેમને પત્રો લખતા આવડતા હતા એ નિયમિત પત્રો લખતા હતા. જેમને લખતા નહતું આવડતું એ લોકો પણ કોઈ પાસે લખાવીને પોતાની લાગણી સ્વજનો સુધી પહોંચાડતા હતા. પ્રિ-સ્માર્ટફોન એરાની વાત કરીએ તો ૨૦૦૪-૦૫માં ટપાલ વિભાગે એક વર્ષમાં ૨૫૦ અબજ ટપાલોને મુકામે પહોંચાડી હતી. આટલી મોટી સંખ્યામાં ટપાલ-પત્રોનું આદાન-પ્રદાન થતું હોય એવો ભારત એ વખતે એકમાત્ર દેશ હતો. જોકે, મોબાઈલની ક્રાંતિ પછી ટપાલ વિભાગનું કામ ઘટયું તો છે, છતાં ગયા વર્ષે જ ૧૧૦ અબજ ટપાલોની ડિલિવરી થઈ હતી. આ આંકડા પરથી કલ્પના થઈ શકે છે કે હજુય મોટી સંખ્યામાં ટપાલ-પત્રોનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે.
પિનકોડ : ટપાલોને સરનામે પહોંચાડતી સિસ્ટમ
૧૯૭૦ના દશકા પછી ટપાલ વિભાગ પર દરરોજ કરોડો ટપાલો પહોંચાડવાનું ભારણ રહેતું હતું. એમાં એડ્રેસ શોધવાની મુશ્કેલી પડતી એટલે દિવસો સુધી હજારો ટપાલો સરનામે પહોંચતી નહીં. કેટલીય ટપાલો તો યોગ્ય સરનામાના કારણે મુકામે પહોંચ્યા વગર જ રહી જતી. એમાંય ભારત જેવા દેશમાં તો એક જ નામ ધરાવતા હજારો લોકો હોય. એ વળી એક જ વિસ્તારમાં રહેતા હોય ને એક જ નામના એકથી વધુ જિલ્લા-તાલુકા-ગામડાં હોય એટલે જેમના નામનો પત્ર લખાયો છે એને શોધવામાં નાકે દમ આવી જતો.
આવી સ્થિતિમાં ટપાલોનું યોગ્ય વર્ગીકરણ કરવા અને નિયત સરનામે સમયસર પહોંચતી કરવા માટે દેશમાં ઝોન પ્રમાણે આંકડાંની ઓળખ આપવાનું નક્કી થયું. ખાસ પ્રકારની સિસ્ટમ વિકસાવવામાં આવી. એને નામ આપવામાં આવ્યું - પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર. છ આંકડાંનો આ યુનિક નંબર એટલો સિસ્ટમેટિક ગોઠવાયો હતો કે દરરોજની કરોડો ટપાલો એના સરનામે પહોંચતી થઈ. સંસ્કૃત ભાષાના કવિ અને કોમ્યુનિકેશન મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીકાજી વેળંકરે પિનકોડની સિસ્ટમ વિકસાવી હતી.
નવ ઝોનમાં દેશના વિસ્તારોનું વર્ગીકરણ
ભારતમાં પૂર્વ-પશ્વિમ-ઉત્તર-દક્ષિણ એમ મુખ્ય ચાર ઝોન છે. આ ચાર મુખ્ય પ્રદેશોને રાજ્ય પ્રમાણે વર્ગીકૃત કરીને ટપાલ વિભાગે નવ પોસ્ટલ ઝોન બનાવ્યા. ૧૯૭૨માં લાગુ થયેલી આ સિસ્ટમ પ્રમાણે છ આંકડાના પિનકોડમાં પહેલો અંક ઝોન બતાવે છે. ગુજરાત અને રાજસ્થાનને ત્રણ નંબર મળ્યો છે. આ બંને રાજ્યોમાં અનિવાર્ય રીતે પિનકોડનો પહેલો અંક ૩ હોય છે. સૌથી પહેલો ત્રણ નંબરનો આંકડો જોઈને દેશભરમાંથી આવતી ટપાલો કે પત્રો પશ્વિમ વિભાગના ઝોન ત્રણમાં મોકલી દેવામાં આવે છે. એ પછી ક્યા રાજ્યની ટપાલ છે એ સમજવા માટે બીજો આંકડો કામમાં આવે છે. રાજ્યો પ્રમાણે સબઝોન નક્કી થયા છે. જેમ કે, ગુજરાતમાં ત્રણ પછી ૬થી ૯ સબઝોનનો આંકડો છે. પિનકોડમાં જો આગળના બે આંકડાં ૩૬થી ૩૯ હોય એ વિસ્તાર ગુજરાતમાં જ હોય એ નક્કી થાય છે. ૩૯ પછી ૬ ઉમેરાય તો એ દીવ, દમણ, દાદરા અને નગર હવેલીનું એડ્રેસ હોય છે.
પિનકોડનો ત્રીજો આંકડો પહેલા બે આંકડાં સાથે મળીને એ રાજ્યનો જિલ્લો બતાવે છે. ૩૮૦ એવો આંકડો હોય તો એનો અર્થ કે એ ટપાલ અમદાવાદ જિલ્લાની છે. ત્યાર પછીના ત્રણ આંકડા સ્થાનિક પોસ્ટ ઓફિસ અને વિસ્તાર બતાવે છે. ટપાલ વિભાગના કર્મચારીઓ દેશના કોઈ પણ ખુણેથી આવતી ટપાલ આ છ આંકડા જોઈને સરનામે પહોંચાડે છે. પહેલા ત્રણ આંકડા ટપાલ દેશના ક્યા ઝોન, ક્યા રાજ્ય અને ક્યા જિલ્લાની છે એ નક્કી કરે છે. બાકીના ત્રણ આંકડા ટપાલ વિભાગના કર્મચારીઓને તાલુકો અને વિસ્તાર નક્કી કરવામાં મદદ કરે છે.
1972
૧૫મી ઓગસ્ટ, ૧૯૭૨ના દિવસે આખા દેશમાં ટપાલ સેવા સુધારવા માટે પિનકોડ સિસ્ટમ લાગુ થઈ હતી: ૨૦૨૨માં ટપાલ વિભાગે પિનકોડની ૫૦મી એનિવર્સરી ઉજવી હતી
આર્મી માટે રિઝર્વ પિનકોડની વ્યવસ્થા
દેશની સરહદો સાચવતી આર્મીની ત્રણેય પાંખોમાં કાર્યરત બહાદુર જવાનોને સમયસર પત્રો પહોંચે તે માટે ટપાલ વિભાગે રિઝર્વ પિનકોડની વ્યવસ્થા ગોઠવી હતી. પિનકોડ જો ૯ નંબરથી શરૂ થતો હોય તો એ ટપાલ દેશભરના લશ્કરી મથકોમાંથી કોઈ એક પોસ્ટ ઓફિસે જશે એ નક્કી થાય. દેશમાં આર્મી માટે ૩૫૮ પોસ્ટ ઓફિસ કાર્યરત છે. ૯ પછી જે આંકડો હોય એ આર્મી મથકના રાજ્યનો આંકડો હોય. એ પછીના આંકડાં રાજ્યમાં જે સ્થળોએ આર્મી પોસ્ટ ઓફિસ હોય એ દર્શાવે છે. એના આધારે લશ્કરના જવાનોને ટપાલ પહોંચે છે.
3 8 0 0 0
પહેલો આંકડો ઝોન બતાવે છે
પહેલા અને બીજા સાથે મળીને ત્રીજો આંકડો જિલ્લો જણાવે છે
બીજો સબઝોન દર્શાવે છે
છેલ્લાં ત્રણ આંકડાં જે તે જિલ્લામાં પોસ્ટ ઓફિસ અને એરિયા દર્શાવે છે
અમદાવાદમાં ખાનપુર, ખાડિયા, જમાલપુર, કાલુપુર જેવા વિસ્તારોમાં ૩૮૦૦૦૧ પિનકોડ લાગે છે.
- હર્ષ મેસવાણિયા