
સુરતના અમરોલીમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. એક મહિલાનો મોબાઈલ નંબર માંગવા પર પતિએ અજાણ્યા શખસોને ઠપકો આપ્યો હતો. જેના કારણે તેનો જીવ ગયો હતો. યુવકને પત્નીના અપમાનના વિરોધમાં લુખ્ખાઓને તાકીદ આપવી જિંદગીનો અંત બની ગઈ હતી. આરોપી ત્રણ શખસોએ પતિ પર ચપ્પુ વડે હુમલો કરીને તેનું હત્યા કાંડ રચ્યું હતું. જેમાં એક અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
છાતી અને પગના ભાગે હુમલો
કોસાડ આવાસમાં થયેલી હત્યા મામલે પોલીસની તપાસમાં ઈઝરાયલની પત્નીનો મોબાઈલ ફોન નંબર મુક્તસીદે માંગણી કરતા તેને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં આવાસની એચ બિલ્ડિંગના ત્રણ નંબરના દરવાજા પાસે ઈસરાયલને રસ્તા વચ્ચે આંતરીને છાતી અને પગના ભાગે ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કોસાડ આવાસ સ્થિત એચ બિલ્ડિંગ પાસે ગત બુધવારે સાંજે ડ્રાઈવર તરીકે નોકરી કરતાં ઇઝરાયલ મુસ્તાક શેખ અને અલી નામના યુવાન પર ચાકુ વડે ઘાતક હુમલો કરાયો હતો.
સારવાર પહેલાં મોત
આ બનાવમાં બંનેને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પેટ અને છાતીના ભાગે જીવલેણ હુમલાના કારણે ઇઝરાયલ શેખનું વધુ સારવાર મેળવે એ પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે કાપડની દુકાનમાં કામ કરતાં અલીને ઇજા થઈ હતી. આ બનાવમાં ઇઝરાયલના ભાણેજ અલીને પણ ઇજા પહોંચી હતી. હત્યાના બનાવમાં મૃતકના ભાણેજ સમીર નાસીર શેખની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરીને મુક્તસીદ ઉર્ફે મુકો રફીક પટેલ, સાહિલ ઇકબાલ મલેક અને ફારૂકની ધરપકડ કરી છે.