Home / GSTV શતરંગ : Gramophone Queen

GSTV શતરંગ/ ગ્રામોફોન ક્વીન 

GSTV શતરંગ/ ગ્રામોફોન ક્વીન 

- વામાવિશ્વ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ગૌહરજાન ભારતની ગ્રામોફોન કંપનીની પ્રથમ રેકોર્ડીંગ સ્ટાર હતી. તેણે દસ ભાષાઓમાં લગભગ 600 ગીતો ગાયા છે

આજના ટેકનોલોજીના યુગમાં, સંગીતની દુનિયામાં, અદ્યતન રેકોર્ડીંગ પદ્ધતિઓ આવી ગઈ છે. ત્યારે થોડા ભૂતકાળનાપાનાઓ ફેરવી પાછળ જઈએ અને વિશ્વની ભૂતકાળમાં જાણીતી કંપની 'ગ્રામોફોન' જેણે રેકોર્ડીંગની શરૂઆત કરેલી, એ ભારતની પ્રથમ 'ગ્રામોફોન ક્વીન' અથવા 'ગ્રામોફોન ગર્લ' તરીકે જાણીતી થયેલી 'ગૌહરજાન' વિષે ફોકસ કરીએ.

'ગ્રામોફોન' કંપની બ્રિટીશરોએ શરૂ રેલી. જેઓએ ગીતોના રેકોર્ડીંગની શરૂઆત પ્રથમવાર કરી. 'ગૌહરજાન' ભારતની પ્રથમ ગાયિકા હતી, જેણે ભારતમાં પ્રથમ ગીત ગ્રામોફોન કંપની માટે રેકોર્ડ કર્યું.

વાત છે લગભગ આજથી સદી પહેલાની. એ સમયે સ્ત્રીઓ જાહેરમાં ખાસ ગાતી નહિ. જે સ્ત્રીઓ ગાતી તે કોઠાની ગાયિકા કહેવાતી. ગૌહરજાનની શરૂઆત એ રીતે થઈ પરંતુ ગ્રામોફોન સિંગરબન્યા પછી તેને આ લોગોમાંથી મુક્તિ મળી.

ગૌહરજાનનો જન્મ, આઝમગઢમાં એક યહૂદી ક્રિશ્ચયન દંપતિને ત્યાં થયો હતો. તેનું શરૂઆતનું નામ એનજલીના હતું.પરંતુ એનજલીની થોડી સમજણ થતા, તેની માતા વિક્ટોરીયાએ છૂટાછાડે લીધા અને ખુરશીદ નામના મુસલીમ યુવકને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લગ્ન કર્યા. આ ઘટના પછી વિક્ટોરીયા 'મલીકાજાન' બની અને એન્જલીનાનું નામ, 'ગૌહરજાન' રાખવામાં આવ્યું.

'મલ્લીકાજાન' ખાસ કરીને જુદા જુદા ઘરાનાઓ એટલે ક્લાસીકલ સંગીતમાં અને કથ્થક નૃત્યમાં નિપૂણ હતી. નાની ગૌહરજાન માને સંગીત અને નૃત્યની તાલીમ લેતા જોતી. ગૌહરજાન અત્યંત દેખાવડી હતી. પાણીદાર આંખો, ગોરોવાન અને તેની નજાકત કોઈ પણ પુરુષને આકર્ષી શકે તેમ હતી, આને કારણે ગૌહરજાન નાનપણમાં, શારીરિક શોષણનો ભોગ બની.

આ પ્રકારની મહિલાઓ અને યુવતીઓ માટે શિક્ષણનો તો પ્રશ્ન જ ના આવે, આથી નાની ગૌહર એ સંગીત અને નૃત્યની તાલીમ લેવા માંડી અને જોતજોતામાં ગૌહર અતિ નિપૂણ કથકની ડાન્સર બની ગઈ. નૃત્યકલા ઉપરાંત, તેની પાસે ગોલ્ડન વોઈસ હતો. આથી નાની ગૌહર માતા સાથે ગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરતી.

૧૪ વર્ષની ઉંમરે ગૌહરે પ્રથમવાર દરભંગા રાજ્યના રાજાને ત્યાં પ્રથમવાર એકલા ક્લાસીકલ (શાસ્ત્રીય સંગીત) ના ગીત સાથે કથ્થક નૃત્યની પ્રસ્તુતિ કરી અને ગૌહરની પ્રતિષ્ઠા પર ચાર ચાંદ લાગી ગયા. આ ઉપલબ્ધિને કારણે ગૌહરજાનને દરભંગાના રાજ્યદરબારમાં સંગીતકાર તરીકેની પદવી મળી.

બસ શરૂ થઈ ગૌહરની સંગીતયાત્રા. જુદા જુદા રાજ્યોમાં ગૌહર શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ માટે જતી. તેની પ્રતિષ્ઠા આખા ભારતમાં ફેલાઈ.

જાહેરમાં કથ્થક નૃત્ય કરનાર તે પ્રથમ યુવતી બની આથી તેને 'ડાન્સર ગર્લ'નું બિરૂદ પણ મળ્યું. (એ સમયમાં સ્ત્રીઓ જાહેરમાં નૃત્ય કરતી ન હતી.) આ પછી ગૌહરજાનની માંગ વધી ગઈ. તેનો સુરીલો અવાજ, સાથે ભારતીય શાસ્ત્રીય સંગીતનું જ્ઞાાન અને કથ્થક નૃત્યના સમન્વયને કારણે તેની માંગ લગભગ દરેક રાજ્યોના દરબારોમાં થવા લાગી. એ સમયમાં ગૌહરની ફી ૧૦૦૦ રૂા. હતી, (જેની કિંમત આજના સમયમાં અનેક ઘણી ગણી શકાય.)

આમ ગૌહરજાનની સંગીત, નૃત્ય યાત્રા ચાલતી હતી તે સમયે ભારતમાં 'ગ્રામોફોન' કંપની આવી. ગ્રામોફોન કંપની રેકોર્ડ્સ બહાર પાડતી હતી, એ સમયની રેકોર્ડીંગ ટેકનોલોજી હતી. ગ્રામોફોન કંપનીએ ગૌહરજાનના ગોલ્ડન વોઈસના વખાણ સાંભળ્યા અને ગૌહરજાનને રેકોર્ડીંગ માટે કરારબદ્ધ કરી.

ગૌહરજાન શાસ્ત્રીય સંગીતની ખાં હતી. શાસ્ત્રીય સંગીતમાં ઠુમરી, દાદરા, કજરી, તરાના જેવા વિવિધ ખ્યાલો અને રાગોની પ્રસ્તુતિમાં નિષ્ણાત હતી. આથી આ વિષય પર તેનાં ગીતો રેકોર્ડીંગ કરવાનું નક્કી થયું.

ગૌહરજાનનું પ્રથમ ગીત ૩ મિનિટ માટે, ૭૮ રેમ્પ પર રેકોર્ડ થયું અને પ્રથમ રેકોર્ડ બહાર પડી. એ સમયના રેકોર્ડીંગ એન્જીનીયર જણાવે છે કે, એક પણ ભૂલ વગર, જરાય અટક્યા વગર ગૌહરજાને ૩ મિનિટમાં પહેલી જ વારમાં, રેકોર્ડીંગ પતાવ્યું.

ભારતમાં આ પ્રથમવાર રેકોર્ડ આવી તે ઇતિહાસ બની ગયો અને ગૌહરજાન પ્રથમ ભારતીય ગાયિકા બની, જેનું ગીત રેકોર્ડ થયું અને રેકોર્ડ બહાર પડી. ગૌહરજાન આ એક ગીત માટે એ સમયમાં રૂા. ૩૦૦૦ હજાર લેતી હતી.

ગૌહરજાને ૧૯૦૩ થી ૧૯૨૦ સુધીમાં લગભગ દસ ભાષાઓમાં ૬૦૦ ગીતો ગાયા. ગૌહર જાનના આ બહાર પડેલા ગીતોનો ફાયદો એ થયો કે રેકોર્ડને લીધે ભારતીય શાસ્ત્રીય સંગીત આમ જનતા સુધી પહોંચ્યું. રાજાના દરબારો સુધી સિમિત ભારતીય શાસ્ત્રીય સંગીત લોકભોગ્ય બન્યું.

ગૌહરજાનનું ભારતીય સંગીતની દુનિયામાં આ મોટામાં મોટું પ્રદાન

ગૌહરજાન એ સમયની ધનવાન સ્ત્રીઓમાંની એક ગણાતી, સાથે ફેશન આઈકોન પણ ગણાતી. આથી કહેવાય છે કે દર વખતે જ્યારે રેકોર્ડીંગમાં આવતી ત્યારે દર વખતે જુદા ફેશનેબલ વસ્ત્રો અને મોંઘી જ્વેલરી પહેરીને આવતી. એનાં વસ્ત્રો અને જ્વેલરીનું ક્યારે પણ પુનરાવર્તન (રીપીટેશન) થતું નહિ. તે એટલી બધી ફેશનેબલ હતી કે, એક ડ્રેસ ને જ્વેલરી એક જ વાર પહેરતી.

ગૌહરજાનની સ્ટુડિયોમાં જવાની સ્ટાઈલ પણ આગવી હતી. તેણે સાત ઘોડા વાળી બગી રાખી હતી, તે બગીમાં તે રેકોર્ડીંગમાં જતી, ત્યારે કોઈ રાણી હોય તેવો આભાસ થતો. આ જોઈને એક અંગ્રેજ અફસરે હેટ ઉતારીને માન આપ્યું હતું પરંતુ પાછળથી વાસ્તવિકતા ખબર પડતાં એ અંગ્રેજ અફસરે ૧૦૦૦ રૂા. દંડ કર્યો, તો ગૌહરે વટથી તે દંડ ભરી દીધો, પણ બગીમાં મુસાફરી કરવાનું ના છોડયું.

ગૌરહજાનનો મિજાજ પણ તેટલો જ તેજ હતો. એમ કહેવાય છે કે, 'ગ્રામોફોન ક્વીન' ગૌરહજાનની રેકોર્ડોને બેગમ અખ્તર થી લતામંગેશ્કર સુધી સાંભળીને શાસ્ત્રીય સંગીત માટે ફોલો કરી છે. આજે પણ શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલો માટે ગૌહરજાનનું નામ લેવાય છે.

આમ ગૌહરજાન એ ભારતીય રેકોર્ડીંગ સ્ટાર ગણાઈ અને 'ગ્રામોફોન ક્વીન' નામથી ભારતના સંગીતના ઇતિહાસમાં અમર થઈ ગઈ.

- અનુરાધા દેરાસરી

Related News

Icon