
- હોરાઈઝન
- 'વક્ત' ફિલ્મનું દ્રશ્ય જીવનભર યાદ રાખવું : ક્યારેક પ્યાલાને હોઠ સુધી પહોંચવામાં વર્ષો વીતી જતા હોય છે
- ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું : સમયને માન આપો,વર્તમાનની ક્ષણ જ આપણા હાથમાં છે તેને માણીએ
૧૯૬૫માં રિલીઝ થયેલી 'વક્ત' ફિલ્મનું દ્રશ્ય છે. લાલા કેદારનાથ (બલરાજ સહાની) શહેરના ઇજ્જતદાર શ્રીમંત હોય છે. મહેલ જેવી કોઠીમાં તેમના ત્રણ પુત્રો કે જોગાનુજોગ જેઓનો જન્મદિનની તારીખ એક જ છે તેની ઉજવણી માટે શાહી પાર્ટીનું આયોજન થયું હોય છે.
આવી ઉજવણીમાં એક સન્માનીય રાજ જ્યોતિષીની પણ ઉપસ્થિતિ હોય છે. લાલા કેદારનાથ અને તેમનો પરિવાર પુરા ઠાઠ સાથે મોંઘા સિલ્ક અને આભૂષણો સાથે જ્યોતિષી નજીક બેઠો હોય છે. ત્રણ પુત્રો પાંચેક વર્ષની વયથી ૧૨ વર્ષની વય ધરાવતા હશે.
લાલા કેદારનાથ જ્યોતિષીને તેનું ભાવિ જોવા હાથ બતાવે છે પણ તેમનો આશય તેનું ભાવિ જાણવા કરતા પોતે જ તેની વર્તમાન સાહ્યબી અને ભવિષ્યનો નિર્માતા છે તેવું ઘમંડ ઉપસ્થિત મહેમાનો વચ્ચે વ્યક્ત કરવા માંગતો હોય તેવો વધારે
લાગે છે.
લાલા કેદારનાથના હાથની હથેળી જોતા જ જ્યોતિષી કહે છે કે 'કાળી મજૂરી કરીને આ મુકામ પર પહોંચ્યા લાગો છો.'
હાંસી અને તુમાખી મિશ્રિત અદા સાથે લાલા કેદારનાથ કહે છે કે 'લો, તમે તેમાં નવું શું કહ્યું.મારા હાથમાં જ નહીં પીઠ પર પણ તેમ લખ્યું છે. એક જમાનામાં બજારમાં બોરીઓ પીઠ પર ઊંચકી, કાળી મજૂરી કરીને હું આગળ જતા લાલા કેદારનાથ બન્યો છું.' તેમ કહી હાસ્યના ઠહાકા વચ્ચે મહેમાનો વચ્ચે લાલા કેદારનાથ તેનો રેશમી ઝભ્ભો કાઢી, નીચા નમીને તેની પીઠ પર વર્ષોની મજુરીને લીધે પડી ગયેલા લીલા લિસોટા અને શૂળ બતાવે છે.
તે પછી લાલા કેદારનાથ કહે છે કે 'વ્યક્તિનું ભવિષ્ય હાથની હથેળીમાં નહીં પણ તેની બાહોંમાં (ખભા અને મહેનતનું પ્રતીક) લખેલું હોય છે. આપણે જ આપણા ભાવિના નિર્માતા છીએ.' જ્યોતિષી મહાશય મંદ મંદ લાલા કેદારનાથનો ઘમંડ જોતા રહે છે ત્યાં જ લાલા કેદારનાથ તેનું અભિમાન આગળ વધારતા જ્યોતિષીને કહે છે કે
'જુઓ હું તમને અત્યારથી જ કહીં બતાવું કે મારા આ ત્રણ પુત્રોને મોટા થતા હું શું બનાવીશ. આ મોટો છે તેને બૅરિસ્ટર અને આ નાનો મારા જેવો બુધ્ધુ છે (મજાક કરતા) એટલે તેને મારી પેઢીની ગાદીએ બેસાડીશ અને આ વચલાને હું વિલાયત મોકલીશ (આકાશમાં ઉડતા વિમાન જેમ હાથ કરતા).
જ્યોતિષી લાલા કેદારનાથના આસમાન સુધી પહોંચેલા ઘમંડને ધરતી પર લાવવા હાથમાં ચા પીવાનો પ્યાલો પકડીને કહે છે કે 'ઈન્સાન નહીં વક્ત જ સર્વસ્વ છે.આમ તો આ પ્યાલીને હાથથી હોંઠ સુધી પહોંચતાં જરા પણ વાર નથી લાગતી પણ કોઈ વખત હાથથી હોઠ સુધી પ્યાલીને પહોંચતા વર્ષો નીકળી જાય છે.'
લાલા કેદારનાથ તો હજુ તેમના પુરુષાર્થની મગરૂરીના નશામાં ચકનાચૂર છે તે જ્યોતિષીની મજાક ઉડાવતા હોય તેમ પ્યાલી હાથમાં લઈને હોઠ નજીક લઈ જઈને તેમાં રહેલું પીણું પીતાં કહે છે કે
'લ્યો આ પ્યાલો તો મેં પલકવારમાં પૂરો કરી દીધો.' બધા લાલા કેદારનાથને ખુશ કરવા હાસ્ય કરે છે.
લાલા કેદારનાથનું પોતે જ ભાગ્યનો ઘડવૈયો છે તેવું અભિમાન હજુ ઊતર્યું નથી હોતું અને તે જ રાત્રીએ વૈભવી શયન ખંડમાં લાલા કેદારનાથ પત્ની લક્ષ્મી (અચલા સચદેવ)ને પુત્રને વિદેશ મોકલશે તેવા ગુરુર સાથે આકાશ તરફ હાથથી વિમાન જેવી આકૃતિ સર્જે છે તે જ ક્ષણે પ્રચંડ ધરતીકંપ આવે છે. પ્યાલાને હોઠ સુધી પણ ન લાવી શકાય તેટલા સમયમાં તો આખું શહેર જમીનદોસ્ત અને તહસનહસ થઈ જાય છે.
પલકવારમાં લાલા કેદારનાથ મહેલમાંથી અનાથ જેવી હાલતમાં ધરતી પર આવી જાય છે. એક કપડું તો શું એક નાની પ્યાલી પણ હાથમાં લઈ નથી શકતા. ભવિષ્યમાં બૅરિસ્ટર, વિલાયત કે ગાદી પર પુત્રોને બેસાડવાની વાત હજુ કેટલીક મિનિટો પહેલા જ તુમાખી સાથે લાલા કેદારનાથે કરી હતી પણ તે પછીની ગણતરીની મિનિટોમાં જ તેની પત્ની અને સંતાનો તેનાથી વિખૂટા પડી જાય છે.ધરતીકંપની તારાજી વચ્ચે બિહામણી કાળી રાત્રિમાં લાલા કેદારનાથની નજર તેની જમીનદોસ્ત થયેલી દુકાનના પાટિયા પર પડે છે. લાલા કેદારનાથ પ્રસાંતા લખેલ તે પાટિયું લાલા અને કેદારનાથ અક્ષરો વચ્ચે જ તિરાડ પડવા સાથે તૂટી ગયું છે.
તે જ વખતે મુહમ્મદ રફીના કંઠે ગવાયેલું,સંગીતકાર રવિએ સ્વરબદ્ધ કરેલ અને સાહિર લુધિયાનવીએ લખેલ એપિક બની ગયેલુ ગીત બેક ગ્રાઉન્ડમાં વાગતું હોય છે અને કેમેરો એક ઘડીમાંથી બીજી ઘડી વચ્ચે થયેલ ધરતીકંપની તબાહી પર ફરતો
હોય છે.
આ ગીતના શબ્દો જુઓ :
'કલ જહાં બસતી થી ખુશિયા આજ માતમ વહાઁ,
વક્ત લાયા થા બહારે વક્ત લાયા થા ખીજાં
વક્ત સે દિન ઔર રાત,વક્ત સે કલ ઔર રાજ
વક્ત કી હર શય ગુલામ,વક્ત કા હર શય પે રાજ
વક્ત કી ગર્દિશ સે હૈ ચાંદ તારોં કા નિજામ,
વક્ત કી ઠોકર મેં હૈ ક્યા હકૂમત ક્યા સમાજ.
વક્ત કી પાબંદ હૈ આતા જાતી રૌનકે,
વક્ત હૈ ફૂલો કી સેજ ,વક્ત હૈ કાંટો કા તાજ.
જેઓએ 'વક્ત' ફિલ્મ જોઈ હોય તેઓને પણ આ દ્રશ્ય અને ગીત તાજુ કરાવવાનું એટલે યાદ આવ્યું કે તમે જે પણ મુકામ મેળવ્યો હોય કે સુખનું વાવેતર કરી હવે ફળ ભોગવતા હો પણ ક્યારેય અહંકારમાં કે કર્તૃત્વ ભાવમાં છકી ન જતા. ભલે સખ્ત પુરુષાર્થ કરીને સફળતા કે સુખ પ્રાપ્ત કર્યું હોય પણ તે માટે વડીલો અને ઇશ્વરની કૃપાને જશ આપજો કે 'અત્યારની ઘડી સુધી તો વક્ત - સમય સારો ચાલે છે.હવે પછીની ઘડી અને જીવન કેવું રહેશે તે મારા હાથમાં નથી.'
ઇશ્વર કે આશીર્વાદમાં ન માનતા હોવ તો સમયને રાજા ગણજો. કિસ્મતને કર્તા હર્તા માનજો પણ તમારા હાથમાં ઘડિયાળના એક સેકન્ડથી બીજી સેકન્ડ સુધી સરકતા કાંટા જેટલી પણ ભાવિ નિર્માણ કરવાની કે તેને દિશા આપવાની હૈસિયત નથી તે મનોમન માનજો. એટલે જ આ ક્ષણમાં જ જીવો અને જે પણ કરતા હો તેને માણો,તેમાં કોઈ ભલો હેતુ ઉમેરો તો અતિ શ્રેષ્ઠ.આ ક્ષણના જ તમે માલિક છો. બહુ લાંબા આયોજન કરવા કરતાં વર્તમાનમાં જે પણ છે તેમાંથી સુખ શોધતા શીખો.
થોડા દિવસો પહેલા એક પોસ્ટ વાંચી હતી.
જેમાં હતું કે 'જીવન બહુ અનિશ્ચિત છે. તમે વેકેશનની મજા લૂંટવા કોઈક પ્રવાસન સ્થળે જાવ છો અને આતંકવાદીઓ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારે છે.તમારી ગમતી ટીમ ટ્રોફી જીતે છે અને તમે તેની ઉજવણીમાં સામેલ થાવ છો તો ભીડમાં કચડાઈને મૃત્યુ પામો છો. તમે તમારા સ્વપ્ન સાકાર થતા જોઈને વિમાનની ઉડાણ ભરો છો અને જીવનનો અંત આવી જાય છે. તમે જાત્રા કરવા જાવ તો હેલિકોપ્ટર ક્રેશ થઈ જાય છે.તમે હોસ્ટેલમાં શાંતિથી બેઠા મજેથી ભોજન લેતા હોવ છો તો ત્યાં પણ તમારા પર વિમાન ત્રાટકે છે. તમે પાનની દુકાને મિત્રો જોડે ઊભા રહીને દિવસભરનો થાક ઉતારતા હોવ ત્યાં નશામાં ધૂત બનેલ ડ્રાઈવર બેકાબૂ બનેલી કાર પાનની દુકાનમાં ઘુસાડીને ઊભેલા મિત્રોના જીવનને ટૂંકાવી દે છે. કોઈ મગજ ફરી ગયેલ વ્યક્તિ તમારા નાના અમથા વર્તનથી ઉશ્કેરાઈ છરો હુલાવી દે છે.'
પહેલી નજરે લાગે કે આ ભારતના પ્રશાસન પરનો કઠોર વ્યંગ છે પણ ભારતમાં જ આવું નથી. વિશ્વમાં પણ માનવ જીવન દુષ્કર બન્યું છે. માણસો અશાંત,ત્રસ્ત અને વિકૃત બનતા જાય છે. ભૌતિક વિકાસ અને વૈભવ છતાં પણ વગર વાંકે જાન ગુમાવવી પડે તેવી ઘટના બનતી જાય છે. રવિવારની રજામાં વિદેશમાં પરિવાર સાથે શોપિંગ કરતા હો અને શૂટ આઉટની ઘટના બને છે. રાત્રે દુકાનમાં બેસીને દિવસની કમાણી આટોપતા હોવ ત્યાં કોઈ લૂંટારો ઠાર કરી મોત નિપજાવે.
વિશ્વમાં ત્રણ વર્ષથી વધુ સમયથી કોઈને કોઈ ખંડમાં યુદ્ધ જારી જ છે અને નાગરિકો વીના વાંકે મોતને ભેટે છે કે પછી બધું જ મિસાઈલ આક્રમણમાં ગુમાવી રસ્તા પર આવી જાય છે. મજાનું પરિવાર વિખૂટું પડી નિરાશ્રિતના લેબલ હેઠળ છાવણીમાં જીવન વીતાવે છે.
વાવાઝોડા,ચક્રવાત,ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ પણ સમય પરિવર્તક તરીકે જીવનમાં ઝંઝાવાત મચાવે છે તનાવ, ડિપ્રેશન અને બીમારીના હુમલાનો તબીબી રિપોર્ટ પોઝિટિવ આવતા જ જીવન પલકવારમાં બદલાઈ જાય છે.વિશ્વ આ હદે અનિશ્ચિત અને ભયજનક ક્યારેય નહોતું.
આથી જ સવારે ઉઠતા આપણે આંખો ઉઘાડીએ તો તેનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી તેમ માનો. સંજોગો જેવુ પણ આપે તેવું જીવન જીવો અને તેને પડકાર આપતા જ્યાં છો ત્યાંથી બેઠા થાવ,ઉપર આવો અને તે માટેનો શારીરિક અને માનસિક પુરુષાર્થ કરો. પણ મન અભિમાનમાં આકાર ન પામવું જોઈએ. 'ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.' જેવી કહેવત યાદ રાખો.
પ્રેમ કરો,ક્ષમા આપો,ક્ષમા માંગો,ખુશી વહેંચો,ગમતાનો ગુલાલ કરજો. પાણી પણ તૃપ્તિનો એહસાસ કરતા પીવો અને એક એક કોળિયો અમૃત છે તેમ માણો.
જેકી શ્રોફ જીવન અંગેનું તત્ત્વજ્ઞાન આપતો હોય તેવી શોર્ટ વિડિઓ ગૂગલમાંથી સર્ચ કરીને સાંભળવા જેવી છે. તે કહે છે કે હું ટપોરીની જેમ બોલું છું તેમ લોકો કહે છે તો પણ મને વાંધો નથી. તે ટપોરીના અંદાજમાં જ કોલરની પટ્ટીને ઊંચી કરતા બીડુ જેવા શબ્દનું પ્રયોજન કરતા કહે છે કે' મારી મા ચાલી ગઈ,મારા ડેડી ચાલ્યા ગયા,મારો ભાઈ ચાલ્યો ગયો તો પણ ગમ ખંખેરી લીધો,બધાને ઉપર જવાનું છે.કાલે મારો પણ આવશે.પત્ની,સંતાનોને મૂકીને ઉપર જવાનું છે એટલે દુ:ખી થોડું થવાય?
આખી જિંદગી શું રોતા રહેવાનું? ભલભલા કહેવાતા મોટા માણસો ચાલ્યા ગયા કોણ કોને યાદ રાખે છે. ખાબોચિયામાં જ રહીશું તો તેમાં જ પડયા રહીશું. એનર્જી લાવો. જીવનમાં ફરિયાદ તો કરવાની જ નહીં કે મારું આ કામ ન થયું અને મને આ કામ ન મળ્યું. બધાંને બધું નથી મળતું. જેના માટે જે લખાયેલું છે તે જ તેને મળે છે.તું આજુબાજુ જો તારા કરતા કેટલા દુ:ખી લોકો જીવી રહ્યા છે. ડિપ્રેશન શા માટે લાવવાનું ભાઈ, સવારે તંદુરસ્ત હાડકા સાથે ઉભો થયો ને તે જ મોટી વાત છે.તમારા તન મનમાં એનર્જીનો ઉમેરો કરો, તમારો ચહેરો હસતો રાખો, સ્માઈલ જ તમારું સ્વાસ્થ્ય પણ છે.'
જ્ઞાનપોસ્ટ
સુબહ આતી હૈ,રાત જાતી હૈ યુહીં
વક્ત ચલતા હી રહતા હૈ રુકતા નહીં..
કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ વો હજારો કે આને સે મિલતે નહીં. ઉમ્રભર ચાહે કોઈ પૂકારા કરે ઉનકા નામ વો ફિર નહીં આતે'
('આપ કી કસમ'ના ગીતની પંક્તિ)
- ભવેન કચ્છી